હવે સસ્તા અનાજની દુકાને તાળા જોવા નહીં મળે, રાશનકાર્ડ ધારકો માટે રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય

By: nationgujarat
03 Sep, 2024

Gujarat Ration Card Rule : ગુજરાતમાં 72 લાખ નેશનલ ફૂડ સેફ્ટી એક્ટ (NFSA) ના કાર્ડ ધારકો છે, જેઓ રાજ્ય સરકારનાં સસ્તા અનાજનો લાભ મેળવે છે. જો કે, ઘણીવાર સસ્તા અનાજની દુકાનોમાંથી અનાજ ચોરી અને ગેરરીતિ જેવી ઘટનાઓ સામે આવે છે, જેને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા એક મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. હવે લાયસન્સ ધરાવતા દુકાનદારો જ દુકાન ચલાવી શકશે, એટલે કોઈ બીજાને ભાડે નહીં આપી શકે.

આશરે 700 દુકાનો ભાડે ચાલતી હોવાનો પર્દાફાશ

ગુજરાત સરકારને ફરિયાદ મળી હતી કે, રાજ્યમાં આશરે  700 જેટલી દુકાનો ભાડે ચાલતી હતી. આ જ કારણસર હવે દુકાનદારની બાયોમેટ્રિક હાજરી પણ લેવામાં આવશે. એટલું જ નહીં, દુકાનદારે રજા રાખવી હશે તો પણ મામલતદારની મંજૂરી લેવી પડશે. આ નિર્ણયથી રાજ્યના 72 લાખ નેશનલ ફૂડ સેફ્ટી એક્ટના રાશન કાર્ડ ધારકોને ફાયદો થશે.સસ્તા અનાજની દુકાનોને લઈને રાજ્ય સરકારને ઘણાં સમયથી ફરિયાદો મળી રહી હતી. આ પૈકી અનેક દુકાનો હંમેશા બંધ જ જોવા મળતી હતી. આ ઉપરાંત 700 જેટલી દુકાનો અન્યને ભાડે આપી દેવાઈ હતી. આ પ્રકારની ગેરરીતિઓ અટકાવવા રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. હવે રાશન કાર્ડની દુકાનનું લાયસન્સ ધરાવનારો કોઈ દુકાનદાર અન્યને દુકાન ભાડે આપી શકશે નહીં. આ સાથે જ રાશન વિતરકે બહાર જતી વખતે જિલ્લા પુરવઠા અધિકારીને પણ જાણ કરવી પડશે. આ ઉપરાંત પોતાની ગેરહાજરીમાં અન્ય વિતરકને ચાર્જ સોંપીને અનાજ વિતરણ ફરજિયાત ચાલુ રાખવું પડશે.


Related Posts