અયોધ્યા મે ન મધુરા ન કાશી, સિર્ફ અવધેશ પાસી….આ નારો આપતી વખતે સમાજવાદી પાર્ટીને એવી આશા નહીં હોય કે અવધેશ પ્રસાદ જીતી શકે છે. પરંતુ રાજકારણમાં ક્યારે શું ઉલટફેર થાય તે કોઈ ન કહી શકે. હિન્દુત્વનો ગઢ, અને દેશની હોટ સીટોમાં સામેલ ફૈઝાબાદ (અયોધ્યા) સીટના પરિણામથી આખો દેશ નવાઈ પામી ગયો છે. કારણ કે આ બેઠક પર ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે. અયોધ્યામાં સમાજવાદી પાર્ટીના અવધેશ પ્રસાદને 554289 મત મળ્યા છે. જ્યારે ભાજપના લલ્લુ સિંહને 499722 મત મળ્યા. ભાજપે આ સીટ ગુમાવી દીધી. ઝટકો એટલા માટે પણ મોટો છે કારણ કે ભાજપનો 1980ના દાયકાથી જ અયોધ્યામાં રામ મંદિર બનાવવાનું ચૂંટણી વચન હતું. જે આ વખતે પૂરું થયું. પાર્ટીના નેતાઓથી માંડીને સમર્થકોને એ વાતનો પૂરેપૂરો વિશ્વાસ હતો કે રામ મંદિરના દમ પર 2024ની લોકસભા ચૂંટણીમાં પાર્ટી એકતરફી જીત મેળવશે. રામ મંદિરનું નિર્માણ અે તમામ વિકાસ પ્રોજેક્ટ્સના ઉપહાર છતાં જે પ્રકારે ઈન્ડિયા બ્લોક અને સમાજવાદી પાર્ટી અયોધ્યામાં ઈતિહાસ રચવામાં સફળ થઈ તેનાથી એટલા માટે પણ આશ્ચર્યચકિત ન થવું જોઈએ કારણ કે આ હારનું કારણ ભાજપ પોતે અને રામ મંદિર પણ છે.
હારના કારણો
તમને આ જાણીને કદાચ નવાઈ લાગે કે આવું કઈ રીતે. રામ મંદિર બન્યા બાદ તો ભાજપ માટે એવી આશા વ્યક્ત કરાઈ હતી કે તે જંગી લીડથી આ સીટ જીતશે. પરંતુ એક એક મત માટે તરસી ગઈ. તેનું કારણ રામ મંદિર કહીએ તો કદાચ ખોટું નહીં હોય. અયોધ્યામાં ભવ્ય રામમંદિર બનાવડાવીને ભલે ભાજપે પોતાનું વર્ષો જૂનું વચન પાળ્યું પરંતુ તેની કિંમત જો કોઈએ ચૂકવી હોય તો તે અયોધ્યાવાસી હતા, જે લોકો વર્ષોથી ત્યાં રહેતા હતા.
રામ મંદિર
અમારી સહયોગી વેબસાઈટ ડીએનએ હિન્દીના એક રિપોર્ટ મુજબ અયોધ્યામાં જે પ્રકારનો આ ખેલ થયો તેનું એકમાત્ર કારણ એ વિકાસ કાર્ય છે જે રામ મંદિરના નિર્માણ દરમિયાન હાથ ધરાયા હતા. આજે ભલે એક શહેર તરીકે અયોધ્યા ચમકી રહ્યું હોય પરંતુ વિકાસના નામે ચાલી રહેલા બુલડોઝર અને જેસીબીએ તેને ખોખલું બનાવી દીધુ.
શરૂ શરૂમાં લોકોને લાગ્યું કે વિકાસ થવાથી અયોધ્યાના દિવસ સુધરશે. પરંતુ જ્યારે એક વખત કામ શરૂ થયું તો સરકારી મશીનરીએ કોઈને પણ જોયા નહીં. પછી ભલે તે લોકોના વર્ષો જૂના ઘર હોય કે પછી ઠીક ઠાક વેપાર ધંધા કરતી દુકાનો, બધા પર રામપથના નામે તોડફોડ થઈ. બની શકે કે આટલું વાંચીને લોકો કહે કે જો સરકારે વિકાસ કાર્યોના નામ પર તોડફોડ કરી તો લોકોને વળતર પણ આપ્યું. બિલકુલ આપ્યું. પરંતુ કેટલું અને કોને આપ્યું તેનો જવાબ કદાચ જ કોઈ દિલ્હી, મુંબઈ કે પુણેવાળા કે પછી નોઈડાની કોઈ ચેનલમાં બેઠેલા કોઈ પત્રકાર આપી શકે.
સૌથી ઈમાનદારીવાળો જવાબ તમને અયોધ્યાના જ કોઈ નાગરિક પાસેથી મળશે. જો તેને લઈને તમે તેને સવાલ કરશો તો ખબર પડશે કે સરકારે જેમની પાસે પ્રોપર્ટીના પાક્કા કાગળો હતા તેમને જ વળતર આપ્યું હતું. અત્રે જણાવવાનું કે અયોધ્યામાં મોટાભાગની જમીન કા તો નઝૂલની છે કે પછી વક્ફ બોર્ડની અને આવી જમીનો પર કોઈની પાસે પાક્કા કાગળો હોવા એ થોડું મુશ્કેલ છે.
નોંધનીય છે કે તેનાથી લોકો તૂટી ગયા અને પછી એમ કહો કે ઠીક ઠાક લોકો પણ તેના કારણે રસ્તા પર આવી ગયા. ધ્યાન રહે કે અનેકવાર આ વાતોને લઈને સ્થાનિક લોકો જિલ્લા પ્રશાસનને મળ્યા પણ ખરા પરંતુ અધિકારીઓ તરફથી તેમને વળતરના નામ પર આશ્વાસન જ મળ્યું.
જાતિગત સમીકરણો
ભાજપ દ્વારા અયોધ્યાની સીટ હારવાના અન્ય કારણોની વાત કરીએ તો અહીં જાતિગત સમીકરણો પણ એક પ્રભાવી કારણ જોવા મળે છે. ધ્યાન રહે કે અખિલેશ યાવદ ગઠબંધનના નામ પર અગાઉ દૂધથી દાજેલા હતા આથી આ વખતે તેમણે છાશ પણ ફૂંકી ફૂંકીને પીધી અને અનેક એવા પ્રયોગો કર્યા જે ચોંકાવનારા હતા.
ભલે ફૈઝાબાદ સીટ સામાન્ય સીટ રહી હોય પરંતુ અખિલેશે ખુબ જ સાવધાનીપૂર્વક જાળ બિછાવી અને શહેરની સૌથી મોટી દલિત વસ્તીવાળી બિરાદરીથી પોતાના સૌથી મજબૂત ચહેરાને ઉમેદવાર બનાવ્યો. અવધેશ પાસી છ વાર વિધાયક રહી ચૂક્યા છે અને આ સાથે જ તેઓ સમાજવાદી પાર્ટીના સંસ્થાપક સભ્યોમાં પણ સામેલ છે. આ વાત પાર્ટી માટે ફાયદાકારક સાબિત થઈ અને અવધેશ પાસી પાસેથી જેવી આશા હતી એવું જ તેમણે કરી બતાવ્યું.