હવે જુનિયર સેહવાગ જલ્દી ટીમમાં જોવા મળશે? સહેવાગની યાદ થશે તાજા?

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગે વર્લ્ડ ક્રિકેટમાં ધૂમ મચાવી હતી. તેની બેટિંગથી ભલભલા બોલર્સના પરસેવા છૂટી જતા હતા. તેની વિસ્ફોટક બેટિંગની શૈલીના લોકો ચાહક હતા. પહેલા જ બોલથી શોટ્સ ફટકારવાની શરૂઆત કરી દેતો હતો. આને કારણે તે દરેક ક્રિકેટ ફેનના દિલમાં વસ્યો હતો. તે ટેસ્ટ ક્રિકેટમાં પણ વન-ડે ફોર્મેટની જેમ રમતો હતો. ત્યારે હવે ચાહકો માટે વધુ એક ખુશખબરી આવી છે. તેનો પુત્ર આર્યવીર હવે પ્રોફેનશનલ ક્રિકેટમાં રમતો દેખાશે.

BCCI U-16 વિજય મર્ચન્ટ ટ્રોફી ટીમમાં સ્થાન
BCCI U-16 વિજય મર્ચન્ટ ટ્રોફીનું આયોજન કરે છે, જેમાં આ વખતે દિલ્હીની ટીમમાં પૂર્વ વિસ્ફોટક ઓપનર વિરેન્દ્ર સેહવાગના પુત્ર આર્યવીર સેહવાગને સ્થાન મળ્યું છે. 15 વર્ષના આર્યવીર હવે વર્લ્ડ ક્રિકેટમાં પોતાના પિતાના પગલે ધૂમ મચાવશે.

દિલ્હીની ટીમ અત્યારે તો બિહારની સામે પોતાની મેચ રમી રહી છે. જોકે આર્યવીરને આ મેચની પ્લેઇંગ-11માં સામેલ કરવામાં આવ્યો નથી. જોકે મોટા સ્તરે એન્ટ્રી થઈ ચૂકી કહેવાય, એટલે ચાહકોને આશા છે કે આર્યવીરમાં પણ વિરેન્દ્ર સેહવાગ જેવી કાબેલિયત હશે અને ફરી ચાહકોને વિરેન્દ્ર સેહવાગ જેવી બેટિંગ જોવા મળશે.

બેટિંગ સ્ટાન્સ વિરેન્દ્ર સેહવાગ જેવો
આર્યવીર સેહવાગના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટને જુઓ તો તેણે પોતાની બેટિંગના ઘણા વીડિયો પોસ્ટ કર્યા છે, જેમાં તે પોતાના પિતા વિરેન્દ્ર સેહવાગની રીતે સ્ટાન્સ લેતો નજરે આવે છે અને નેટ્સમાં પણ બોલર્સની ધોલાઈ કરતો દેખાય છે.

વિરેન્દ્ર સેહવાગની ગણના દુનિયામાં સર્વશ્રેષ્ઠ ઓપનર્સમાંથી થાય છે. તે ક્રિકેટના ત્રણેય ફોર્મેટ રમ્યો છે, જેમાં ટેસ્ટ ક્રિકેટની વાત કરીએ તો તેણે 104 મેચમાં 49.34ની એવરેજથી 8586 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં તેણે કુલ બે વખત ટ્રિપલ સેન્ચુરી પણ ફટકારી છે, જેમાં એક 2004માં પાકિસ્તાન સામે મુલતાનમાં ફટકારી હતી. તેણે 309 રન બનાવ્યા હતા. આ મેદાન પર પાકિસ્તાન સામે ટ્રિપલ સેન્ચુરી ફટકારતાં તેને ‘મુલતાનનો સુલતાન’ પણ કહેવાય છે. તો બીજી ટ્રિપલ સેન્ચુરી 2008માં ચેન્નઈમાં સાઉથ આફ્રિકા સામે ફટકારી હતી. તેણે 319 રન ફટકાર્યા હતા. આ વર્લ્ડ ક્રિકેટમાં ફાસ્ટેસ્ટ ટ્રિપલ સેન્ચુરી પણ રહી છે, કારણ કે આ ટ્રિપલ સેન્ચુરી માત્ર 278 બોલમાં કરી હતી.

વન-ડે ક્રિકેટ કરિયરની વાત કરીએ તો 251 મેચમાં 35.06ની એવરેજથી 8273 રન બનાવ્યા છે. તેનો હાઈએસ્ટ સ્કોર 219 રન રહ્યો છે. જે વેસ્ટઈન્ડીઝ સામે આવ્યો હતો. તે 2011ના વર્લ્ડ કપ વિનિંગ ટીમનો સભ્ય રહી ચૂક્યો છે.

T20 ઈન્ટરનેશનલ ક્રિકેટની વાત કરીએ તો તેમણે 19 મેચમાં 21.89ની એવરેજથી 394 રન બનાવ્યા છે. તેઓ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટ ઓછું રમ્યા છે, પરંતુ તેઓ 2007ના T20 વર્લ્ડ કપ વિજેતા ટીમના સભ્ય રહી ચૂક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »

Nationgujarat Subscribe