ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડને 33 રનથી હરાવ્યું; ઓસ્ટ્રલીયા સેમિફાઇનલ પહોંચશે

By: nationgujarat
04 Nov, 2023

ડિફેન્ડિંગ ચેમ્પિયન ઇંગ્લેન્ડ આ વખતના વન-ડે વર્લ્ડ કપમાંથી બહાર થઈ ગયું છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયાએ ટીમને 33 રને પરાજય આપ્યો હતો. ઇંગ્લેન્ડ 7 મેચમાં 6 હાર બાદ ટુર્નામેન્ટમાંથી બહાર થનારી બીજી ટીમ બની છે. તેની પહેલા બાંગ્લાદેશ પણ બહાર થઈ ગયું હતું.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયાએ 286 રન બનાવ્યા હતા, ટીમ તરફથી માર્નસ લાબુશેને સૌથી વધુ 71 રન બનાવ્યા હતા. લક્ષ્યને ચેઝ કરવા ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમ 48.1 ઓવરમાં 253 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. તેમના તરફથી બેન સ્ટોક્સ અને ડેવિડ મલાને અર્ધસદી ફટકારી હતી. ઓસ્ટ્રેલિયા તરફથી એડમ ઝામ્પાએ 3 અને ઇંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સે 4 વિકેટ ઝડપી હતી.

ઇંગ્લેન્ડ વર્લ્ડ કપમાંથી બહાર
ઇંગ્લેન્ડ 7 મેચમાં 2 પોઈન્ટ સાથે ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું છે. હવે નેધરલેન્ડ્સ અને પાકિસ્તાન સામે તેની 2 મેચ બાકી છે. આ જીત્યા બાદ પણ તેમની પાસે માત્ર 6 પોઈન્ટ હશે, જે સેમિફાઈનલ માટે ક્વોલિફાઈ કરવા માટે પૂરતા નથી. બીજી તરફ ઇંગ્લેન્ડને હરાવ્યા બાદ ઓસ્ટ્રેલિયાના 7 મેચમાં 5 જીતથી 10 પોઈન્ટ થઈ ગયા છે. ટીમ પોઈન્ટ ટેબલમાં ત્રીજા સ્થાને છે. અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશ સામે તેમની 2 મેચ બાકી છે, જો તેઓ એક પણ મેચ જીતે તો ટીમ સેમિફાઈનલમાં પહોંચી જશે.

ઇંગ્લેન્ડે પાવરપ્લેની પ્રથમ 5 ઓવરમાં 2 વિકેટ ગુમાવી દીધી
287 રનના લક્ષ્યને ચેઝ કરવા ઉતરેલી ઈંગ્લિશ ટીમની શરૂઆત ખરાબ રહી હતી. મિચેલ સ્ટાર્કે પહેલા જ બોલ પર જોની બેયરસ્ટોને કેચઆઉટ કરાવ્યો હતો. જો રૂટે ડેવિડ મલાન સાથે ઇનિંગની આગેવાની લીધી હતી પરંતુ રૂટ પણ પાંચમી ઓવરમાં આઉટ થયો હતો. સ્ટાર્કે બંને વિકેટ લીધી હતી. ટીમ 10 ઓવર બાદ 2 વિકેટના નુકસાન પર 38 રન જ બનાવી શકી હતી.

પ્રથમ બેટિંગ કરતા ઓસ્ટ્રેલિયા 49.3 ઓવરમાં 286 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું. માર્નસ લાબુશેને 71 રનની અડધી સદી રમી હતી. જ્યારે કેમરૂન ગ્રીન 47 રન બનાવીને આઉટ થયો હતો અને સ્ટીવ સ્મિથ 44 રન બનાવીને આઉટ થયો હતો.

ઇંગ્લેન્ડ તરફથી ક્રિસ વોક્સે 4 વિકેટ ઝડપી હતી. માર્ક વુડ અને આદિલ રાશિદને 2-2 વિકેટ મળી હતી. લિયામ લિવિંગ્સ્ટન અને ડેવિડ વિલીને 1-1 વિકેટ મળી હતી.


Related Posts

Load more