એમડી સાગઠીયા પાસે અધધ મિલકત!હજારોના પગારદાર પાસે કરોડોની સંપત્તિ?

By: nationgujarat
31 May, 2024

શહેરના ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડ મામલે જવાબદાર અધિકારીઓ, કર્મચારીઓની આકરી કાર્યવાહી શરૂ થઈ ગઇ છે. નવા પોલીસ કમિશનરે ચાર્જ સંભાળતાની સાથે જ તડામાર એક્શન શરૂ ગઇ છે. ગુરૂવારે મહાનગરપાલિકાના ચર્ચાસ્પદ ટાઉન પ્લાનીંગ ઓફિસર એમ.ડી. સાગઠિયા ઉપરાંત ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી.જે. ઠેબા તથા પીજીવીસીએલના નાનામૌવા સબડીવીઝનના ડેપ્યુટી ઈજનેર એસ.કે. ચૌહાણને ક્રાઈમ બ્રાંચે ઉપાડી લઈને પુછપરછ શરૂ કરવામાં આવી છે. સીટની ટીમ દ્વારા ઉચ્ચ અધિકારીઓની પૂછપરછ શરૂ કરવામાં આવી છે.

અનેક બેનામી સંપત્તિની માહિતી

મળતી માહિતી પ્રમાણે, એસીબી દ્વારા TPO એમડી સાગઠીયાની સઘન પૂછપરછ કરવામાં આવી હતી. રાજકોટ મહાનગરપાલિકામાં એક જ જગ્યાએ નોકરી કરતા ટીપીઓ સાગઠીયાની કરોડોની મિલકત સામે આવી છે. એમડી સાગઠીયાની રાજકોટ ગોંડલ ચોકડી તેમજ વીરપુરમાં અનેક જગ્યાએ પ્રોપર્ટી હોવાનો ખુલાસો થયો છે. જેતપુર રાજકોટ નેશનલ હાઇવે ચરખડી પાસે વિશાળ જગ્યામાં આધુનિક સુવિધાવાળુ ફાર્મ હાઉસ પણ મળ્યું છે. આ ઉપરાંત સાગઠીયાની અનેક જગ્યાએ જમીનો, પેટ્રોલપંપ, બંગલા હોવાનું પણ અનુમાન લગાવવામાં આવ્યુ છે. એસીબી દ્વારા એમ ડી સાગઠીયાની રાજકોટ સહિત તમામ જગ્યાએ મિલકતની તપાસ શરૂ થઇ છે. 50 હજારથી 60 હજાર પગારદાર પાસે આટલી સંપત્તિ ક્યાંથી આવી તે મોટો સવાલ છે. એસીબી દ્વારા સઘન તપાસ કરવામાં આવે તો અનેક બેનામી વ્યવહાર મળી શકે તેમ છે અને અનેક પોલ ખુલી શકે છે

પૂછપરછ કરાઇ

આપને જણાવીએ કે, ગેરકાયદે ટીઆરપી ગેમઝોનને મંજુરી આપવામાં ટીપીઓ સાગઠિયા તેમજ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર બી.જે. ઠેબાની ભૂમિકા હોવાનું સીટની તપાસમાં બહાર આવ્યું છે. જ્યારે આમ ગેમઝોનમાં નિયમો નેવે મુકી વીજ જોડાણ આપી દેવાયા હોવાનું ખુલતા નાનામૌવા સબડીવીઝનના ડેપ્યુટી ઈજનેર ચૌહાણને ક્રાઈમ બ્રાંચ ખાતે લાવી પૂછપરછ શરૂ કરવામાં આવી છે. ગુરૂવારે ક્રાઈમ બ્રાંચના અધિકારીઓએ આ અધિકારીઓની અટકાયત કે ધરપકડનો ઈનકાર કર્યો હતો અને માત્ર નિવેદન માટે બોલાવાયા હોવાનું જણાવ્યું હતું.રાજકોટ અગ્નિકાંડમાં જે ચારની ધરપકડ કરવામાં આવી છે તેમાં TPO એમડી સાગઠીયા, ATPO મુકેશ મકવાણા, સસ્પેન્ડેડ ATPO ગૌતમ જોશી અને ફાયર વિભાગના સસ્પેન્ડેડ અધિકારી રોહિત વિગોરાનો સમાવેશ થાય છે.


Related Posts

Load more