હવે સીધી સેવાની તક નહીં મળે, પરંતુ મારા પ્રાણ તમારી સાથે રહેશે;સોનિયા ગાંઘીનો રાયબરેલીને પત્ર

By: nationgujarat
15 Feb, 2024

2004થી રાયબરેલીથી લોકસભાની ચૂંટણી લડી રહેલાં સોનિયા ગાંધીએ બુધવારે રાજસ્થાનથી રાજ્યસભાની ઉમેદવારી નોંધાવી હતી. બીજા જ દિવસે ગુરુવારે તેમણે રાયબરેલીના લોકોને એક પત્ર લખ્યો. આમાં તેમણે ઉલ્લેખ કર્યો છે કે હવે તે લોકસભાની ચૂંટણી નહીં લડે, પરંતુ તેમનું મન અને પ્રાણ હંમેશાં રાયબરેલી સાથે જ રહેશે.

સોનિયા ગાંધીનો પત્ર…નમસ્તે

મારો પરિવાર દિલ્હીમાં અધૂરો છે. તે રાયબરેલી આવીને તમને બધાને મળીને પૂરો થાય છે. આ ગાઢ સંબંધ ખૂબ જૂનો છે અને મને મારાં સાસરિયાં તરફથી સૌભાગ્ય તરીકે મળ્યો છે. રાયબરેલી સાથે અમારા પરિવારના સંબંધો ખૂબ ગાઢ છે. આઝાદી પછી થયેલી પહેલી લોકસભાની ચૂંટણીમાં તમે મારા સસરા ફિરોઝ ગાંધીજીને અહીંથી જિતાડીને દિલ્હી મોકલ્યા હતા. તેમના પછી તમે મારાં સાસુ ઈન્દિરા ગાંધીને તમારા પોતાના બનાવી લીધાં હતાં.

ત્યારથી લઈને અત્યાર સુધી આ સિલસિલો જીવનના ઉતાર-ચઢાવ અને મુશ્કેલ માર્ગોમાંથી પસાર થઈને પ્રેમ અને ઉત્સાહ સાથે વધતો રહ્યો છે અને તેમાં આપણો વિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. તમે મને આ તેજસ્વી માર્ગ પર ચાલવા માટે જગ્યા પણ આપી. મારાં સાસુ અને મારા જીવનસાથીને હંમેશ માટે ગુમાવ્યાં પછી, હું તમારી પાસે આવી અને મેં મારા માટે તમારા સમક્ષ મારો ખોળો પાથર્યો હતો. છેલ્લી બે ચૂંટણીમાં તમે મુશ્કેલ સંજોગોમાં પણ પહાડની જેમ મારી પડખે ઊભા હતા, આ હું ક્યારેય ભૂલી શકતી નથી. મને કહેતા ગર્વ થાય છે કે આજે હું જે કંઈ પણ છું તે તમારા કારણે છું અને મેં હંમેશાં તમારા આ વિશ્વાસને જાળવી રાખવાનો પ્રયાસ કર્યો છે.

હવે તબિયત અને વધતી ઉંમરને કારણે હું આગામી લોકસભાની ચૂંટણી નહીં લડું. આ નિર્ણય પછી, મને તમારી સીધી સેવા કરવાની તક નહીં મળે, પરંતુ એટલું ચોક્કસ છે કે મારું મન અને મારા પ્રાણ હંમેશાં તમારી સાથે રહેશે. હું જાણું છું કે તમે પણ મારી અને મારા પરિવારની દરેક મુશ્કેલીમાં કાળજી રાખશો, જેમ તમે અત્યાર સુધી મારી સંભાળ રાખતા આવ્યા છો.

હવે રાયબરેલી લોકસભા સીટ પર કોનું નામ આગળ હોઈ શકે?

પ્રિયંકા ગાંધીને કમાન મળી શકે છે
રાજકીય નિષ્ણાતોના મતે સોનિયા ગાંધીને બદલે પ્રિયંકા ગાંધીને ટિકિટ આપવામાં આવી શકે છે. રાયબરેલી બેઠક કોંગ્રેસની સૌથી સુરક્ષિત બેઠક માનવામાં આવે છે. 1952માં પહેલી લોકસભા ચૂંટણી બાદ કોંગ્રેસ અહીં માત્ર ત્રણ વખત હારી છે.

ખરેખરમાં આ બેઠક ગાંધી પરિવારની ધરોહર રહી છે. ફિરોઝ ગાંધી, ઈન્દિરા ગાંધી, અરુણ નહેરુ, શીલા કૌલ જેવા લોકો આ બેઠક પરથી સાંસદ રહી ચૂક્યાં છે. આ ચહેરાઓ કાં તો ગાંધી પરિવારના સભ્યો હતા અથવા તેમના સંબંધીઓ હતા. જેમ કે ફિરોઝ ગાંધી પંડિત જવાહરલાલ નહેરુના જમાઈ હતા અને શીલા કૌલ તેમની પત્ની કમલા નહેરુના ભાઈનાં પત્ની હતાં.

રાજસ્થાનમાંથી રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી
સોનિયા ગાંધીએ બુધવારે રાજસ્થાનથી રાજ્યસભા માટે ઉમેદવારી નોંધાવી હતી. સોનિયા જયપુર પહોંચ્યાં પછી જ પાર્ટીએ તેમના નામની સત્તાવાર જાહેરાત કરી હતી.

સોનિયા ગાંધી પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહન સિંહ દ્વારા ખાલી થઈ રહેલી સીટ પરથી રાજ્યસભામાં જશે. તેમની ઉમેદવારીથી સ્થાનિક કોંગ્રેસના નેતાઓ ખૂબ જ ઉત્સાહિત છે. આ પહેલીવાર છે જ્યારે ગાંધી પરિવારનો કોઈ સભ્ય રાજસ્થાનમાંથી રાજ્યસભા અથવા લોકસભામાં ચૂંટાવા જઈ રહ્યા છે.

પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેહલોત, વિપક્ષના નેતા ટીકારામ જુલી, પીસીસી ચીફ ગોવિંદ સિંહ ડોટાસરાએ કહ્યું કે રાજસ્થાનથી સોનિયા રાજ્યસભામાં જવાથી કાર્યકરોનું મનોબળ વધશે. ધારાસભ્ય દળની બેઠકમાં કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ ગોવિંદ સિંહ ડોટાસરાએ કહ્યું કે સોનિયા ગાંધીનું રાજસ્થાનથી રાજ્યસભામાં જવાથી નવો ઉત્સાહ આવશે. અમે રાહુલ ગાંધીને વડાપ્રધાન બનાવીશું, આ માટે પૂરા પ્રયાસો કરીશું.

સોનિયાની ચૂંટણી બાદ કોંગ્રેસ પાસે રાજસ્થાનમાંથી 6 રાજ્યસભા સાંસદ હશે. જેમાંથી નીરજ ડાંગી સિવાય તમામ પાંચ સાંસદો બહારના છે. નોમિનેશન બાદ સોનિયા ગાંધી રાહુલ અને પ્રિયંકા ગાંધી સાથે દિલ્હી પરત ફર્યાં છે.

સોનિયા ગાંધીની રાજકીય સફર

  • 1997માં સોનિયાએ કોંગ્રેસનું સભ્યપદ લીધું. 62 દિવસ પછી તેઓ પાર્ટીના અધ્યક્ષ બન્યાં. ત્યારથી લઈને 2017 સુધી તેઓ પાર્ટીના અધ્યક્ષ રહ્યાં. કોંગ્રેસ પાર્ટીમાં આટલા લાંબા કાર્યકાળ સુધી કોઈ અધ્યક્ષ રહ્યા નથી.
  • સોનિયાએ પહેલીવાર 1999ની લોકસભા ચૂંટણી લડી હતી. તેમણે બેલ્લારી (કર્ણાટક) અને અમેઠી (ઉત્તર પ્રદેશ)માંથી ચૂંટણી લડી અને બંને જગ્યાએ જીત મેળવી. આ પછી તેમણે બેલ્લારી સીટ છોડી દીધી હતી.
  • 2004માં તેમણે તેના પુત્ર રાહુલને અમેઠી બેઠક પરથી ચૂંટણી લડાવી અને પોતે રાયબરેલી બેઠક પર શિફ્ટ થઈ ગયાં. જ્યાંથી તેઓ હજુ પણ સાંસદ છે. સોનિયાએ 2006માં ઓફિસ ઓફ પ્રોફિટના મુદ્દે સંસદીય સીટ પરથી રાજીનામું આપ્યું હતું અને પેટાચૂંટણીમાં પણ જીત મેળવી હતી.
  • સોનિયાના નેતૃત્વ હેઠળની રાષ્ટ્રીય સલાહકાર સમિતિના કહેવા પર જ સરકારે રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) અને માહિતી અધિકાર અધિનિયમ (RTI) કાયદો લાગુ કરવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
  • 2 ઓક્ટોબર, 2007ના રોજ, મહાત્મા ગાંધીના જન્મદિવસ પર સોનિયા ગાંધીએ સંયુક્ત રાષ્ટ્રને સંબોધન કર્યું. યુનાઈટેડ નેશન્સે 15 જુલાઈ 2007ના રોજ ઠરાવ પસાર કર્યો અને આ દિવસને આંતરરાષ્ટ્રીય અહિંસા દિવસ તરીકે મનાવવાનું શરૂ થયું.
  • 2004, 2007, 2009માં સોનિયા ગાંધીને ફોર્બ્સની વિશ્વના સૌથી શક્તિશાળી મહિલાઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યાં હતાં. તેઓ વિશ્વના 100 સૌથી પ્રભાવશાળી લોકોમાંથી એક હતાં.
  • 2009ની સામાન્ય ચૂંટણીઓમાં સોનિયાના નેતૃત્વમાં કોંગ્રેસે 1991 પછી પ્રથમ વખત 200થી વધુ બેઠકો જીતી અને સત્તામાં પરત ફર્યાં. આ વખતે પણ મનમોહન સિંહને વડાપ્રધાન બનાવવામાં આવ્યા હતા.
  • 2013માં સોનિયાએ સતત 15 વર્ષ સુધી કોંગ્રેસ અધ્યક્ષ તરીકે સેવા આપવાનો રેકોર્ડ બનાવ્યો. 2014ની લોકસભા ચૂંટણીમાં પાર્ટીનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન (44 બેઠકો) હતું અને નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં NDAની સરકાર બની હતી.

Related Posts