લોકસભા ચૂંટણી પતી ગઈ અને નરેન્દ્ર મોદી ત્રીજીવાર ભારતના પ્રધાનમંત્રી બન્યા. નવી કેબિનેટની પહેલી બેઠક સોમવારે 10 જૂનના રોજ પીએમ આવાસ પર થઈ હતી. બેઠકમાં એ નિર્ણય લેવાયો કે પીએમ આવાસ યોજના હેઠળ 3 કરોડ વધુ ઘર બનાવવામાં આવશે. પીએમ આવાસ વિકાસ યોજના (PMAY) એક સરકારી યોજના છે જેને ભારત સરકારે વર્ષ 2015માં શરૂ કરી હતી. આ યોજનાનું મિશન જે ગરીબો પાસે પોતાના ઘર નથી તેમના માટે ઘર બનાવવાનું છે. સરકારની આ યોજનાથી શહેરી અને ગ્રામીણ બંને પ્રકારના લોકોને ફાયદો થાય છે.
સરકારે ગરીબ પરિવારનો કરી મદદ
PMAY હેઠળ છેલ્લા 10 વર્ષમાં પાત્રતા ધરાવનારા ગરીબ પરિવારો માટે કુલ 4.21 કરોડ ઘર બનાવવામાં આવ્યા છે. જો તમે હજુ સુધી પાક્કુ ઘર ન બનાવ્યું હોય અને તે માટે યોગ્યતા ધરાવતા હોવ તો તમે પણ PMAY માટે અરજી કરી શકો છો. અરજી કરતા પહેલા તમને પ્રધાનમંત્રી યોજના માટે તમે પાત્રતા ધરાવો છો કે નહીં અને ફાયદા વિશે પણ જાણવું જરૂરી છે. PMAY બે પ્રકારની હોય છે- પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ (PMAY-G) અને પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી (PMAY-U). આ યોજના અસ્થાયી ઘરોમાં રહેતા લોકોને પાક્કા ઘર મેળવવામાં મદદ કરે છે. આ એવા લોકોને નાણાકીય મદદ કરે છે જેમની પાસે જમીન છે અને તેઓ ઘર બનવવા ઈચ્છે છે.
ઓછા વ્યાજ પર મળતી હોમ લોન
આ યોજના હેઠળ સરકાર હોમ લોન પર સબસિડી પણ આપે છે. સબસિડીના પૈસા ઘરની સાઈઝ અને આવક પર નિર્ભર કરે છે. આ યોજના હેઠળ બેંક ઓછા વ્યાજ દરો પર હોમ લોન પણ આપે છે. પીએમએવાય યોજના હેઠળ હોમ લોન રિપેમન્ટ પીરિયડ 20 વર્ષનો હોય છે.
યોજનાનો લાભ મેળવવા માટે અરજીકર્તાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. અરજીકર્તા ભારતનો નાગરિક હોવો જોઈએ. પ્રધાનમંત્રી આવાસ યોજના 18 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવકવાળા પરિવારો માટે ઉપલબ્ધ છે. આ યોજના માટે પ્રાથમિક યોગ્યતા એ છે કે અરજી કરતા પહેલા વ્યક્તિ પાસે કોઈ પણ પાક્કુ ઘર હોવું જોઈએ નહીં. પરિવારના કોઈ પણ સભ્ય પાસે સરકારી નોકરી ન હોવી જોઈએ. વાર્ષિક આવક માટે પણ અલગ ક્રાઈટેરિયા છે. આ યોજના માટે જરૂરી દસ્તાવેજોમાં એક ઓળખપત્ર, એડ્રસ પ્રુફ, આવક પ્રમાણપત્ર અને પ્રોપર્ટી ડોક્યુમેન્ટ સામેલ છે.
કેવી રીતે કરવી અરજી
પીએમ આવાસ યોજના માટે ઓનલાઈન અને ઓફલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન માટે તમારે PMAY ની અધિકૃત વેબસાઈટ https:pmaymis.gov.in/ પર જવાનું રહેશે.
સ્ટેપ 1- સૌથી પહેલા અધિકૃત વેબસાઈટ https:pmaymis.gov.in/ પર જાઓ.
સ્ટેપ 2- હોમપેજ પર પીએમ આવાસ યોજના પર ક્લિક કરો.
સ્ટેપ 3- તમારી તમામ જાણકારી સાથે રજિસ્ટ્રેશન કરો.
સ્ટેપ 4- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
સ્ટેપ 5- રિવ્યુ કરો અને સબમિટ કરી દો.
ઓફલાઈન અરજી કરવા માટે તમે નજીકના કોમન સર્વિસ સેન્ટર (CSC) પર જઈ શકો છો.