અમદાવાદના ગાંધી આશ્રમનો રોડ આવતીકાલથી થશે બંધ, જાણીલો કયા રૂટથી કરી શકાશે અવરજવર

By: nationgujarat
08 Nov, 2024

Ahmedabad Gandhi Ashram Road : અમદાવાદના ગાંધી આશ્રમ રોડથી અવરજવર કરતાં લોકો માટે મહત્ત્વના સમાચાર આવ્યા છે. હાલ સાબરમતી આશ્રમનું નવીનીકરણ ચાલી રહ્યું છે, જે વર્ષ 2026માં પૂર્ણ થાય તેવો અંદાજ છે, ત્યારે અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને ગાંધી આશ્રમ રોડ આવતી કાલથી(9 નવેમ્બર) કાયમી માટે બંધ કરવામાં આવશે, તેને લઈને જાણકારી આપી. આ સાથે અન્ય વૈકલ્પિક માર્ગની વ્યવસ્થા કરવામાં આવી છે.

આ રૂટ બંધ રહેશે

શહેરના મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમને રીસ્ટોર અને રી-ડેવલપમેન્ટની કામગીરી  ચાલી રહી છે, ત્યારે આ પ્રોજેક્ટના આયોજનના ભાગરૂપે હાલ સુભાષબ્રિજ સર્કલથી વાડજ સ્મશાન તરફ જતા મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમ રોડ પૈકી બત્રીસી ભવનથી કાર્ગો મોટર્સ ત્રણ રસ્તા સુધીનો અંદાજિત 800 મીટરના માર્ગમાં કાયમી ધોરણે વાહન વ્યવહારની અવરજવર આવતી કાલથી(9 નવેમ્બર) બંધ કરવામાં આવશે.

આ રહેશે વૈકલ્પિક માર્ગ

મહાત્મા ગાંધી સાબરમતી આશ્રમની આસપાસ રહેતા સ્થાનિકો અને આશ્રમની મુલાકાતે, પરિવહન કરનારા લોકો સુભાષબ્રિજથી આશ્રમ તરફ અવરજવર કરી શકશે. જેમાં વૈકલ્પિક માર્ગમાં સુભાષબ્રિજથી વાડજ તરફ જવા-આવવા માટે સુભાષબ્રિજ સર્કલથી પ્રબોધ રાવલ સર્કલ થઈ સીધા રાણીપ બસ સ્ટેન્ડથી ડાબી બાજુ વળીને નવા બનેલા માર્ગ થઈને કાર્ગો મોટર્સ થઈને સાબરમતી રીવરફ્રન્ટ માર્ગ (પશ્ચિમ) અને વાડજ તરફ અવરજવર કરી શકાશે.


Related Posts

Load more