રાજ્યમાં પાલિકા-પંચાયતની ચૂંટણી માટે મતદાન ચાલી રહ્યું છે. મતદાન શરૂ થયાને 6 કલાક વીતી ચૂક્યા છે. 15 મહાનગરપાલિકામાં બપોરે 1 વાગ્યા સુધીમાં સરેરાશ 33 ટકા મતદાન નોંધાઈ ચૂક્યું છે. જૂની 6 મહાનગરપાલિકાની સરખામણીએ નવી 9 મહાનગરપાલિકાના મતદારોમાં વધુ ઉત્સાહ જોવા મળ્યો છે. રાજ્યમાં શાંતિપૂર્ણ મતદાન વચ્ચે અમદાવાદના કુબેરનગર વોર્ડમાં મતદાન મથક પર જ ભાજપ-કોંગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે છુટા હાથની મારામારી થતા પોલીસે મહામહેનતે સ્થિતિ કાબૂમાં લીધી હતી. વડોદરાના વોર્ડ નંબર 14માં પણ ભાજપ-કોંગ્રેસ કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ સર્જાયું હતું. રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા આજે આકરી ગરમીની આગાહી કરવામાં આવી છે. સવારથી જ મતદાન મથકો પર મતદારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મતદાન શરૂ થતા જ મતદારોની કતાર જોવા મળી. પરંતુ, બપોર પડતા જેમ જેમ ગરમીનો પારો ઊંચો જતો ગયો તેમ તેમ મતદાન મથકો પર મતદારોની હાજરી ઘટતી જોવા મળી.
પાલિકા-પંચાયતની યોજાઈ રહેલી ચૂંટણીને 2027 વિધાનસભા ચૂંટણીની સેમિફાઈનલ સમાન ગણવામાં આવી રહી છે. આ ચૂંટણીમાં સૌથી વધુ નજર રાજ્યની 6 જૂની અને 9 નવી મળી 15 મહાનગરપાલિકા પર છે. 15 મહાનગરપાલિકામાં 43 બેઠક બિનહરીફ થઈ હોય હવે 1001 બેઠક પર મતદાન યોજાઈ રહ્યું છે. આ તમામ બેઠક પર 1.10 કરોડથી વધુ મતદારો કૂલ 3145 ઉમેદવારોનું ભાવિ ઈવીએમમાં કેદ કરશે. આ વખતે રાજ્યમાં 6 જૂની (અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર અને જામનગર) મહાનગરપાલિકા અને 9 નવી (નવસારી, ગાંધીધામ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, વાપી, આણંદ, પોરબંદર અને નડિયાદ) મહાનગરપાલિકા મળી કૂલ 15ની ચૂંટણી યોજાઈ રહી છે.શહેરી વિસ્તારોમાં ભાજપની પકડ મજબૂત હોય 15વર્ષના લાંબાગાળા બાદ 2025માં નવી 9 મહાનગરપાલિકાની રચના કરવામાં આવી હતી. આ પહેલા વર્ષ 2002માં જૂનાગઢ અને છેલ્લે 2010માં ગાંધીનગર મહાનગરપાલિકાની રચના કરવામાં આવી હતી.
રાજ્યની જે જૂની આઠ મહાનગરપાલિકા છે તે તમામમાં હાલ ભાજપનું શાસન છે. હાલ જે 6 જૂની મનપાની ચૂંટણી યોજાઈ રહી છે. તેમાં અમદાવાદ અને રાજકોટમાં છેલ્લા 20 વર્ષથી ભાજપનું એકહથ્થુ શાસન છે. જ્યારે સુરત, વડોદરા, ભાવનગર અને જામનગરમાં તો 30 વર્ષથી ભાજપનું શાસન છે. શહેરી વિસ્તારમાં ભાજપા સતત મજબૂત થઈ રહ્યી છે તો બીજી તરફ કોંગ્રેસ સતત નબળી પડતી ગઈ છે. ત્યારે કોંગ્રેસ માટે કમબેક કરવાનો મોટો પડકાર છે. તો આમ આદમી પાર્ટી પણ ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે ઉભરવાનો પ્રયાસ કરી રહી છે. 2021માં આમ આદમી પાર્ટીને 13.91 ટકા મત મળ્યા હતા. સુરત મનપામાં 27 બેઠક પણ જીતી હતી.