નવી દિલ્હી, તા.23
દિલ્હીના નવા મુખ્યમંત્રી તરીકે આતિશીની શપથ વિધિ બાદ આજે તેઓએ સીએમઓમાં જઇને પોતાના હોદાનો ચાર્જ સંભાળ્યો હતો પરંતુ તેમની ખુરશીની બાજુમાં એક ખુરશી ખાલી રાખી હતી પોતે અયોધ્યામાં જેમ ભરતે ભગવાન રામની ગેરહાજરીમાં શાસન કર્યું હતું તે રીતે હું પણ અરવિંદ કેજરીવાલની ગેરહાજરીમાં તેમની ખુરશી ખાલી રાખીને બાજુની ખુરશીમાં બેસીશ તેવું જાહેર કરતાં નવો રાજકીય વિવાદ સર્જાયો છે. આતિશીએ પહેલાથી જ કહ્યું હતું કે તેઓ અરવિંદ કેજરીવાલની ગેરહાજરીમાં મુખ્યમંત્રી પદ સંભાળે છે.
ચૂંટણી જીત્યા પછી ફરી કેજરીવાલ મુખ્યમંત્રી બનશે ત્યારે હું આ ખુરશી ખાલી કરી દઇશ. પરંતુ આગામી ચાર મહિના સુધી જ્યારે ફેબ્રુઆરીમાં ચૂંટણી યોજાવાની છે ત્યારબાદ કેજરીવાલ ફરી એક વખત મુખ્યમંત્રી બનશે અને હું તેમની ખુરશી ખાલી રાખીશ. જો કે ભાજપે પ્રહાર કરતાં કહયું કે આ મુખ્યમંત્રીનું અપમાન છે અને સવિધાનનું અપમાન છે. તેઓએ શપથ લઇને મુખ્યમંત્રી પદ સંભાળ્યું છે ત્યારે ડમી બની શકે નહીં.
►મુખ્યમંત્રી બનતા જ આતિશીને અદાલતી સમન્સ
દિલ્હીમાં નવા ચૂંટાયેલા મુખ્યમંત્રી આતિશી આજે ચાર્જ સંભાળે તે સાથે જ કોર્ટનું સમન્સ મળ્યું છે. ભાજપના નેતા રાજીવ બબ્બરે કેજરીવાલ અને આતિશી વિરુધ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો છે. 2018માં ભાજપ પર આ બંને નેતાઓએ 30 લાખ મતદારોના નામ મતદાર યાદીમાંથી દૂર કર્યાનો આક્ષેપ કર્યો હતો. જો કે ‘આપ’ના નેતાઓએ આ અંગે હાઇકોર્ટમાં લડાઇ આપી હતી. પરંતુ હાઇકોર્ટે કાનૂની પ્રક્રિયાનો સામનો કરવા આદેશ આપતા હવે કેજરીવાલની સાથે આતિશીએ તા.3 ઓક્ટોબરે અદાલતમાં હાજર થવું પડશે.