ટ્રુડો સરકાર દ્વારા કેનેડામાં વસતા ભારતીય વિદ્યાર્થીઓ માટે નવા નિયમો જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ભારતીય વિદ્યાર્થીઓ માટે PR-વિઝાના નવા નિયમોમાં ફેરફાર કરાયો છે. કેનેડામાં હવે ભારતીય વિદ્યાર્થી માતા પિતા, દાદા-દાદી માટે PR બંધ કરી દેવામાં આવ્યું છે. ભારતીય વિદ્યાર્થીઓ પોતાના સગાઓને સુપર વિઝાથી સ્પોન્સર કરવાના રહેશે. કેનેડાએ માતા-પિતા કે દાદા-દાદીના પીઆરને લગતા પેન્ડિંગ કેસના બેકલોગનો નિકાલ લાવવા પર ધ્યાન આપવાનો નિર્ણય લીધો છે. જેના માટે હવેથી માતા-પિતા અને દાદા-દાદીની પરમનેન્ટ રેસિડન્સીની સ્પોન્સરશિપ માટેની નવી અરજીઓ નહીં સ્વીકારાય.
કેનેડા ગેઝેટમાં પ્રકાશિત નિર્દેશોમાં જણાવાયું હતું કે અમે ફેમિલી રિ-યુનિયન માટે પ્રતિબદ્ધ છીએ પરંતુ ગત વર્ષે સબમિટ કરાયેલી અરજીઓને પ્રોસેસ કરવી એ અમારી પ્રાથમિકતામાં છે. ઇમિગ્રેશન સ્તરની યોજનાના ભાગ રૂપે, આગામી ત્રણ વર્ષમાં એકંદર વપરાશમાં ઘટાડો કરવાનો ટાર્ગેટ રહેશે. સરકારે આ વર્ષે ફેમિલી રિ-યુનિયર પ્રોગ્રામથી સબમિટ કરવામાં આવેલી 15 હજાર જેટલી અરજીઓને સ્વીકારવાનો ટાર્ગેટ રાખ્યો છે.મહત્વનું છે કે, 2023માં ઈન્વેન્ટરીમાં 40 હજારથી વધુ વાલીના પીઆરની અરજી હતી.
જે લોકો કેનેડામાં કામ કરવા જાય છે તેઓ થોડા સમય પછી પરમેનન્ટ રેસિડન્સી (PR) માટે અરજી કરે છે. આનાથી તેમના માટે કાયમી ધોરણે કેનેડામાં રહેવાનું અને નોકરી મેળવવાનું સરળ બને છે. જો કે, કેનેડા PR માટેના નિયમોમાં સતત ફેરફાર કરી રહ્યું છે, જેના કારણે આ હાંસલ કરવું મુશ્કેલ બને છે.
કેનેડામાં પરમેનન્ટ રેસિડન્સી (PR) મેળવવામાં ભારતીયો મોખરે છે. કેનેડા ભણવા કે કામ કરવા ગયેલા ભારતીયો થોડા સમય પછી PR માટે અરજી કરે છે. સૌથી સારી વાત એ છે કે તમે તમારા માતા-પિતા અને દાદા-દાદી માટે કેનેડામાં કાયમી રહેઠાણ પણ મેળવી શકો છો. જો કે, ભારતીય નોકરી કરતા લોકો માટે કેનેડાથી એક ખરાબ સમાચાર આવ્યા છે, કારણ કે હવે તેઓ તેમના માતા-પિતા અથવા દાદા-દાદી માટે PR મેળવી શકશે નહીં.
હકીકતમાં, કેનેડા 2025 માં માતાપિતા અને દાદા-દાદી તરફથી PR માટે નવી અરજીઓ સ્વીકારશે નહીં. ‘ઇમિગ્રેશન, રેફ્યુજી એન્ડ સિટીઝનશિપ કેનેડા’ (IRCC) એ જાહેરાત કરી છે કે 2025 માં, 2024 માં સબમિટ કરવામાં આવેલી ફક્ત ‘પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડપેરન્ટ્સ પ્રોગ્રામ (PGP)’ અરજીઓ પર પ્રક્રિયા કરવામાં આવશે. વિભાગનો ધ્યેય 2025માં માત્ર 15,000 અરજીઓ પર વિચાર કરવાનો છે. જેના કારણે પોતાના માતા-પિતા સાથે કાયમી રીતે કેનેડામાં રહેવાનું વિચારી રહેલા ભારતીયોને મોટો આંચકો લાગ્યો છે.
શું છે પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડપેરન્ટ્સ પ્રોગ્રામ?
‘પેરેન્ટ્સ એન્ડ ગ્રાન્ડપેરન્ટ્સ પ્રોગ્રામ’ દ્વારા કેનેડિયન નાગરિકો કાયમી રહેવાસીઓ અને નોંધાયેલા ભારતીયો કેનેડામાં કાયમી વસવાટ માટે તેમના માતાપિતા અથવા દાદા દાદીને સ્પોન્સર કરી શકે છે. PR મેળવવા માટે અરજી કરનારા લોકોની સંખ્યા ઘણી વધારે છે, જ્યારે દર વર્ષે ક્વોટા ઓછો છે. આ કારણોસર IRCC લોટરી સિસ્ટમ દ્વારા લોકોને કાયમી વસવાટની મંજૂરી આપે છે. લોકોને પીઆર માટે અરજી કરવા માટે આમંત્રણ મોકલવામાં આવે છે. 2020 થી 2024 સુધી IRCC એ ફક્ત 2020 માં સબમિટ કરેલી અરજીઓના આધારે આમંત્રણો મોકલ્યા છે.
PGP પર શા માટે મૂકવામાં આવ્યો પ્રતિબંધ?
કેનેડા સરકાર 2025 સુધીમાં કાયમી રહેવાસીઓની સંખ્યામાં 20%નો ઘટાડો કરી રહી છે. આ કાપ PGP પર પણ અસર કરી રહ્યો છે. 2025 માં PGP હેઠળ ફક્ત 24,500 લોકોને પીઆર આપવામાં આવશે. આ સંખ્યા 2023ના 34,000ના લક્ષ્યાંક કરતાં ઘણી ઓછી છે. 2024નો લક્ષ્યાંક પણ 32,000 થી ઘટાડીને 24,500 કરવામાં આવ્યો હતો. આ કાપને કારણે 2025માં નવી અરજીઓ લેવામાં આવી રહી નથી. IRCC પહેલેથી સબમિટ કરેલી અરજીઓનો નિકાલ કરવા ઈચ્છે છે.
ભારતીયો પાસે શું છે હવે પછીનો ઓપ્શન?
જો કે, કેનેડાની સરકારે PR માટેની અરજીઓ પર વિચાર કરવાનો ઇનકાર કર્યો હોવા છતાં એક રસ્તો હજુ પણ ખુલ્લો છે જેના દ્વારા ભારતીયો તેમના માતાપિતા અથવા દાદા દાદીને દેશમાં લાવી શકે છે. જો કોઈ વ્યક્તિ તેના માતાપિતા અથવા દાદા દાદીને લાંબા સમય માટે કેનેડા લાવવા માંગે છે, તો તે તેમના માટે ‘સુપર વિઝા’ પસંદ કરી શકે છે. જ્યારે આ વિઝા માટે પ્રાયોજિત કરવામાં આવે છે, ત્યારે માતા-પિતા અથવા દાદા દાદી તેમના બાળકો સાથે કેનેડામાં એક વખતમાં પાંચ વર્ષ સુધી રહી શકે છે.
શું છે સુપર વિઝા?
સુપર વિઝા એ એક ખાસ પ્રકારના વિઝા છે જે માતાપિતા અને દાદા દાદીને લાંબા સમય સુધી કેનેડામાં રહેવાની મંજૂરી આપે છે.
સુપર વિઝાની વિશેષતાઓ:
લાંબા ગાળાના વિઝા: આ વિઝા 10 વર્ષ માટે માન્ય છે.
લાંબો પ્રવાસ:
એક વખતમાં તેના હેઠળ માતાપિતા અથવા દાદા દાદીને એક વખતમાં 5 વર્ષ સુધી કેનેડામાં રહેવાની મંજૂરી આપે છે.
મલ્ટીપલ એન્ટ્રી:
આ વિઝા દ્વારા માતાપિતા વારંવાર કેનેડાની મુલાકાત લઈ શકે છે.
મેડિકલ ઈન્શોરન્સ ફરજિયાત:
સુપર વિઝા માટે કેનેડામાં ઓછામાં ઓછા એક વર્ષ માટે તબીબી વીમો બતાવવો પડશે.
આ વિઝા એવા લોકો માટે સારો વિકલ્પ છે કે જેઓ તેમના માતા-પિતા અથવા દાદા દાદીને અસ્થાયી ધોરણે કેનેડા લાવવા માગે છે, પરંતુ તેમની કાયમી નિવાસ પ્રક્રિયા હાલમાં હોલ્ડ પર છે.
સરળ શબ્દોમાં કહીએ તો કેનેડા સરકારના આ નવા નિર્ણયનો અર્થ એ છે કે ભારતીય મૂળના પરિવારોને તેમના માતા-પિતા અને દાદા-દાદીને કાયમી ધોરણે લાવવામાં મુશ્કેલી પડશે. પરંતુ અસ્થાયી રૂપે તેમને સુપર વિઝા દ્વારા કેનેડા લાવી શકાય છે. સુપર વિઝા લાંબા ગાળા માટે તેમના પરિવાર સાથે જોડાયેલા રહેવા માટે વ્યવહારુ ઉકેલ પૂરો પાડે છે.