અમદાવાદ, ગાંધીનગર, વડોદરા અને સુરતમાં 30 ગગનચુંબી ઇમારતોને મંજૂરી

By: nationgujarat
03 Sep, 2024

ગાંધીનગર

દર વર્ષે 3જી સપ્ટેમ્બરે આંતરરાષ્ટ્રીય સ્કાયસ્ક્રેપર દિવસ ઉજવવામાં આવે છે. તાજેતરના વર્ષોમાં ગુજરાતમાં અનેક ગગનચુંબી ઇમારતો બનાવાઈ છે. રાજ્ય સરકારના નવા નિયમો 5.4ના મહત્તમ ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ (FSI) સાથે હાઈ-રાઈઝ બિલ્ડિંગોને મંજૂરી આપે છે. બેઝ FSI કરતા વધી ગયેલી પ્રીમિયમ FSI રેડી રેકનર રેટના 50% પર ઉપલબ્ધ છે, જે ડેવલપર્સને વર્ટિકલ ગ્રોથમાં રોકાણ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. આ નિયમો અમલમાં આવ્યા બાદ અમદાવાદ, સુરત, ગાંધીનગર અને વડોદરામાં 30 ગગનચુંબી ઇમારતોને મંજૂરી આપવામાં આવી છે. જેના કારણે, અમદાવાદમાં 25, સુરત અને ગાંધીનગરમાં 2-2 અને વડોદરામાં 1 સ્કાયસ્ક્રેપર બનશે. જેમાં 20 રહેણાક, 7 કોમર્શિયલ, 2 મિક્સ્ડ-યુઝ અને 1 જાહેર બિલ્ડિંગનું નિર્માણ થશે.

ગુજરાતના ફાઇનાન્શિયલ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટીમાં પહેલેથી જ બે ગગનચુંબી ઇમારતોનું બાંધકામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને અન્ય 10 ઇમારતોનું બાંધકામ થઈ રહ્યું છે. ગુજરાતમાં વર્ટિકલ ડેવલપમેન્ટના કારણે નોંધપાત્ર આવક ઊભી કરવામાં સફળતા મળી છે, જેમાં સ્થાનિક સંસ્થાઓને પ્રીમિયમ FSI દ્વારા આશરે 1000 કરોડની આવક ઊભી થઈ છે. દિવાળી પહેલાં આવા અનેક પ્રોજેક્ટ પૂર્ણ થવાની ધારણા છે. ગુજરાત સ્કાયસ્ક્રેપર બિલ્ડિંગ્સના નિર્માણની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે, જે તેના ઝડપી શહેરી વિકાસ અને આર્કિટેક્ચરલ ઇનોવેશનનો પુરાવો છે. વર્ષ 2017 સુધી ગુજરાતમાં ઈમારતો માટે મહત્તમ 70 મીટરની ઊંચાઈ માન્ય હતી.

શહેરી વિસ્તરણની જરૂરિયાત અને વર્ટિકલ ગ્રોથની સંભાવનાને ઓળખીને રાજ્ય સરકારે 2021માં 100 મીટરથી વધુ ઊંચી, આઇકોનિક બિલ્ડિંગોના નિર્માણને પ્રોત્સાહન આપતા નિયમોમાં સુધારો કરવા માટે સક્રિય પગલાં લીધા હતા.

કમિટી પ્રોજેક્ટસની સંભાવનાઓનું મૂલ્યાંકન કરશે

હાઇરાઇઝ બિલ્ડિંગના નિર્માણ માટેના પ્રોજેક્ટ્સની સંભાવનાઓનું મૂલ્યાંકન કરવા માટે શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગના અગ્ર સચિવની અધ્યક્ષતામાં રાજ્ય સ્તરે સ્પેશિયલ ટેક્નિકલ કમિટી (STC) નું ગઠન કરવામાં આવ્યું છે. આ કમિટીમાં સોઇલ મિકેનિક્સ, સ્ટ્રક્ચરલ એન્જિનિયરિંગ અને ફાયર સર્વિસીસના નિષ્ણાતોનો સમાવેશ કરાયો છે. તેમના દ્વારા આવી ઈમારતોમાં સલામતીને સર્વોચ્ચ પ્રાથમિકતા અપાશે.

SG હાઇવે પર સ્કાયલાઇન પરિવર્તન દેખાઈ રહ્યું છે

ગુજરાતની સ્કાયલાઇનમાં આવેલું પરિવર્તન અમદાવાદમાં સરખેજ-ગાંધીનગર હાઇવે જેવા મુખ્ય રોડ ઉપર દેખાઈ રહ્યું છે. જ્યાં કમર્શિયલ સ્પેસ ડેવલપમેન્ટમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. હવે જ્યારે, ઉચ્ચ FSI ઉપલબ્ધ છે ત્યારે આ વિસ્તાર સ્કાયસ્ક્રેપર્સ એટલે કે ગગનચુંબી ઇમારતોનું હબ બનવા માટે તૈયાર છે. રાજ્યમાં થઈ રહેલા નવા વર્ટિકલ ડેવલપમેન્ટ્સ માત્ર રહેણાક અને વ્યાપારી જગ્યાની વધતી જતી માંગને જ નહીં સંતોષશે પણ તેના સ્થાપત્ય વારસામાં એક નવો અધ્યાય લખવા માટેનું મંચ પણ તૈયાર કરશે.


Related Posts

Load more