ગુજરાતમાં ભેળસેળિયા કારોબારી ગાંધીનગર સુધી હપ્તા પહોંચાડે છે: ભાજપના પૂર્વ ધારાસભ્યએ પોલ ખોલી

By: nationgujarat
23 Dec, 2024

Fake cumin fennel in Unjha : ઊંઝામાં નકલી જીરૂ-વરિયાળીમાં મોટાપાયે ભેળસેળ થઇ રહી છે. ગુજરાતમાં ભેળસેળનો કાળો કારોબાર ફુલ્યોફાલ્યો છે ત્યારે ભ્રષ્ટ ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ દરોડાના તાયફા કરીને નાટક કરી રહ્યુ છે તેવો ભાજપના પૂર્વ ધારાસભ્ય નારણભાઇ પટેલે આક્ષેપ કર્યાં છે.  ભાજપના જ પૂર્વ ધારાસભ્યએ ભેળસેળ મુદ્દે સવાલો ઉભા કરી સરકાર સામે આંગળી ચિંધી છે જેના પગલે રાજનીતિ ગરમાઇ છે.

ભ્રષ્ટ ફૂડ- ડ્રગ્સ વિભાગ  દરોડાનું નાટક કરે છે, એકેય આરોપીને સજા થઇ હોય તો દેખાડો : નારણ પટેલ

નકલી જીરુ અને વરિયાળીનો જથ્થો પકડાઇ જવાની ઘટનાઓ સામે આવી રહી છે. એટલુ જ નહીં, ખાસ કરીને ઊંઝામાં ભેળસેળની પ્રવૃતિ વધી રહી છે.  વધતી જતી ભેળસેળની પ્રવૃતિને લઇને હવે ભાજપના જ પૂર્વ ધારાસભ્યએ સરકાર સામે શિંગડા ભેરવ્યાં છે. ઊંઝાના પૂર્વ ધારાસભ્ય નારણભાઇ લલ્લુભાઇ પટેલે આક્ષેપ કરી રાજ્યના ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગને આડે હાથે લીધું છે. તેમનો આરોપ છેકે, ભ્રષ્ટ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ ખાલી મોટા ભા થવા દરોડાનું નાટક કરી રહ્યું છે. અત્યાર સુધી નકલી જીરુ-વરિયાળી સહિતના જથ્થાનો નાશ કરાયો હોય અથવા તો કોઇ ભેળસેળિયો પકડાયો હોય-સજા થઇ હોય તો દેખાડો.

આ પરિસ્થિતીમાં પ્રમાણિક વેપારીઓનો મરો થયો છે. ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગના ભ્રષ્ટ અધિકારીઓના મેળાપીપણાને લીધે હાલ ગુજરાતમાં ભેળસેળિયાઓ બેફામ બન્યાં છે. છેક ગાંધીનગર સુધી હપ્તા પહોચીં રહ્યાં છે જેથી ભેળસેળિયાઓને મોકળુ મેદાન મળ્યુ છે. આ કારણોસર ભેળસેળિયા વેપારીઓ સસ્તા ભાવે નકલી જીરુ-વરિયાળીનો બિન્દાસ વેપાર કરી રહ્યાં છે જ્યારે પ્રમાણિક વેપારીઓ વેપાર કરવાની સ્થિતીમાં પણ નથી.  નફાની લ્હાયમાં ભેળસેળની પ્રવૃતિ વધી રહી છે ત્યારે પ્રમાણિક વેપારીઓને બદનામ થવાનો વારો આવ્યો છે.


Related Posts

Load more