ગુજરાત યુનિવર્સિટીને આ વર્ષે જ્યાં એક બાજુ સરકારના જીકાસ પોર્ટલથી નુકશાન થયુ છે ત્યારે બીજી બાજુ ધો-12 સાયન્સ- સામાન્ય પ્રવાહના ઊંચા પરિણામ અને પુરક પરીક્ષાના વિદ્યાર્થીઓને લીધે પ્રવેશમાં ફાયદો પણ થયો છે. આ વષે પ્રવેશ પ્રક્રિયાને અંતે યુજી અને પીજીમાં કુલ મળીને 67 હજારથી વધુ પ્રવેશ થયા છે. પ્રથમવાર ગુજરાત યુનિ.માં નવા પ્રવેશનો આંકડો 67 હજારને પાર ગયો છે. જો કે જીકાસ પોર્ટલથી માત્ર ૩૨ ટકા જેટલાજ ઓનલાઈન પ્રવેશ થયા છે જ્યારે બાકીના 68 ટકા પ્રવેશ ઓફલાઈન થયા છે. આમ જીકાસની ઓનલાઈન કોમન એડમિશન પ્રક્રિયા નિરર્થક રહી છે.
સરકારના ઓનલાઈન કોમન એડમિશન પોર્ટલ એવા જીકાસ દ્વારા આ વર્ષે સરકારી યુનિ.ઓમાં યુજી અને પીજીના પ્રવેશની પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી. જો કે શરૂઆતથી જ આ પોર્ટલને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા હતા અને સરકારી યુનિ.ઓમાં ઓછા પ્રવેશ થતા અને ખાનગી યુનિ.ઓમાં વિદ્યાર્થીઓ જતા રહેતા અંતે બે રાઉન્ડ બાદ જીકાસ પોર્ટલમાં માત્ર રજિસ્ટ્રેશન કરાવીને ઓફલાઈન પ્રવેશ ફાળવવાની મંજૂરી આપી દેવાઈ હતી. અગાઉ બે રાઉન્ડમાં જીકાસ પોર્ટલથી પ્રવેશની ફાળવણી કરવામાં આવી હતી.યુજીમાં 17811 અને પીજીમાં 2011 સહિત 19888 પ્રવેશ થયા હતા.યુજીમાં બી.એ, બી.કોમ,બીબીએ, બીસીએ, ઈન્ટિગ્રેટેડ કોર્સ અને ઈન્ટિગ્રેટેડ લૉ તેમજ બીએસસી સહિતના કોર્સમાં 10 ટકા ઈડબલ્યુએસ સાથે ગુજરાત યુનિ.માં કુલ 65797 બેઠકો હતી. જ્યારે પીજીમાં એમ.એ,એમ.કોમ, એમએસસી, એલએલએમ, બીએડ, એમ.એડ તથા એમએલડબલ્યુ અને જર્નાલિઝ સહિતના અન્ય કોર્સમાં કુલ મળીને 21924 બેઠકો હતી.
ગુજરાત યુનિ.દ્વારા 31મી ઓગસ્ટે પ્રવેશ પ્રક્રિયાને અંતે યુજીમાં 50094 અને પીજીમાં 15903 બેઠકોમાં પ્રવેશ કન્ફર્મ થયો છે.જ્યારે ૧૨૫૯ વિદ્યાર્થીઓના કોલેજમાંથી ડેટા આવવાના પેન્ડિંગ છે. આમ આ વર્ષે પ્રથમવાર યુજી- પીજીમાં કુલ મળીને 67253 વિદ્યાર્થીઓનો પ્રવેશ થયો છે.
ગુજરાત યુનિ.ના વિવિધ વિભાગો અને કોલેજોમાં ઓફલાઈન ધોરણે-સ્પોટ એડમિશન દ્વારા થયેલા પ્રવેશ 68 ટકા જેટલા છે અને જીકાસ પોર્ટલમાં માત્ર ૩૨ ટકા જ પ્રવેશ થયા હતા. ધો-12 સાયન્સ અને સા.પ્ર.નું ઊંચુ પરિણામ આવતા અને ધો-12ની પુરક પરીક્ષામાં પણ વધુ પાસ થતા ગુજરાત યુનિ.ને ફાયદો થયો છે.
યુનિ.ના ખાનગી કોર્સીસમાં 70 ટકા બેઠકો ખાલી રહી
ગુજરાત યુનિ.દ્વારા મોટા ઉપાડે અનેક હાયર પેમેન્ટ કોર્સીસ શરૂ કરી દેવાયા છે. ખાસ કરીને સાયન્સ, મેનેજમેન્ટ અને કોમર્સ ફિલ્ડના 45થી વધુ હાયર પેમેન્ટ ઈન્ટિગ્રેટેડ કોર્સ ચલાવવામા આવે છે. જેમાં ખૂબ જ ઊંચી ફી લેવામા આવે છે પરંતુ ગત વર્ષની જેમ આ વર્ષે પણ બેઠકો ખાલી રહી છે. કારણકે યુનિ.ના ઈન્ટિગ્રેટેડ કોર્સમાં ફી ઊંચી લેવાય છે પરંત સ્ટાફ-સુવિધાના ઠેકાણા નથી. જેથી આ વર્ષે 70 ટકા બેઠકો ખાલી રહી છે.કુલ 3288 બેઠકોમાંથી માત્ર 899 બેઠકો જ ભરાઈ છે.
આર્ટસમાં જનારા વધ્યા અને સાયન્સમાં ઘટયા
ગુજરાત યુનિ.ના યુજી પ્રવેશમાં આ વર્ષે પ્રથમવાર આર્ટસમાં જનારા વિદ્યાર્થીઓ રેકોર્ડબ્રેક વધ્યા છે. ધો-12 સા.પ્ર.નું પરિણામ ઊંચુ આવતા અને યુપીએસસીનો ક્રેઝ વધતા બી.એમાં આ વર્ષે હાઈએસ્ટ 12128 પ્રવેશ થયા છે. 17959 બેઠકોમાંથી 85 ટકાથી વધુ બેઠકો આ વર્ષે ભરાઈ ગઈ છે. જ્યારે બીજી બાજુ બી.એસસીમાં રેકોર્ડબ્રેક 75 ટકાથી વધુ બેઠકો ખાલી રહી છે. બી.એસસીમાં 8313 બેઠકોમાંથી 2804 બેઠકો જ ભરાઈ છે.સૌથી મોટું નુકશાન સરકારી અને ગ્રાન્ટેડ કોલેજોને થયુ છે.