ખુદને ભગવાન બનાવવાની ઈચ્છાથી બચો: મોહન ભાગવત

By: nationgujarat
19 Jul, 2024

ગુમલા,તા.19
આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે ગુમલામાં વિશનપુરમાં વિકાસ ભારતી સંસ્થામાં આયોજીત ગ્રામસ્તરીય કાર્યકર્તા સંમેલનમાં કોઈ વ્યક્તિનું નામ લીધા વિના કહ્યું હતું કે વિકાસ એક સતત પ્રક્રિયા છે, તેનો કોઈ અંત નથી. આત્મવિકાસ કરતી વખતે એક મનુષ્ય સુપરમેન બનવા માંગે છે, ત્યારબાદ તે દેવતા અને પછી તે ભગવાન બનવા માંગે છે અને વિશ્વરૂપની પણ આકાંક્ષા રાખે છે, પણ તેનાથી આગળ શું છે? એ કોઈ નથી જાણતુ.

સંઘ પ્રમુખે કહ્યું હતું કે, કેટલાક લોકોમાં મનુષ્ય હોવા છતાં માનવીય ગુણોનો અભાવ હોય છે તેણે સૌથી પહેલા તો તેની અંદરના ગુણોને વિકસીત કરવા જોઈએ. ભાગવતે વધુમાં જણાવ્યું હતું કે, દેશમાં નવા નવા આયામ સ્થાપિત કરવાની જરૂર છે, પણ મૂળ સ્વભાવ યથાવત રહેવો જોઈએ. દેશમાં જનજાતિય (આદિવાસી) સમાજનો અપેક્ષિત વિકાસ નથી થયો.

તેઓ આજે પણ અભાવોથી ઘેરાયેલા છે. ત્યાં કામની જરૂરિયાત છે. અન્યથા જેની પાસે પ્રભાવ છે, તેઓ  આ સમાજનો અભાવ દૂર કરીને તેમનો પુરો સ્વભાવ જ બદલી નાખશે. તેમનો ઈશારો ધર્માંતરણ તરફ હતો.

ભાગવતે એ પણ જણાવ્યું હતું કે જયાં તપસ્યા છે, ત્યાં પરિણામ છે. સમજી-વિચારીને કરવામાં આવેલ કાર્ય રંગ લાવે છે. ભાગવતે જણાવ્યું હતું કે આદિવાસી સમાજનો સ્વભાવ અને તેમની વિચારધારાને બદલવામાં આવી રહી છે.

માત્ર ભારત દેશમાં જ મહિલાઓને માતૃસ્વરૂપા ગણવામાં આવે છે, જે આપણાં વિકાસની પ્રકૃતિ છે. આપણે જયારે અન્યના હિત માટે કામ કરીએ છીએ ત્યારે આપણો વિકાસ પણ થાય છે. વ્યક્તિએ તેના કામથી સંતુષ્ટ ના થઈ જવું જોઈએ. આપણે પર્યાવરણ, શિક્ષણ અને આરોગ્ય જેવા ક્ષેત્રોમાં અવિરત કામ કરતાં રહેવું જોઈએ.

આપણે વિશ્વને ભારતની પ્રકૃતિ મુજબનું સુંદર સ્થળ બનાવવાનું લક્ષ્ય રાખવું જોઈએ. સનાતન સંસ્કૃતિ અને ધર્મ કોઈ રાજવી મહાલયોમાંથી નહીં પરંતુ આશ્રમ અને જંગલોમાંથી આવ્યો છે. બદલાતાં સમયની સાથે આપણો પહેરવેશ ભલે બદલાયો હોય પરંતુ આપણી પ્રકૃતિ કયારેય નહી બદલાય.

દેશના ભાવિ અંગે તેઓ નિશ્ચિત હોવાનું જણાવતાં ભાગવતે ઉમેર્યું હતું કે, અનેક લોકો સામુહિક રીતે દેશની ભલાઈ માટે કામ કરી રહ્યા છે અને તેનું પરિણામ પણ જોવા મળશે. 33 કરોડ દેવી-દેવતાઓ હોવાથી પૂજા કરવાની આપણી પદ્ધતિઓ અલગ અલગ છે, અહીં 3800થી વધુ ભાષાઓ બોલાય છે અને દરેકની આહારની આદતો પણ અલગ હોવા છતાં આપણાં મન એક છે, જે વિશ્વના કોઈ દેશમાં જોવા નહીં મળે.

ભાગવતના નિવેદન પર કોંગ્રેસ નેતા જયરામ રમેશના કટાક્ષ
સ્વયં ઘોષિત બિનજૈવિક વડાપ્રધાનને આ નવીનતમ અગ્નિ મિસાઇલના સમાચાર મળ્યા હશે!

આરએસએસ ચીફના આ નિવેદન પર કોંગ્રેસ મહાસચિવ જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કહ્યું, “મને ખાતરી છે કે સ્વયં-ઘોષિત બિન-જૈવિક વડા પ્રધાનને આ નવીનતમ અગ્નિ મિસાઇલના સમાચાર મળ્યા હશે, જે નાગપુર દ્વારા ઝારખંડથી લોક કલ્યાણ માર્ગને નિશાન બનાવીને છોડવામાં આવી હતી.”

મોહન ભાગવતનું નિવેદન સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસ સહિત ઘણા લોકો આને પીએમ મોદીના દૈવી શક્તિના નિવેદન સાથે જોડી રહ્યા છે. ઘણા લોકોએ પૂછ્યું કે મોહન ભાગવત કોના માટે આવું બોલી રહ્યા છે? કોંગ્રેસ પ્રવક્તા રિતુ ચૌધરીએ કહ્યું કે મોહન ભાગવત અહીં કોને ટ્રોલ કરી રહ્યા છે? શું તે આપણા બિનજૈવિક વડાપ્રધાન છે?


Related Posts

Load more