Shri Ambaji Mata Devasthan Trust: યાત્રાધામ અંબાજીમાં 51 શક્તિપીઠના દર્શને ગયેલા સત્તાધારી ભાજપના ધારાસભ્યોની સરભરા પાછળ રાજકીય નેતાના ઇશારે દેવસ્થાન ટ્રસ્ટે કરેલો 11.12 લાખ રૂપિયાનો ખર્ચો આખું વર્ષ પૂરું થવા છતાં સરકારના સક્ષમ વિભાગે આપ્યો નહીં હોવાથી આ ખર્ચ આખરે ટ્રસ્ટને ભોગવવાનો વારો આવ્યો છે.
વિધાનસભાના સ્પીકર દ્વારા ગયા ફેબ્રુઆરી મહિનામાં મુખ્યમંત્રી, કેબિનેટના સભ્યો, પાર્ટીના નેતાઓ અને ધારાસભ્યોને શક્તિપીઠ પરિક્રમા મહોત્સવમાં લઈ જવામાં આવ્યા હતા. આ પ્રવાસ દરમ્યાન 300 જેટલા વીઆઈપીની સરભરા પાછળ 11,12,325 રૂપિયા ખર્ચાયા હતા. આ ખર્ચ કોણ કરે તે નિશ્વિત ન હતું પરંતુ દેવસ્થાન ટ્રસ્ટને કહેવાયું હતું કે સરકારની ગ્રાન્ટમાંથી આ રૂપિયા સરભર કરવામાં આવશે.
ગયા ફેબ્રુઆરી મહિનામાં કોઇ ચૂંટણી ન હતી અને લોકસભાની ચૂંટણીની કોઈ જાહેરાત પણ થઇ ન હતી છતાં ઇલેક્શન અર્જન્ટના નામે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીએ ત્રણ એજન્સી પાસેથી ભાવપત્રકો મંગાવી વીઆઈપી સરભરાનો ખર્ચ કરવાનું નક્કી કરી આ કામ ડીસા સ્થિત ચેતક ક્લાઉડ કિચનને આપવામાં આવ્યું હતું કે જેણે ગબ્બર ખાતે પ્રત્યેક વીઆઇપીની હાઇ ટી ના 360 રૂપિયા, સરકીટ હાઉસ ખાતે હાઈ ટી ના 360 રૂપિયા અને ભોજનની એક ડીશ માટે 1745 રૂપિયાનો વર્કઓર્ડર મેળવ્યો હતો.