ખેડૂત પ્રધાન દેશમા ખેતીથી દિવસની 150 રૂપિયાની કમાણી પણ નથી થતીચોંકાવાનારા છે આંકડા

By: nationgujarat
06 Dec, 2024

Farmers’ Protest: ખેડૂતોના આંદોલન વચ્ચે ફરી એકવાર ખેડૂતોની આવક અને MSPની કાયદાકીય ગેરંટી પર ચર્ચા છેડાઈ છે. ખેડૂતો જમીન સંપાદન, વળતર જેવા મુદ્દાઓ ઉકેલવા રસ્તાઓ ઉતર્યા છે. એવામાં ખેડૂતોની આવક મુદ્દે રજૂ કરવામાં આવેલા રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસાઓ થયા છે.

માસિક આવક માત્ર 13000 રૂપિયા

નેશનલ બેન્ક ફોર એગ્રીકલ્ચરલ એન્ડ રૂરલ ડેવલપમેન્ટ (નાબાર્ડ)ના અહેવાલમાં ખેડૂત પરિવારોની આવક અંગે ચોંકાવનારા ખુલાસા થયા છે. 2021-22માં પ્રત્યેક ખેડૂત પરિવાર તમામ સ્ત્રોતોમાંથી દરમહિને સરેરાશ રૂ. 13,661 જ કમાણી કરે છે. જેમાંથી તે 11,710 રૂપિયા ખર્ચે છે. એટલે કે ખેડૂત પરિવાર મહિનામાં માત્ર 1951 રૂપિયાની બચત કરી શકે છે. જો આપણે દૈનિક ધોરણની વાત કરીએ તો ખેડૂત પરિવાર રોજની 65 રૂપિયાની બચત કરી શકે છે.

કુલ આવકમાં ખેતીમાંથી કમાણીનો હિસ્સો માત્ર રૂ. 4476 છે. એટલે કે ખેડૂત પરિવારોની આવકમાં ખેતીનો હિસ્સો માત્ર 33 ટકા છે. ખેડૂત પરિવારો ખેતીમાંથી રોજના 150 રૂપિયા પણ કમાઈ શકતા નથી. આ મોંઘવારીના જમાનામાં ખેડૂતોની કમાણીનું સત્ય જાણી આશ્ચર્ય થાય છે.

આ પણ વાંચોઃ 25 વર્ષમાં વિશ્વની દર ચારમાંથી ત્રણ વ્યક્તિ દુષ્કાળથી પ્રભાવિત થવાની ભીતિ, ભારત પર સૌથી વધુ અસર થશે?

ખેડૂતનો ખર્ચ પણ વધુ

બિનખેતી પરિવારો કરતાં કૃષિ પરિવારોનો ખર્ચ વધુ છે. બિન-કૃષિ પરિવારોનો માસિક ખર્ચ રૂ. 10,675 છે, જ્યારે ખેડૂત પરિવારોનો ખર્ચ રૂ. 11,710 છે. નાબાર્ડે 30 રાજ્યોના 710 જિલ્લાઓમાં 1,00,000 પરિવારો વચ્ચે આ સર્વે હાથ ધર્યો હતો.

કેટલા પરિવારો પાસે ટ્રેક્ટર?

લઘુત્તમ ટેકાના ભાવની કાયદેસર ગેરંટી મુદ્દે પંજાબ અને હરિયાણાના ખેડૂતોની આગેવાની હેઠળ આંદોલન થઈ રહ્યા છે. તેમાં કેટલાક લોકો તેમના મોડિફાઈડ ટ્રેક્ટર પર અને લક્ઝરી ગાડીઓ લઈને આવી રહ્યા હોવાના સવાલો ઉઠ્યા છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ જ છે. દેશમાં બહુ ઓછા ખેડૂત પરિવારો પાસે ટ્રેક્ટર છે. નાબાર્ડના સર્વે રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે દેશમાં માત્ર 9.1 ટકા પરિવારો પાસે ટ્રેક્ટર છે. જો કે, 61.3 ટકા પરિવારો પાસે ચોક્કસપણે દૂધાળા પશુઓ છે. 2021-22માં કુટુંબ દીઠ જમીન માલિકીનું સરેરાશ કદ ઘટીને માત્ર 0.74 હેક્ટર થયું છે, જે 2016-17માં 1.08 હેક્ટર હતું. ખેડૂતોની આટલી ઓછી કમાણી પાછળનું એક કારણ જમીનની માલિકી ઓછી હોવાનું પણ છે.

ખેડૂતો પર અધધધ દેવું

દેશના 55.4 ટકા કૃષિ પરિવારો દેવાદાર છે. દરેક કૃષિ પરિવારની સરેરાશ 91,231 રૂપિયાની લોન છે. રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે 23.4 ટકા ખેડૂત પરિવારો હજુ પણ બેન્ક સિવાય અન્ય સ્ત્રોતો પાસેથી લોન લઈ રહ્યા છે. ખાસ કરીને સંબંધીઓ અને મિત્રો પૈસા લઈને ખેતી કરી રહ્યા છે. શાહુકારો પાસેથી લોન લેનારા ખેડૂત પરિવારોની સંખ્યા ઘણી ઓછી છે.

આ પણ વાંચોઃ દુનિયાના નકશાથી ‘ગાયબ’ થઈ જશે આ દેશ, ઈલોન મસ્કે કરી ડરામણી ભવિષ્યવાણી! જાણો કારણ

45 લાખ કરોડનું નુકસાન

વિરોધ કરી રહેલા ખેડૂતોની મુખ્ય માંગ દેવામાંથી મુક્તિ છે. ખેડૂતો દેવાદાર બનવા પાછળનું મુખ્ય કારણ તેમના પાકના યોગ્ય ભાવ ન મળવાનું છે. ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કોઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ (OECD)ના અહેવાલ મુજબ, 2000થી 2016-17 દરમિયાન ભારતીય ખેડૂતોને તેમના પાકના વાજબી ભાવ ન મળવાને કારણે લગભગ 45 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. આવી સ્થિતિમાં આંદોલનકારીઓનો દાવો છે કે જો ખેડૂતોને ભાવની ગેરંટી મળશે તો ખેતીની સ્થિતિ બદલાઈ જશે.


Related Posts

Load more