ઉનાળુ વેકેશન માટે GSRTCની વિશેષ બસ સેવા, દરરોજ 1400થી વધુ એક્સ્ટ્રા બસોનું આયોજન

By: nationgujarat
03 May, 2025
ગાંધીનગર: ઉનાળાના વેકેશનને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ ગુજરાત રાજ્ય વાહન વ્યવહાર નિગમ (GSRTC)એ પ્રવાસીઓની સુવિધા માટે ખાસ આયોજન કર્યું છે. જેથી મુસાફરો સરળતાથી પ્રવાસ કરી શકે તે માટે એસ.ટી. નિગમે રાજ્યના મોટા શહેરોને જોડતી દૈનિક 1400થી વધુ એક્સ્ટ્રા બસો શરૂ કરી છે. આ ઉપરાંત, પાડોશી રાજ્યો મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં પણ આંતરરાજ્ય બસ સેવાઓ શરૂ કરવામાં આવી છે.
GSRTCએ તાજેતરમાં જાહેર કરેલી યાદી અનુસાર, વેકેશન દરમિયાન મુસાફરોને સલામત અને સમયસર મુસાફરીની સુવિધા મળે તે માટે વ્યાપક આયોજન કરવામાં આવ્યું છે. આ અંતર્ગત, સુરતથી સૌરાષ્ટ્ર તરફ દૈનિક 500 બસો, સૌરાષ્ટ્રથી ઉત્તર ગુજરાત તરફ 210 ટ્રીપો, દક્ષિણ ગુજરાતથી ઉત્તર ગુજરાત તરફ 300 બસો અને સૌરાષ્ટ્ર તરફ 300 બસોનું આયોજન કરવામાં આવ્યું છે.નાગરિકો ઉનાળુ વેકેશન દરમિયાન પ્રવાસન સ્થળો સાથે સાથે ધાર્મિક સ્થળોની પણ મુલાકાત લઈ શકે તે માટે પણ ખાસ અમદાવાદથી અંબાજી, સોમનાથ અને દ્વારકા માટે દરરોજ 10 ટ્રીપો અને ડાકોર, પાવાગઢ અને ગીરનાર માટે દરરોજ 5 ટ્રીપો તેમજ પ્રવાસન સ્થળો જેવા કે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સાસણગીર, સાપુતારા માટે દરરોજ 5 ટ્રીપોનું આયોજન છે. આ ઉપરાંત, દીવ અને કચ્છના પ્રવાસ માટે અમદાવાદથી દરરોજ 10 એક્સ્ટ્રા બસ ટ્રીપો દોડી રહી છે.

માત્ર ગુજરાતમાં જ નહીં પણ પાડોશી રાજ્યોમાં પણ સરળતાથી પ્રવાસ થઈ શકે તે માટે GSRTCએ વિશેષ આંતરરાજ્ય બસ સેવાની વ્યવસ્થા કરી છે. જે અંતર્ગત રાજસ્થાનના માઉન્ટ આબુ અને સુન્ધામાતા માટે અમદાવાદથી દરરોજ 2 ટ્રીપો ઉપડે છે, જ્યારે પાડોશી રાજ્ય મહારાષ્ટ્રના શિરડી, નાશિક અને ધુલીયા જેવા સ્થળો માટે અમદાવાદના ગીતા મંદિરથી પણ 2-2 ટ્રીપોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.

Related Posts

Load more