બનાસકાંઠાના દિયોદર ખાતે અટલ ભુજલ યોજનામાં કાર્યક્રમમાં દિયોદરના ધારાસભ્યના સમર્થકે ખેડૂત અગ્રણીને લાફો માર્યો હતો. જેના વિરોધમાં ખેડૂતોએ ધારાસભ્યના રાજીનામાની માંગ સાથે ગાંધીનગર સુધી ન્યાયયાત્રા શરૂ કરી હતી. આ યાત્રા આજે છઠ્ઠા દિવસે મહેસાણાના ગોઝારીયા ખાતે પહોંચી છે. જોકે, અહીં પોલીસ કાફલો ખડકી દેવાતા ખેડૂત અગ્રણીએ ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારતાં જણાવ્યું છે કે, દિયોદરના ધારાસભ્યના રાજીમાનામાં જ સરકાર અને અમારી ભલાઇ છે. બાકી અમે ઉગ્ર આંદોલન કરીશું. જોકે, બીજી તરફ પોલીસનું કહેવું છે કે, અમે કોઇ ન્યાય યાત્રા અટકાવી નથી.
પોલીસ યાત્રા અટકાવશે તો ઉગ્ર આંદોલન થશે: અગ્રણી
ખેડૂત અગ્રણી અમરભાઈએ જણાવ્યું હતું કે, અમે ન્યાય માટે મુખ્યમંત્રીને રજૂઆત કરવા જઈ રહ્યા છે. અહીં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. ન્યાય યાત્રા રોકવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરવામાં આવશે. મારી પરના હુમલામાં મને ખેડૂતોનું સમર્થન મળ્યું છે. અમે ન્યાય માટે સી.એમ.ને રજૂઆત કરવા જઇ રહ્યા છીએ. પરંતું અહીં મોટી સંખ્યામાં પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો છે. જો અમને રોકવામાં આવશે તો ઉગ્ર આંદોલન કરીશું. દિયોદરના ધારાસભ્યનું રાજીનામુ એજ સરકારની અને અમારી ભલાઇ છે.
5 લોકોને સી.એમ. સાથે મુલાકાત માટે મોકલવા પોલીસના પ્રયાસ
હાલમાં ગોઝારીયા ખાતે ન્યાય યાત્રા રોકી દેવામાં આવી છે. જ્યાં પોલીસ દ્વારા ખેડૂત અગ્રણીઓને સમજાવવામા આવી રહ્યા છે. મુખ્યમંત્રીને પાંચ લોકોના નામ નક્કી કરી મુલાકાત કરાવવા હાલમાં પ્રયાસ કરાવવામાં આવી રહ્યા છે. હાલ પોલીસ અને ખેડૂત અગ્રણીઓ વચ્ચે ચર્ચા થઇ રહી છે.
શું હતો મામલો
બનાસકાંઠા જિલ્લાના દિયોદરમાં 7મી ઓગસ્ટે અટલ ભૂજળ જળ યોજના અંતગર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ધારાસભ્ય કેશાજી ચૌહાણ અને અધિકારીઓની હાજરીમાં ખેડૂત આગેવાન અમરાભાઇ ચૌધરીએ દિયોદરના ખેડૂતોની સમસ્યાના સવાલો કર્યા હતા. આ કાર્યક્રમ પૂરો થયા બાદ અમરજી ઠાકોર નામની એક વ્યક્તિએ અમરાભાઈ ચૌધરીને જાહેરમાં બે લાફા ઝીંકી દીધા હતા, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયમાં વાઇરલ થયો હતો. આ મામલે અમરાભાઈએ આક્ષેપ લગાવ્યો હતો કે ધારાસભ્યના સમર્થકે તેમના પર હુમલો કર્યો હતો, જે બાદ હુમલો કરનારી વ્યક્તિ સામે દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. અમરત ઠાકોર સામે ફરિયાદ નોંધાતાં પોલીસે તેની ધરપકડ કરી હતી, જોકે તેને જામીન મળી ગયા છે.