કર્ણાટકના આવાસ અને લઘુમતી કલ્યાણ મંત્રી બી.ઝેડ. ઝમીર અહેમદ ખાનનું તાજેતરનું એક નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. પહેલગામ હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે, મંત્રી ઝમીર અહમદ ખાને કહ્યું છે કે જો વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ તેમને પરવાનગી આપે તો તેઓ પાડોશી દેશ સામે લડવા માટે આત્મઘાતી બોમ્બ તરીકે જવા તૈયાર છે. ખેર રાજકીય નેતાઓ પોતે મીડિયા મા આવવા માટે આવા નિવેદન કરે છે.
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન આપેલું તેમનું નાટકીય નિવેદન તરત જ વાયરલ થઈ ગયું અને રાજકીય વર્તુળોમાં તેના પર તીવ્ર પ્રતિક્રિયા આવી. વાયરલ વીડિયોમાં કર્ણાટક સરકારના મંત્રી ઝમીર ખાન કહી રહ્યા છે કે પાકિસ્તાન હંમેશા ભારતનું દુશ્મન રહ્યું છે. આવા દુઃખના સમયમાં, જો વડા પ્રધાન મોદી અને ગૃહમંત્રી અમિત શાહ મને તક આપે, તો હું સરહદ પર જઈને લડવા માટે તૈયાર છું.
પહેલગામ આતંકવાદી હુમલો, એક નજર
ઉલ્લેખનીય છે કે 22 એપ્રિલ, મંગળવારના રોજ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર અંધાધૂંધ ગોળીબાર કરીને 26 લોકોની ક્રૂરતાથી હત્યા કરી હતી. લશ્કરી ગણવેશમાં સજ્જ આતંકવાદીઓએ પહેલા પહેલગામની બૈસરન ખીણમાં પ્રવાસીઓને તેમના ધર્મ વિશે પૂછ્યું, તેમના ઓળખપત્રો તપાસ્યા અને પછી તેમને ગોળી મારીને હત્યા કરી દીધી, એમ કહીને કે તેઓ હિન્દુ છે.
TRF એ હુમલાની જવાબદારી લીધી
૩ જુલાઈથી શરૂ થઈ રહેલી શ્રી અમરનાથ યાત્રા પહેલા પાકિસ્તાની આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબા સાથે જોડાયેલા જૂથ, રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) એ આ કાયરતાપૂર્ણ હુમલાની જવાબદારી સ્વીકારી છે. ફેબ્રુઆરી ૨૦૧૯ માં પુલવામા હુમલા પછી જમ્મુ અને કાશ્મીરમાં આ સૌથી મોટો આતંકવાદી હુમલો છે. તે હુમલામાં ૪૭ CRPF જવાનો શહીદ થયા હતા.