Gujarat Politics : ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ, આપ બાદ નવા રાજકીય પક્ષની એન્ટ્રી થઈ છે. પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સાથે જોડાયેલા આગેવાનો દ્વારા નવી પ્રજા શક્તિ પાર્ટી બનાવવામાં આવી છે. ત્યારે ગત રોજ પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું ઓપનિંગ કરાયું હતું. જેમાંપાર્ટીના પ્રદેશ અધ્યક્ષ તરીકે દાંતા સ્ટેટના રાજવી રિદ્ધિરાજસિંહ પરમારે પદ ગ્રહણ કર્યું. તો પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા સહીત અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત તેમણે કહ્યું જે લોકો ‘ખરાબ’ હોય તે તેમની પાર્ટીમાં ન આવે. આવા લોકોને ભેગા કરવા માટે આ પાર્ટી બનાવવામાં આવી નથી. તેમણે લોકોને સમર્થન આપવા માટે આહ્વાન કર્યું હતું અને બદલામાં શક્તિ આપવાનું વચન આપ્યું હતું.
પાર્ટી કાર્યાલયના લોન્ચિંગ સમયે નવા પ્રદેશ પ્રમુખ રાજવી રિદ્ધિરાજસિંહ પરમારે જણાવ્યું કે, થર્ડ ફોર્સ તરીકે ગુજરાતમાં અમે આવી રહ્યા છીએ. વિકલ્પ તરીકે અમે ગુજરાતમાં લોકો વચ્ચે જઈશું. ક્ષત્રિય માટેની જે આ પાર્ટી નથી પણ બધા સમાજના લોકોને અમારી સાથે જોડીને અમે ચાલીશું. ૨૦૨૦ માં શંકરસિંહ વાઘેલાના આદેશથી અમે પાર્ટી રજિસ્ટર કરાવી છે. ગ્રામ પંચાયત, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયત પણ અમે લડીશું. અમારા એજન્ડા નક્કી થઈ ગયા છે. લોકો કહે છે કે અમે બી ટીમ છીએ પણ અમે બાપુની બી ટીમ છીએ. અમારી પાર્ટીમાં કોઈ હાઈકમાન્ડ નથી, પણ અમારી પાર્ટી જે નિર્ણય લેશે.
ગાંધીનગરના અડાલજ ખાતે પાર્ટી કાર્યાલય નજીક ભવ્ય જાહેર સભા યોજાઈ હતી. જ્યાં મોટી સંખ્યામાં પાર્ટીના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. રિદ્ધિરાજસિંહ પરમારે કહ્યું કે, રાજવી પરિવારો સૌથી વધુ ગુજરાતમાં જે હતા અને પ્રજા સાથે જોડાયેલા હતા આજે પણ આ જ ઉદ્દેશ્ય છે. પબ્લિક જુદી પડતી જાય છે અને એમને જોડવા માટેનો અમારો પ્રયાસ રહેશે. અસ્મિતા સંમેલનમાં હાજર હતા ત્યારે કહ્યું હતું કે રાજકારણમાં જોડાઈશું નહીં. એ મંચ પર બધાને સાથે લઈને ચાલવાની વાત હતી પણ અહીંયા આ સ્ટેજ રાજકીય છે અને અહીંયા પણ રાજપૂત સમાજ માટે કામ કરીશું જ.
પક્ષ બદલતા શંકરસિંહ વાઘેલા
શંકરસિંહ વાઘેલાની રાજકીય સફર પર એક નજર કરીએ તો, 1995માં બળવો કરી ભાજપ છોડી રાજપા બનાવી હતી. કોંગ્રેસના ટેકાથી મુખ્યમંત્રી બન્યા બાદ 1998માં તેઓ કોંગ્રેસમાં જોડાઇ પણ ગયા. એ પછી 2017માં તેમણે કોંગ્રેસ છોડી પોતાની નવી પાર્ટી જનવિકલ્પ મોરચાની રચના કરી હતી, પરંતુ એ વર્ષે યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેમનો એકપણ ઉમેદવાર જીત્યો નહોતો. એ પછી જાન્યુઆરી 2019માં તેમણે એનસીપી જોઇન કર્યું હતું અને ત્યાં રાષ્ટ્રીય મહામંત્રી રહ્યા બાદ તેમને પાર્ટીમાં પોતાનું મહત્ત્વ જળવાતું ન હોય એવું લાગ્યું હતું અને NCP છોડી દીધી હતી.