Protest in Karamsad : આણંદ મહાનગરપાલિકામાં કરમસદને સમાવવાના વિરોધ માટે રવિવારે કરમસદના ગ્રામજનોએ ગામેરું યોજ્યું હતું. જેમાં તમામ પક્ષ અને જ્ઞાતિના લોકોએ ભેગા મળી સરકાર પુનઃ વિચારણા કરી કરમસદ મહાનગરપાલિકા અથવા તાલુકાનો દરજ્જો આપવા માંગણી કરી હતી. આજે (સોમવારે) કરમસદ બંધનું એલાન પણ જાહેર કરાયું છે. આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમો થકી વિરોધ પ્રદર્શન કરવાનો નિર્ણય પણ લેવાયો છે.
કરમસદમાં સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ કરમસદ – ગુજરાત દ્વારા રવિવારે સવારે 10 કલાકે સરદાર વલ્લભભાઈ પટેલના ગામ કરમસદને બચાવવા માટે ગ્રામજનોએ પક્ષ અને નાત-જાતનો ભેદ મીટાવી કરમસદની સ્વતંત્ર્યતા માટે એકસૂત્રમાં જોડાઇ ગામેરૂ યોજી આંદોલનનો આરંભ કર્યો હતો.
આણંદ મ્યુનિ.કોર્પો. જાહેર થતા કરમસદમાં સરદાર પટેલના અસ્તિત્વનો નાશ પામશે તેવી સંભાવનાઓને આધારે આજે યોજાયેલા ગામેરું કાર્યક્રમમાં માંગણી કરાઇ હતી કે સરકાર નિર્ણય અંગે પુન: વિચારણા કરે અને સરદાર પટેલના ગામ કરમસદને સ્વતંત્ર્ય કરે. આગામી દિવસોમાં સહી અભિયાનની ઝુંબેશ ચલાવાશે તેમજ અન્ય કાર્યક્રમો આપી વિરોધ પ્રદર્શન અને આંદોલનને રાજ્ય વ્યાપી વિસ્તરણ કરવાનો કાર્યક્રમમાં નિર્ણય લેવાયો હતો. સરદાર પટેલના વતન કરમસદનો આણંદ મહાનગર પાલિકામાં બળજબરી પૂર્વક સમાવેશના અન્યાય સામે આજે (સોમવારે) કરમસદ ગામ બંધનું એલાન જાહેર કરી તમામ વેપારીઓ સહિત ફેરિયાઓએ સફળ બનાવવા આહવાન કર્યું હતું.