Kanpur News: કાનપુરમાં પિતાના મોત પર આઘાત લાગતાં પુત્રનું પણ મોત થતાં માહોલ ગમગીન બન્યો હતો. એક જ પરિવારમાં એકસાથે બે જણના મોતથી કાનપુરના ચમનગંજમાં શોકાતુરની લાગણી છવાઈ હતી. પિતાના મૃત્યુ બાદ તેમના મૃતદેહને એમ્બ્યુલન્સમાં ઘરે લઈ જતી વખતે પુત્ર બાઈક પર પાછળ આવી રહ્યો હતો. ત્યારે પિતાના મોતનું દુઃખ સહન ન થતાં પુત્રને રસ્તામાં જ હાર્ટઅટેક આવ્યો હતો.
બાળકનો તેના પિતા પ્રત્યેનો આવો પ્રેમ જોઈ સૌ કોઈની આંખો ભીની થઈ હતી. કાનપુરના ચમનગંજના રહેવાસી લઈક અહેમદની તબિયત લથડી હતી. જેના લીધે તેમને પ્રાઈવેટ નર્સિંગ હોમમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન મૃત્યુ થતાં પરિવાર અહેમદના મૃતદેહને ઘરે લાવી રહ્યો હતો. તે સમયે લઈક અહેમદનો પુત્ર અતિક એમ્બ્યુલન્સની પાછળ બાઈક લઈને આવી રહ્યો હતો. પિતાના મોતનો આઘાત લાગતાં અતિકને અચાનક હાર્ટઅટેક આવ્યો અને બાઈક પરથી નીચે પડી ગયો. જેમાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.
પિતાના અવસાનથી આઘાત લાગ્યો
લઇકનો દીકરો અતિક તેના પિતાને ખૂબ પ્રેમ કરતો હતો, નર્સિંગ હોમે પિતાનું મોત થયુ હોવાની જાણ કરી હોવા છતાં અતિક સ્વીકારવા તૈયાર ન હતો કે, તેના પિતા હવે દુનિયામાં રહ્યા નથી. તે તુરંત જ પિતાને કાર્ડિયોલોજી હોસ્પિટલ લઈ ગયો હતો. જ્યાં ડોક્ટરે પણ લઈકને મૃત જાહેર કર્યો હતો. પિતાના મોતથી અતિક આઘાતમાં સરી પડ્યો હતો. અતિક તેના સંબંધી સાથે બાઈકમાં પાછળ બેસી ઘરે આવી રહ્યો હતો. જ્યાં તે અચાનક નીચે પડી જતાં તેને તુરંત હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. તેના મોતનું કારણ હાર્ટ અટેક હતું.
ચમનગંજના નિવાસીઓ ભાવુક બન્યાં
લઈકના મૃત્યુની માહિતી ચમનગંજમાં ફેલાઈ ગઈ હતી. ત્યાં તેના થોડા કલાકમાં જ લોકોને તેના પુત્ર અતીકના મૃત્યુની જાણ થતાં લોકો શોકમય બન્યાં હતાં. પરિવાર પર જાણે દુઃખનો આભ તૂટી પડ્યો હતો. સાંજે પિતા-પુત્ર બંનેની અંતિમયાત્રા એકસાથે નીકળી હતી. આ દ્રશ્ય જોઈને ત્યાં હાજર દરેક લોકો ભાવુક થઈ ગયા હતા. બંનેના મૃતદેહને આજુબાજુમાં દફનાવવામાં આવ્યા હતા. ઉલ્લેખીનય છે, અતિક પરિણિત હતો, અને તેને એક નાની પુત્રી પણ છે.