અમદાવાદ રૂરલ ડીવાયએસપી અને અસલાલી પીઆઈ વિરૂદ્ધ શિસ્તભંગના પગલાં લેવા માટે રાજયના ગૃહ વિભાગનો હુકમ

By: nationgujarat
19 Apr, 2025

અમદાવાદના અસલાલી વિસ્તારમાં રિવોલ્વરમાંથી ફાયરિંગ કરી હત્યાના પ્રયાસના એક કેસમાં મુખ્ય આરોપી ચરણસિંહ ઉર્ફે રાજુ ગણેશ પકોડી યાદવ 15 વર્ષો બાદ પોલીસ પકડમાં આવ્યો હતો. ત્યારબાદ અમદાવાદ ગ્રામ્ય કોર્ટના એડિશનલ સેશન્સ જજ પી.એમ.સયાણીએ પોલીસની કાર્યપદ્ધતિ અને ફરજ નિષ્ઠાને લઈ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. કોર્ટે અમદાવાદ રૂરલ ડીવાયએસપી નીલમ ગોસ્વામી અને અસલાલી પીઆઈ એન.એચ.સવસેટાનો ઉધડો લઈ બંને વિરૂદ્ધ શિસ્તભંગના પગલાં લેવા માટે રાજયના ગૃહ વિભાગને હુકમ કર્યો હતો.

કોર્ટે ફગાવી જામીન અરજી

ગ્રામ્ય સેશન્સ કોર્ટે રાજયના ગૃહ વિભાગને અમદાવાદ રૂરલ ડી.વાય.એસ.પી નીલમ ગોસ્વામી અને પીઆઈ એન.એચ.સવસેટા વિરૂદ્ધ શિસ્તભંગના પગલાંની કાર્યવાહી કરી તેનો રિપોર્ટ 90 દિવસમાં અદાલતમાં રજૂ કરવા ફરમાન કર્યું હતું. બીજીબાજુ, આ કેસમાં પંદર વર્ષ બાદ પકડાયેલા મુખ્ય આરોપી ચરણસિંહ ઉર્ફે રાજુ ગણેશ પકોડી યાદવની જામીન અરજી પણ કોર્ટે ફગાવી દીધી હતી.

પોલીસની કાર્યપદ્ધતિ પર કર્યા સવાલ

કોર્ટે પોલીસની તપાસ અને કાર્ય પદ્ધતિ સામે ગંભીર સવાલો ઉઠાવ્યા હતો અને કેમ પંદર-પંદર વર્ષો સુધી મુખ્ય આરોપીને પોલીસ શોધી ન શકી તે મુદ્દે વિગતવાર ખુલાસો માંગ્યો હતો. જો કે, અસલાલી પોલીસ તરફથી કરાયેલા ખુલાસાને કોર્ટે વાહિયાત અને ઔપચારિક ગણાવ્યો હતો. અમદાવાદ ગ્રામ્ય એસઓજી શાખા નાસતા ફરતા આરોપીઓને પકડવા માટેની સ્કવૉડ તથા તમામ જિલ્લાના પોલીસ સ્ટેશન દ્વારા જાહેર કરેલ નાસતા ફરતા આરોપીઓની તપાસ તજવીજ રાખવામાં આવે છે અને જયારે કોઈ આરોપી પકડાય ત્યારે તેની વિરૂદ્ધ અટક બાબતની કાર્યવાહી કરવામાં આવે છે. જે મુજબ, અસલાલી પોલીસને મળેલી બાતમીના આધારે ગત 26 માર્ચ 2025ના રોજ મણિનગર રેલ્વે સ્ટેશનેથી આરોપી ચરણસિંહને પકડી લેવાયો હતો. જો કે, કોર્ટે પીઆઈના આ ખુલાસાને ફગાવ્યો હતો.

એડિશનલ સેશન્સ જજ પી.એમ.સયાણીએ પોલીસને બહુ વેધક અને સીધો સવાલ કર્યો હતો કે, આ કેસમાં દર વર્ષે અને દરેક ક્ષણે આ ગુનાની ફાઇલ કોના કોના ચાર્જમાં હતી..? અને આ પરિસ્થિતિ માટે કોણ કોણ જવાબદાર છે…? તેનો ખુલાસા સાથે વિગતવાર અહેવાલ રજૂ કરો.. પરંતુ તેમ નહી થતાં કોર્ટે નારાજગી વ્યકત કરી અમદાવાદ રૂરલ ડીવાયએસપી નીલમ ગોસ્વામી અને અસલાલી પીઆઈ એન.એચ.સવસેટાનો ઉધડો લઈ અને તેમની વિરૂદ્ધ ગંભીર ટીકાત્મક અવલોકનો કર્યા હતા.

કોર્ટનો નિર્દેશ છતાં આરોપીનો રિપોર્ટ રજૂ કરાયો નથી

અમદાવાદ રૂરલ ડીવાયએસપી નીલમ ગોસ્વામી દ્વારા અદાલતના હુકમની અવગણના થતાં ગંભીર અવલોકન કરતાં જણાવ્યું હતું કે, ડીવાયએસપી નીલમ ગોસ્વામીને નાસતા ફરતા આરોપીઓ અંગે વિગતવાર રિપોર્ટ રજૂ કરવા માટે કોર્ટે નિર્દેશ આપ્યા હતા છતાં તેમના દ્વારા કોઈ રિપોર્ટ રજૂ કરાયો નથી. અદાલતની સ્પષ્ટ સૂચના અને નિર્દેશ હોવા છતાં રિપોર્ટ આપવાની તકલીફ લીધી નથી. પોલીસ અધિકારીઓની આ પ્રકારની કામગીરી બિલકુલ અપેક્ષિત નથી અને ચલાવી લેવાય તેવી નથી.

આરોપીઓ વર્ષો સુધી નાસતા ફરતા ન રહે તે માટે કોઈ વ્યવસ્થા નથી

કોર્ટે પોલીસ તંત્રને પણ આડા હાથે લેતાં જણાવ્યું કે, અદાલતની સમજ મુજબ, ગુજરાતમાંથી નાસતા ફરતા આરોપીઓની ખૂબ મોટી સંખ્યા છે. પોલીસ તંત્રમાં પણ આ પ્રકારે આરોપીઓ અનેક વર્ષો સુધી નાસતા ફરતા ન રહે તે માટેનું કોઈ નક્કર વ્યવસ્થા કે માળખુ નથી અને આ માટે તંત્ર પણ સતર્ક હોય કે પોલીસ દ્વારા કોઈ આયોજનપૂર્વક નિયમબદ્ધ કામગીરી થતી હોય તેમ જણાતું નથી. જવાબદાર પોલીસ અધિકારીઓ તરફથી અદાલતને માહિતી માંગવા છતાં કોર્ટને માહિતગાર ન કરવી અને કોઈ જવાબ પણ ન આપવો તે ગંભીર પરિસ્થિતિ ગણાય.

ચીફ સેક્રેટરી, ગૃહ વિભાગને પણ હુકમની નકલ મોકલાશે

કોર્ટે પોલીસની આ પ્રકારની કામગીરીની ભારે નિંદા અને આલોચના કરી તેની જાણ સરકારમાં છેલ્લામાં છેલ્લા અધિકારી એટલે કે, રાજયના ચીફ સેક્રેટરી, ગૃહ વિભાગ, ગાંધીનગર, અમદાવાદ જિલ્લા કલેકટર, રાજયના પોલીસ વડા(ડીજીપી), ડાયરેકટર ઓફ પ્રોસીકયુશન (ડીઓપી), ગાંધીનગર, અમદાવાદ શહેર પોલીસ કમિશનર અને રૂરલ ડીએસપીના ધ્યાન પર પોલીસ તંત્રમાં પ્રવર્તતી આ પરસ્થિતિ ધ્યાન પર મૂકાય તે હેતુથી તેઓને પણ ચુકાદાની નકલ મોકલી આપવા નિર્દેશ કર્યો હતો અને જવાબદારો સામે પગલાં ભરવાની હિમાયત કરી હતી.


Related Posts

Load more