હીરા સોલંકીની ‘દબંગગીરી’:કાર્યકર્તાઓને કહ્યું- કોઈના બાપથી બીતા નહીં, હું અહીં બેઠો છું

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. તમામ પક્ષોએ જીત મેળવવા માટે એડિચોટીનું જોર લગાવી રહ્યા છે. ઉમેદવારોએ પણ પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે. જોકે, આ પ્રચાર પ્રસાર દરમિયાન કેટલાક ઉમેદવારોના વિવાદીત વીડિયો પણ વાયરલ થઈ રહ્યા છે. ત્યારે અમરેલી જિલ્લાની રાજુલા બેઠકના ભાજપના ઉમેદવાર હીરા સોલંકીનો પણ ખુલ્લેઆમ ચેતવણી આપતો વીડિયો વાયરલ થયો છે. તેઓ વીડિયોમાં કાર્યકર્તાઓને કહી રહ્યા છે કે, કોઈના બાપથી બીતા નહીં, હીરા સોલંકી અહિંયા બેઠો છે, ધાક ધમકી દેવા વારાના હું ડબ્બા ગુલ કરી નાખીશ.

હીરા સોલંકી દબંગ નેતા તરીકે ઓળખાય છે
અમરેલી જિલ્લાની બેઠકો કબજે કરવા તમામ રાજકીય પક્ષોએ પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ ગઈકાલે અમરેલીમાં જાહેરસભા સંબોધી હતી. ત્યારે ઉમેદવારો પણ પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. આ વચ્ચે ગઈકાલે જાફરાબાદમાં ભાજપના કાર્યાલયના ઉદ્ઘાટન સમયે ભાજપના પૂર્વ ધારાસભ્ય અને દબંગ નેતા તરીકે ઓળખાતા હીરા સોલંકીનો એક વીડિયો વાયરલ થયો છે.

તમે ખાલી જાફરાબાદનું સાચવી લેજો બાકી બધુ મારી પર છોડી દોઃ હીરા સોલંકી
આ વીડિયોમા હીરા સોલંકી ધમકી આપી રહ્યા હોવાનું જોવા મળી રહ્યું છે. વીડિયોમાં હીરા સોલંકીએ કાર્યકર્તાઓને જણાવી રહ્યા છે કે, કોઈના બાપથી બીતા નહીં, અહીં હીરાલાલ સોલંકી બેઠો છે. આ ધાક ધમકી દેવા વારા અહીં જે નીકળ્યાં છે ને તે બધાના હું ડબ્બા ગુલ કરી નાખવાનો છું. જે લોકો માહોલ ડહોળવા નીકળ્યાં છે તેનું ધ્યાન રાખજો. તમે ખાલી જાફરાબાદનું સાચવી લેજો બાકી બધુ મારી પર છોડી દો. બીજી કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આપણે ખુબ સારા મતોથી જીતવા જઇ રહ્યા છીએ. માહોલ બગાડવાનો પ્રયત્ન જે કરતા હોય તેને કરવા દેજો. ચૂંટણી પુરી થશે પછી, એ છે અને હું છું.

ભાજપના ઉમેદવાર હીરા સોલંકી કોણ છે?
રાજુલા ભાજપના ઉમેદવાર અને પૂર્વ ધારાસભ્ય હીરા સોલંકી પૂર્વ મંત્રી પુરષોતમ સોલંકીના નાના ભાઈ છે. તેમજ ગુજરાતમાં કોળી સેનાના પ્રમુખ છે. 20 વર્ષ સુધી હીરા સોલંકીએ રાજુલા વિસ્તારમાં પ્રતિનિધિત્વ કર્યું છે. વર્ષો પહેલા મુંબઇથી પહેલી વખત ચૂંટણી લડવા આવ્યાં ત્યારે હીરા સોલંકી અને પુરષોતમ સોલંકી બંનેની ‘ભાઈ’ તરીકેની છાપ હતી.
ગાંધીનગરમાં આતંકવાદી હુમલા વખતે રિવોલ્વર લઈ અંદર ઘૂસ્યા હતા
ઉલ્લેખનીય છે કે, ગાંધીનગરના અક્ષરધામમાં આતંકવાદીઓના હુમલા વખતે હીરા સોલંકી જીવની પરવા કર્યા વગર પોતાની રિવોલ્વર લઈને લોકોને બચાવવા અંદર ઘૂસી ગયા હતા. આ ઘટનાને થોડા દિવસ પહેલા ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે પણ પોતાના ભાષણ દરમિયાન યાદ કરી હતી. સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, આ એ જ ભાજપના ઉમેદવાર હીરા સોલંકી છે કે જેણે ગાંધીનગરના અક્ષર ધામમાં આતંકવાદીઓનો હુમલો થયો ત્યારે તેમની પાસે જે રિવોલ્વર હતી તે રિવોલ્વર લઈને આંતકવાદીઓ સામે પોતાની જીવની પરવા કર્યા વગર જે હિરલો અંદર ઘુસી ગયો હતો તે આપડો આ હિરલો હતો. આવા મજબુત ઉમેદવારને જીતાડવા માટે મારે તમને વિનંતી કરવાની ન હોય આપણી બધાની ફરજ છે તેને જીતાડવાની.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »

Nationgujarat Subscribe