ગુજરાતમાં નશાનો કાળો કારોબાર ફૂલ્યો ફાલ્યો છે. પહેલા નાના પેકેટોમાં પકડાતું ડ્રગ્સ હવે સીધું કરોડોના આંકડામાં મળી રહ્યું છે. રવિવારે ભરૂચના અંકલેશ્વરમાંથી 5 હજાર કરોડની કિંમતનું ડ્રગ્સ પકડાયું. આવકાર ફાર્મા કંપનીમાંથી 500 કિલો કોકેઈનનો જથ્થો ઝડપાયો. દિલ્હી અને ગુજરાત પોલીસે સંયુક્ત ઓપરેશન કરી ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો. પરંતુ ડ્રગ્સના સતત જોડાતા તારને કારણે ગુજરાત બદનામ થઈ રહ્યું છે. ગુજરાત ડ્રગ્સની બદનામ ગલીઓનું એડ્રેસ બની ગયું છે. જ્યાં એક તરફ ગુજરાતના 1600 કિલોમીટર લાંબા દરિયાના ગુનગાન ગવાતા હતા અને ગુજરાતીઓ તેનું ગર્વ લેતા હતા, તે જ દરિયો હવે ડ્રગ્સનો અડ્ડો બન્યો છે.
7 વર્ષમાં 40 હજાર કરોડનું ડ્રગ્સ પકડાયું
ગુજરાતમાં નશાબંધી કાનૂન તો નામશેષ થઈ રહ્યો છે અને દારૂની બદી રોકવા માટે સરકાર પાસે કોઈ એક્શન પ્લાન નથી પરંતુ તેનાથી પણ વધુ ખતરનાક હદે ડ્રગ્સનો કારોબાર વધી રહ્યો છે. આખા દેશમાં ગુજરાતનો દરિયા કિનારો જ એવો છે કે જ્યાંથી સાત વર્ષમાં ૪૦ હજાર કરોડ રૂપિયાનું ડ્રગ્સ પકડાયું છે. એટલે કે પ્રતિદિન સરેરાશ ૧૧૫ કરોડનું ડ્રગ્સ ગુજરાતમાંથી પકડાય છે. સવાલ એ છે કે દરરોજ ૧૫ કરોડનું ડ્રગ્સ પકડાય છે તેની પોલીસને ખબર છે પણ ડ્રગ્સ ક્યાંથી આવે છે, કોના માટે આવે છે, કોણ મોકલે છે અને ક્યાં જાય છે તેની ખબર નથી.
કેવી રીતે થાય છે ડ્રગ્સની ડીલ
પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર, ડ્રગ્સની ડીલ માટે એપનો ઉપયોગ થાય છે. એક સિન્ડિકેટ બીજા સાથે વાત કરતું નથી. તેઓ સોશિયલ મીડિયા પર કોડ વર્ડ્સ દ્વારા એકબીજાનો સંપર્ક કરે છે. આ સિવાય ડ્રગ્સની ડીલ માટે threema એપનો ઉપયોગ કરવામાં આવે છે. ડીલ દરમિયાન ફાટેલી નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેથી ડિલિવરી સુરક્ષિત હાથમાં થઇ છે કે નહી તેની ખાતરી કરી શકાય.
ગુજરાતમાં ક્યાંથી આવે છે ડ્રગ્સ
ગુજરાતના કચ્છથી, પંજાબ બોર્ડર, નેપાળ અને મ્યામાંરના રસ્તેથી ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવામાં આવી રહ્યું છે. જેમાં દરિયાઈ માર્ગેથી દાણચોરીથી આવતું અફઘાન હેરોઈન પણ સામેલ છે. પંજાબ અને ગુજરાત સહિત અનેક માર્ગો દ્વારા ડ્રગ્સ ભારતમાં આવે છે, જેમાં કચ્છનો રસ્તો ખૂબ મહત્ત્વનો માનવામાં આવે છે. ઉપરાંત અફઘાનિસ્તાન અને ખાડી દેશોમાં લઈને દિલ્હી સુધી ફેલાયેલા આંતરરાષ્ટ્રીય તસ્કરી નેટવર્ક સંબંધિત જાણકારી પણ સામે આવી છે. સૂત્રો મુજબ અનેક તસ્કરોનો મુંબઈ સ્થિત માફિયા સાથે સીધો સંબંધ છે, જે ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવા અનેક તરકીબો અજમાવે છે.
આરોપીઓનું મેડિકલ ચેકઅપ કરાયું
5000 કરોડના ડ્રગ્સ કેસમાં આજે તમામ આરોપીઓને મેડિકલ ચેક અપ કરવામાં આવ્યું. તો ડ્રગ્સનો મુદ્દા માલ દિલ્હી રવાના કરાયો. કંપનીના ત્રણ ડિરેક્ટર સહિત અન્ય આરોપીઓને મેડિકલ માટે લઈ જવાયા હતા. કુલ પાંચ આરોપીઓની ધરપકડ કરાઈ છે, જેમાં એક સુપરવાઇઝર, એક દલાલ અને અન્ય ત્રણ કંપનીના ડિરેક્ટર છે. તમામ આરોપીઓને ભરૂચ જિલ્લાના અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ સ્ટેશન ખાતે મેડિકલ બાદ લાવવામાં આવ્યા.