ચંદ્રયાન-3માં રોકેટનો મુખ્ય ભાગ જ જામનગરમાં બન્યો

By: nationgujarat
17 Jul, 2023

14 જુલાઈની બપોરે ભારતના લોકો જ નહીં, વિશ્વભરની આંખો આકાશમાં મંડાયેલી હતી, કારણ કે ચંદ્રયાન-3 લોન્ચ થવા જઈ રહ્યું હતું. ભારત માટે આ ક્ષણ ઐતિહાસિક હતી અને 25 ઓગસ્ટે ચંદ્રયાન જ્યારે લેન્ડ થશે ત્યારે ભારત માટે ગૌરવની ઘડી હશે. ચંદ્રયાન-3 બનાવવા માટે ગુજરાતનો મોટો ફાળો રહ્યો છે, એ ગુજરાત માટે ‘ધન ઘડી ધન ભાગ’ છે. અમદાવાદમાં ઈસરો સેન્ટર છે જ. એમાં સેટેલાઈટના સેન્સર, પેલોડ સહિતના 11 પ્રકારના પાર્ટ્સ બન્યા. રોકેટનો મુખ્ય ભાગ જામનગરની ગીતા એન્જિનિયરિંગ કંપનીએ બનાવ્યો છે. આ મશીનને 8 જુદી જુદી ટ્રકોમાં લઈ જવામાં આવ્યું હતું અને પછી તેને ભેગા કરીને રોકેટનો મુખ્ય ભાગ બનાવવામાં આવ્યો. તો ચંદ્રયાનના રોવરમાં માઇક્રો અને સૂક્ષ્મ કેમેરા ચારે બાજુ મૂકવામાં આવ્યા છે તે પ્રોજેક્ટનું કામ મૂળ કચ્છની કંપનીને સોંપવામાં આવ્યું હતું. એટલું વિચારો કે, ચંદ્રયાન-3ના રોકેટના મુખ્ય તોતિંગ ભાગો ટ્રકમાં જામનગરથી નીકળ્યા હશે અને આંધ્રના શ્રીહરિકોટા પહોંચ્યા હશે, ત્યાં જ ગુજરાતી તરીકે કેવો ગર્વ થાય.

અમદાવાદ ISROમાં ચંદ્રયાન-3ના 11 પાર્ટ બન્યા
ચંદ્રયાન-3માં અમદાવાદ ઇસરોનો મહત્ત્વનો ફાળો છે. જેમાં અમદાવાદ ઇસરો દ્વારા અલગ અલગ પાર્ટ બનાવાયા છે. તેમાં 11 જેટલા પાર્ટ અમદાવાદ ઈસરોએ બનાવ્યા છે. તેમજ ઇસરોએ સેટેલાઈટના સેન્સર, પેલોડ બનાવ્યા હતા. કેમેરા સિસ્ટમ, કાર્બન અલ્ટિમીટર સેન્સર સાથે પ્રોસેસિંગ સિસ્ટમ, રોવરનું ઈમેજ મેકર ઈસરો દ્વારા જ તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ચંદ્ર ઉપર સરળતાથી લેન્ડિંગ માટે સેન્સર, પેલોડની ખૂબ જરૂર પડે છે. ભારત વધુ એક સિદ્ધિ પોતાના નામે કરવા જઈ રહ્યું છે. ભારત હવે સેટેલાઈટ ક્ષેત્રે પણ વિશ્વના દેશોને પાછળ રાખવાની ક્ષમતા ધરાવી રહ્યું છે. ચંદ્રયાન-2ની અંદર પણ ભારતે પોતાના પ્રથમ પ્રયાસે ચંદ્રના દક્ષિણ ભાગમાં સૌથી દૂર સુધી પહોંચવાનો રેકોર્ડ કર્યો હતો.

જામનગરની ગીતા એન્જિનિયરિંગે નવો કીર્તિમાન સ્થાપિત કર્યો
આ મિશન માટે જામનગરની એન્જિનિયરિંગ કંપની ગીતા એન્જિનિયરિંગે મોટું યોગદાન આપ્યું છે. રોકેટનો મુખ્ય ભાગ જે છે, તે જામનગર ગીતા એન્જિનિયરિંગ કંપનીએ બનાવ્યો છે. આ બનાવવા માટે તેમને 6થી 8 મહિના લાગ્યા હતા તેમ જ દિવસ-રાત 25થી 30 માણસો આના માટે કામે લાગ્યા હતા. અત્યંત આધુનિક અને સંપૂર્ણપણે કોમ્પ્યુટર સંચાલિત આ મશીન બનીને તૈયાર થયું, ત્યારે એટલું મોટું હતું કે તેને જુદું કરીને આઠ ટ્રકોમાં બેંગ્લોર લઈ જવામાં આવ્યું હતું. જ્યાં કંપનીના બે માણસો પણ સાથે ગયા હતા. તેઓએ મશીનને ત્યાં ભેગું કરી રોકેટનો મુખ્ય ભાગ બનાવી ચંદ્રયાન મિશનમાં પોતાનું યોગદાન આપ્યું હતું. ગીતા એન્જિનિયરિંગને આ મશીન બનાવવાનો ઓર્ડર ડીઆરડીએલ, હૈદરાબાદ દ્વારા આપવામાં આવ્યો હતો. સંપૂર્ણ સીએનસી ટર્મિનલ મીલ નામથી ઓળખાતા આ મશીનને બનાવીને ગીતા એન્જિનિયરિંગે નવો કીર્તિમાન તો સ્થાપિત કર્યો છે, પરંતુ જામનગરનું ગૌરવ પણ વધાર્યું છે.


Related Posts

Load more