Snow Strom In US And Europe | ઉત્તર ભારત જ નહીં હાલ સમગ્ર દુનિયાના અનેક વિસ્તારો હાડ થીજાવતી ઠંડીમાં જકડાયા છે. યુરોપ અને અમેરિકામાં રવિવારે બરફનું તોફાન ત્રાટક્યું છે, જેને પગલે કરોડો લોકો મુશ્કેલીમાં મુકાયા છે. સમગ્ર યુરોપમાં રવિવારે ભારે હિમવર્ષા અને ઠંડાગાર વરસાદે ભારે તારાજી સર્જી હતી. યુરોપમાં બરફના તોફાનના કારણે સેંકડો ફ્લાઈટ્સ રદ કરવામાં આવતા હજારો મુસાફરો અટકવાઈ ગયા હતા. અમેરિકામાં પણ બરફના તોફાને કરોડો લોકોને ઘરોમાં કેદ થવા મજબૂર કરી દીધા છે. વધુમાં તોફાનના કારણે વીજપૂરવઠો ખોરવાતા લોકોએ અંધરાપટમાં રહેવું પડશે. શનિવારથી શરૂ થયેલું આ તોફાન સોમવાર સુધી અમેરિકાને ઘમરોળશે. બરફના તોફાનના કારણે પશ્ચિમ અમેરિકામાં 2000 જેટલી ફ્લાઈટ્સ રદ કરાઈ છે.
બ્રિટનના ઉત્તરીય વિસ્તારોમાં 40 સેન્ટીમીટર જેટલો બરફ જામી જતા ગ્રામીણ વિસ્તારો અળગા પડી ગયા હતા અને વ્યાપક પ્રમાણમાં વીજ પૂરવઠો ખોરવાઈ ગયો હતો. નેશનલ ગ્રિડએ બર્મિંગહેમ, બ્રિસ્ટલ અને કાર્ડિફ જેવા વિસ્તારોમાં વીજપૂરવઠો ફરી શરૂ કરવા અથાક પ્રયાસો કર્યા હતા. લગભગ તમામ રમતગમતના કાર્યક્રમો રદ કરાયા હતા, જો કે લિવરપૂલ અને માન્ચેસ્ટર યુનાઈટેડ વચ્ચેની પ્રીમિયર લીગ મેચ અંતિમ નિરીક્ષણની રાહ જોઈ રહી છે.
બ્રિટનમાં ભારે હિમવર્ષાથી અનેક એરપોર્ટને અસર થઈ હતી. લિવરપૂલના જોન લેનન એરપોર્ટ અને માનચેસ્ટર એરપોર્ટના રનવે હંગામી રીતે બંધ કરી દેવાયા હતા. લીડ્સ બ્રેડફોર્ડ એરપોર્ટનું સંચાલન પણ સ્થગિત કરી દેવાયું હતું. સાવચેતી ખાતર બંધને કારણે માર્ગ પરિવહનમાં વિક્ષેપ સર્જાયો હતો અને ખાસ કરીને પરિવારો તેમજ વિદ્યાર્થીઓ રજાની છૂટ્ટીમાંથી પાછા ફરતા હોવાથી અનેક ઠેકાણે અટકી પડેલા વાહનોને કારણે અફરાતફરી મચી ગઈ હતી.
શિયાળુ હવામાન દક્ષિણ-પશ્ચિમ તરફ વળતા જર્મનીમાં પણ આવી જ મુશ્કેલીઓ સર્જાઈ હતી. પ્રશાસને બ્લેક આઈસની ચેતવણી આપીને નાગરિકોને ઘરમાં જ રહેવાની ભલામણ કરી હતી. બ્લેક આઈસમાં રસ્તા અને પાણી પર નજરમાં ના આવે તેવી બરફની પાતળી પડ જામી જાય છે જેના કારણે ગંભીર અકસ્માતનું જોખમ છે.
ફ્રેન્કફર્ટ એરપોર્ટમાં 120 ફ્લાઈટ રદ થઈ હતી જ્યારે મ્યુનીક એરપોર્ટ એક જ રનવે સાથે ચાલુ રખાયું હતું. રસ્તાઓની હાલત પણ ખરાબ હતી અને હેમિનજેન નજીક આઠને ઈજા પમાડતી બસ દુર્ઘટના સહિત અનેક અકસ્માતો સર્જાયા હતા. ફ્રેન્કફર્ટમાં લાંબા અંતરની ટ્રેનોમાં પણ અનિયમિતતા સર્જાઈ હતી. તીવ્ર હવામા સામે ઈન્ફ્રાસ્ટ્રકચરની નબળાઈ છતી થઈ છે અને સમગ્ર યુરોપ સહિત આ બંને દેશોએ આગામી દિવસોમાં સતત વિક્ષેપ સર્જતી પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે.
દરમિયાન અમેરિકામાં પણ હવામાન વિભાગે ચેતવણી આપી છે કે 1500 માઈલ એટલે કે 2400 કિ.મી. વિસ્તારમાં બરફનું તોફાન ત્રાટક્યું છે, જેને પગલે ભારે હિમવર્ષા, બરફનું ભયાનક તોફાન અને વરસાદ આવશે. આ તોફાનના કારણે અમેરિકામાં ૬ કરોડથી વધુ લોકોએ ઘરોમાં કેદ રહેવું પડશે. અમેરિકાની પૂર્વે શનિવારથી શરૂ થયેલું આ તોફાન પશ્ચિમ અમેરિકા સુધી સોમવાર સુધી ચાલશે. પૂર્વ અમેરિકામાં ન્યૂયોર્કથી ફ્લોરિડા અને મિસીસીપી સુધી સફેદ ચાદર છવાઈ રહી છે. તેવામાં હવામાન વિભાગે, બરફનાં પ્રચંડ તોફાનની આગાહી કરી દીધી છે. ઠંડાગાર બર્ફીલા પવનોને લીધે વિમાન વ્યવહાર તેમજ માર્ગ વાહન વ્યવહાર સ્થગિત થઇ ગયો છે.
ઉત્તર પૂર્વમાંથી આવતા ઠંડાગાર લેબ્રેડોર કરન્ટને લીધે બરફનું વાવાઝોડું ઉત્તર-પૂર્વ અમેરિકાથી છેક એટલાન્ટિક તટનાં ફ્લોરિડા અને ગલ્ફ ઓફ મેક્સિકોનાં તટે રહેલા મિસીસીપી રાજ્ય સુધી સોમવારે ફરી વળવાની નેશનલ વેધર સર્વિસે આગાહી કરી છે. આથી દેશના પૂર્વ ભાગમાં રહેતા છ કરોડથી વધુ લોકોને સીધી અસર થવાની સંભાવના છે.
નેશનલ વેધર સર્વિસનાં કેન્સાસ સ્થિત કેન્દ્રએ વધુમાં ચેતવણી ઉચ્ચારી છે કે, પશ્ચિમ કન્સાસ, ઉપરાંત ડેલવર સુધી એટલાન્ટિક તટના સમગ્ર ૧૫૦૦ માઇલના પટ ઉપર તત્કાળ અસર થવા પૂરો સંભવ છે. તે જણાવે છે કે, આ બરફનાં તોફાનની સાથે પ્રચંડ ગતિએ ફૂંકાનારા પવનોને લીધે સેન્ટ્રલ પ્લેઇન્સથ મિડ એટલાન્ટિક સુધીનો વિસ્તાર જે અત્યારે પણ બરફની ચાદર નીચે છે તે આ તોફાનને લીધે ઠુંઠવાઈ જવાનો છે. આ દેશનો હેવીએસ્ટ સ્નોફોલ થવા સંભવ છે.
પ્રાપ્ત માહિતી પ્રમાણે પૂર્વ અમેરિકાના કેટલાયે વિસ્તારોમાં અત્યારે બબ્બે ફીટના બરફના થર જામી ગયા છે. હવે આ બરફનું તોફાન આવતા કેટલું નુકસાન થશે તે કહી શકાય તેમ નથી. અત્યારે જ આ વિસ્તારોમાં વિમાન સેવા તેમજ માર્ગ વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે