Jamnagar Heavy Rains: જામનગરમાં ભારે વરસાદની સ્થિતિને લઈને જિલ્લા પ્રશાસન દ્વારા રિલિફ અને રેસ્ક્યુની કામગીરી કરવામાં આવી રહી છે. જામનગર 28 ઓગસ્ટ હવામાન વિભાગની આગાહી અનુસાર સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે જામનગર જિલ્લામાં પણ બે દિવસથી સાર્વત્રિક વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં 27 ઓગસ્ટના સવારના 6:00 વાગ્યાથી 28 ઓગસ્ટ સવારના 6:00 વાગ્યા સુધીમાં કંટ્રોલરૂમના આંકડા અનુસાર જામનગર જિલ્લામાં સરેરાશ 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે.
જેમાં સૌથી વધુ જામનગર તાલુકામાં 15 ઇંચ જ્યારે જોડિયા તાલુકામાં 6 ઇંચ, ધ્રોલ તાલુકામાં 7 ઇંચ, કાલાવડ તાલુકામાં 11 ઈંચ, લાલપુર તાલુકામાં 12 ઇંચ, જામજોધપુર તાલુકામાં 13 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. ચાલુ વર્ષે જામનગર જિલ્લામાં સરેરાશ કુલ 40 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ જામજોધપૂરમાં 47 ઇંચ કરતા પણ વધુ વરસાદ જ્યારે જામનગર તાલુકામાં 40 ઇંચ, જોડિયા તાલુકામાં 39 ઇંચ, ધ્રોલ તાલુકામાં 26 ઇંચ, કાલાવડ તાલુકામાં 46 ઈંચ, લાલપુર તાલુકામાં 37ઇંચ વરસાદ નોંધાયો છે.