ચીન કંઈક બનાવે તો એટલું પ્રોડકશન કરે કે આખા વિશ્વનાં બજારો તેની પ્રોડક્ટથી ભરાઈ જાય છે. તેનાં આ સ્વભાવે હવે લસણને પણ છોડ્યું નથી. સ્વાસ્થ્ય માટે હાનિકારક આ લસણ ભારતમાં પ્રતિબંધ બાદ પણ વેચાઈ રહ્યું છે. 10 વર્ષ પછી ચાઈનીઝ લસણ કેમ આડેધડ વેચાવા લાગ્યું ? ભારતીય અદાલતો પણ આ મુદ્દે ચિંતિત છે, ચીનની આ યુક્તિ ખૂબ જ ખતરનાક છે.
જાદવપુર યુનિવર્સિટીના પ્રોફેસરે જણાવ્યું કે સ્થાનિક લસણ કરતાં ચાઈનીઝ લસણમાં વધુ જંતુનાશકોનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાં કારણે તે શરીરમાં ઘણી બીમારીઓ ઉભી કરી શકે છે.
ચાઈનિઝ લસણથી હોબાળો શા માટે ?
દસ વર્ષ પહેલાં પ્રતિબંધિત ચાઈનીઝ લસણ ભારતનાં શાકભાજી માર્કેટમાં ફરી વેચાવા લાગ્યું છે. અલ્હાબાદ હાઈકોર્ટે પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને ઉત્તર પ્રદેશ સરકાર અને કેન્દ્રને પૂછ્યું છે કે તે બજારોમાં કેવી રીતે પહોંચ્યું, તેનો સ્ત્રોત શું છે અને તેને રોકવા માટે કોઈ પ્રયાસ કરવામાં આવ્યો છે ? 2014 માં ચાઈનીઝ લસણ પર પ્રતિબંધ મૂકવાનું સૌથી મોટું કારણ એ હતું કે તે અત્યંત ખતરનાક છે અને તેમાં વપરાતાં જંતુનાશકો ઘણી ગંભીર બીમારીઓનું કારણ બની શકે છે.
ચીન સૌથી મોટો લસણ ઉત્પાદક દેશ
ચીન લસણનો સૌથી મોટો ઉત્પાદક દેશ છે, પરંતુ તેમાં જંતુનાશકોનું સ્તર ઘણું ઊંચું હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે લસણ દસ વર્ષ પછી ફરીથી બજારોમાં દેખાયું, ત્યારે એડવોકેટ મોતીલાલ યાદવે પીઆઇએલ દાખલ કરી અને પ્રતિબંધ હોવા છતાં તે બજારોમાં કેવી રીતે પહોંચ્યું તે અંગે ચિંતા વ્યક્ત કરી હતી. શા માટે ચાઈનીઝ લસણ શરીર માટે આટલું ખતરનાક છે અને કઈ રીતે જાણી શકાય કે ચાઈનીઝ લસણ કયું છે અને દેશી લસણ કયું છે.
ચાઈનિઝ લસણ કેમ આટલું હાનિકારક છે ?
જંતુઓથી બચાવવા માટે તેનાં પર છ મહિના સુધી મિથાઈલ બ્રોમાઈડનો છંટકાવ કરવામાં આવે છે, જેનાં કારણે તેમાં જંતુનાશકનું સ્તર ખૂબ જ વધી જાય છે. જેનાં કારણે પેટમાં ઈન્ફેક્શન અને અલ્સર જેવી બીમારીઓનો ખતરો વધી જાય છે. આ લસણ કિડની પર પણ ખરાબ અસર કરે છે, પરંતુ કિંમતની દૃષ્ટિએ તે સ્થાનિક લસણ કરતાં સસ્તું છે. આ જ કારણ છે કે પ્રતિબંધ હોવા છતાં તેનું આડેધડ વેચાણ થઈ રહ્યું છે.
અન્ય એક પ્રોફેસરે કહ્યું કે ચાઈનીઝ લસણમાં ફાયદાકારક વસ્તુઓ હોતી નથી જે સ્થાનિક લસણમાં જોવા મળે છે. એલીસીન નામનો અતિ મહત્વનો પદાર્થ તેમાં હોતો નથી. એલિસિન બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે અને તે કુદરતી એન્ટિબાયોટિક પણ છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. તેમણે કહ્યું કે ચાઈનીઝ લસણમાં તેની માત્રા ઘણી ઓછી છે. પ્રોફેસરે જણાવ્યું કે ચાઈનીઝ લસણમાં હાનિકારક ક્લોરીન હોય છે, જે તેને જંતુઓથી બચાવે છે અને ખરાબ થતા અટકાવવા ઉપરાંત તેને સફેદ રાખવામાં પણ મદદ કરે છે.
ચાઈનીઝ લસણ ફોલવામા સરળ હોય છે આજ કારણ છે કે રેસ્ટોરન્ટ અને હોટલવાળા તેને વધુ પસંદ કરે છે વળી ચાઈનીઝ લસણ સસ્તું પણ હોય છે જેથી તેઓને ડબલ ફાયદો થાય છે.
ચાઈનિઝ લસણ કેવી રીતે ઓળખવું ?
શાકભાજી બજારોમાં લસણની ઘણી જાતો ઉપલબ્ધ છે, તેથી કેટલીક બાબતોને ધ્યાનમાં રાખીને ચાઇનીઝ લસણ ખરીદવાનું ટાળી શકાય છે. દેશી લસણની સરખામણીમાં તેનો રંગ, આકાર અને ગંધ દરેક રીતે અલગ છે. તેનો રંગ આછો સફેદ અને ગુલાબી છે અને ચાઈનીઝ લસણનું કદ ઘણું મોટું હોય છે. તેની કળીઓ કદમાં મોટી હોય છે. મતલબ, તે સ્થાનિક કળીની કળી કરતાં બમણી પણ હોઈ શકે છે.
જયારે દેશી લસણનો રંગ સફેદ અથવા ક્રીમ કલર હોય શકે છે, પરંતુ તે કદમાં નાનું હોય છે. આ સિવાય ચાઈનીઝ લસણની ગંધ ખૂબ જ હળવી હોય છે, જ્યારે દેશી લસણની ગંધ તીવ્ર હોય છે. ચાઈનીઝ લસણ સ્વાદમાં તીખું નથી હોતું જયારે દેશી લસણ સ્વાદમાં તીખું હોય છે. ચાઈનીઝ લસણના ફોતરાં પાતળાં હોય છે જે જલ્દીથી કાઢી શકાય છે જયારે દેશી લસણના ફોતરાં જાડા હોય છે જે જલ્દીથી કાઢી શકાતાં નથી.
લસણ ખાવામાં પણ ચીન આગળ
ચીન માત્ર લસણ ઉગાડવામાં જ નહીં પરંતુ ખાવાના મામલે પણ અન્ય દેશોને ખૂબ પાછળ છોડી દીધાં છે. લસણની ખેતી અને નિકાસમાં ચીન વૈશ્વિક અગ્રેસર છે.2018 સુધીમાં લગભગ 75 ટકા બજાર પર ચીન પ્રભુત્વ ધરાવે છે. ચીનમાં કેટલીક વ્યક્તિઓ એક સમયે 12 લસણની કળીઓ ખાય છે ચીન લસણનો સરેરાશ વપરાશ દર વર્ષે વ્યક્તિ દીઠ 14.3 કિગ્રા હોવાનો અહેવાલ છે, જે લગભગ 3 પાઉન્ડ કરતાં વધારે છે.
ચીન પછી, ભારત, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, કોરિયા, રશિયા અને બ્રાઝિલ જેવાં દેશોમાં પણ માથાદીઠ લસણનો વપરાશ વધુ છે. 2018 સુધીમાં, ભારતનો હિસ્સો લગભગ 5 ટકા હતો, જેમાં ઇન્ડોનેશિયા અને બાંગ્લાદેશનો હિસ્સો 2 ટકા હતો અને રશિયા, બ્રાઝિલ અને દક્ષિણ કોરિયા દરેકનો હિસ્સો 1 ટકા હતો. દક્ષિણ કોરિયાનો વ્યક્તિ દીઠ લસણ વપરાશ 6.2 કિગ્રા છે, ત્યારબાદ બાંગ્લાદેશ 2.6 કિગ્રા, રશિયા 2.2 કિગ્રા, ઇન્ડોનેશિયા 1.8 કિગ્રા, બ્રાઝિલ 1.5 કિગ્રા અને ભારત 1.1 કિગ્રા છે.
ચીને 1990 ના દાયકાથી લસણની ખેતીમાં મોટી છલાંગ લગાવી છે. 2020 માં, તેને 22.5 લાખ ટનની નિકાસ કરી હતી, જે એક રેકોર્ડ બની ગયો હતો. હાલમાં, વિશ્વનાં લસણમાંથી 3 તૃતીયાંશ લસણ એકલાં ચીનમાં જ ઉગે છે એટલે જ ચીનને લસણની ફેક્ટરી કહેવાય છે.
લસણનો સુગંધિત ઇતિહાસ
માનવીઓ 5000 વર્ષથી લસણનો ઉપયોગ કરે છે, જેનો ઉલ્લેખ ભારતીય અને ઇજિપ્તની સંસ્કૃતિમાં જોવા મળે છે. 4500 વર્ષ પૂર્વે બેબીલોનીયન સંસ્કૃતિમાં વર્ષો પહેલાં લસણ ખાવાનું શરૂ થયું હતું. 2000 વર્ષોથી લસણ ચીની ખોરાકનો અભિન્ન ભાગ બની ગયું છે. 850 વર્ષો પહેલાં યુનાનમા પ્રાચીન કવિ હોમરે દાવો કર્યો હતો કે લસણમાં ઔષધીય ગુણો છે. 1762 માં માર્સેલીમાં પ્લેગ ફાટી નીકળ્યો હતો. ત્યારે ચાર ચોરો સજામાંથી એટલા માટે બચી ગયા કારણ કે તેઓએ લસણમાંથી દવા બનાવી હતી જે દવાએ તેમને પ્લેગથી બચાવી રાખ્યાં હતાં.