ગુજરાતમાં શિક્ષણ સહાયકની ભરતી અંગે મોટી જાહેરાત, 1200 જગ્યા માટે નોટિફિકેશન જાહેર

By: nationgujarat
11 Oct, 2024

સરકારી અને ગ્રાન્ટેડ માધ્યમિક-ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં વિદ્યાસહાયકો ન મળતા હજારો જગ્યાઓ ખાલી પડી છે ત્યારે અંતે સરકાર દ્વારા અગાઉ કરાયેલી જાહેરાત મુજબ માધ્યમિકમાં 1200 શિક્ષણ સહાયકની ભરતી માટેની પ્રક્રિયા જાહેર કરી દેવાઈ છે. જે અંતર્ગત 24 ઓક્ટોબરથી 15 નવેમ્બર સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.

1200 શિક્ષણ સહાયકોની ભરતી

રાજ્યની સરકારી માધ્યમિક સ્કૂલોમાં ધો.9 અને 10માં કુલ 1200 શિક્ષણ સહાયકોની ભરતી કરાશે. જેમાં ગુજરાતી માધ્યમની સ્કૂલોમાં 1196 અને અંગ્રેજી માધ્યમની સ્કૂલોમાં ચાર જગ્યા ભરાશે.

24 ઓક્ટોબરથી ઓનલાઈન અરજી કરી શકાશે 

નિયત લાયકાત ધરાવતા ઉમેદવારો 24 ઓક્ટોબરથી ઓનલાઈન અરજી કરી શકશે અને 15 નવેમ્બર સુધી અરજી થઈ શકશે. સરકારની ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફ ભરતી પસંદગી સમિતિ દ્વારા આ ભરતી પ્રક્રિયા થઈ રહી છે અને નવા નિયમો મુજબ ભરતી પ્રક્રિયા થશે.

નવી દ્રિસ્તરીય પદ્ધતિ મુજબની ટાટ સેકન્ડરી પરીક્ષા પાસ કરી હશે તેવા લાયક ઉમેદવારોની મેરિટના ધોરણે પસંદગી યાદી અને પ્રતિક્ષા યાદી તૈયાર કરવામા આવશે.

જ્ઞાન સહાયકની યોજના સંપૂર્ણપણે ફેઈલ

ટાટ સેકન્ડરીમાં 60 ટકા કે તેથી વધુ ગુણ મેળવનાર ઉમેદવારો અરજી કરી શકશે. મહત્વનું છે કે હાલ રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલોમાં હજારોની સંખ્યામાં ધો. 9 થી12માં શિક્ષકોની જગ્યા ખાલી છે. સ્કૂલોને 9 થી 12માં જ્ઞાન સહાયકો મળ્યા જ નથી અને મળ્યા છે તો હાજર થયા નથી. 50 ટકા જગ્યાઓ ખાલી રહી છે. આમ ગત વર્ષે સરકારે લાગુ કરેલી જ્ઞાન સહાયકની યોજના સંપૂર્ણપણે ફેઈલ ગઈ છે.


Related Posts

Load more