અમદાવાદના અનેક વિસ્તારોમાં મોડી રાત્રે વરસાદ, વહેલી સવારે ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું

By: nationgujarat
27 Dec, 2024

Rain Forecast In Gujarat: ઉત્તર-પશ્ચિમ મધ્ય પ્રદેશ પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતાં ગુજરાતને માથે કરા સાથે માવઠાનું સંકટ યથાવત્ છે. વરસાદની આગાહી વચ્ચે ગુરૂવારે (26મી ડિસેમ્બર) મોડી રાત્રે અમદાવાદના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા હતા. ત્યારે શુક્રવારે (27મી ડિસેમ્બર) શહેરમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, 27મી અને 28મી ડિસેમ્બરે રાજ્યમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ રાઉન્ડ શરૂ થશે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (27 ડિસેમ્બરે) દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના અમુક સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.

બીજી તરફ શનિવારે (28મી ડિસેમ્બર) જ્યાં 30થી 40 કિલોમીટરે પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ,દાહોદ,મહીસાગર, આણંદ,વડોદરા,ભરૂચ,સુરત,નવસારી, વલસાડ,દમણ,દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે.

આગામી 48 કલાક દરમિયાન લઘુતમ તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થતાં ઠંડીમાં આંશિક ઘટાડો અનુભવાશે. આ પછી તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થઇ શકે છે. આગામી 3 દિવસ અમદાવાદનું તાપમાન 16થી 18 ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી છે. ગત રાત્રિના નલિયામાં 9.8 ડિગ્રી સાથે સૌથી નીચું તાપમાન નોંધાયું હતું.


Related Posts

Load more