સામ પિત્રોડાએ વધુ એક વિવાદ છેડ્યો:કહ્યું- ‘પૂર્વી ભારતમાં રહેતા લોકો ચીન જેવા, દક્ષિણમાં રહેનારા આફ્રિકન દેખાય છે

By: nationgujarat
08 May, 2024

ઇન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના અધ્યક્ષ સામ પિત્રોડાએ વિરાસત ટેક્સ પછી એક અન્ય વિવાદિત નિવેદન આપ્યું છે. પિત્રોડાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તેઓ ભારતના વિવિધ ભાગમાં રહેતા લોકોની વિવાદિત રીતે સરખામણી કરતા જોવા મળી રહ્યા છે.

આ વીડિયોમાં સામ પિત્રોડાને કહેતા સાંભળી શકાય છે કે, ‘ભારત એક અત્યંત વિવિધતા ભરેલો દેશ છે, જ્યાં પૂર્વી ભારતમાં રહેતા લોકો ચીનના લોકો જેવા, પશ્ચિમમાં રહેનાર અરબ જેવા, ઉત્તર ભારતમાં રહેતા લોકો શ્વેતોની જેમ અને દક્ષિણમાં રહેનારા આફ્રિકન લોકોની જેમ દેખાય છે. પરંતુ તેનાથી ફરક પડતો નથી, આપણે બધાં ભાઈ-બહેન છીએ. આપણે તમામ ભાષાઓનું સન્માન કરીએ છીએ.’

તેમણે કહ્યું કે આપણે વિવિધ ભાષા, ધર્મ અને રીતિ-રિવાજોનું સન્માન કરીએ છીએ. આ તે જ ભારત છે, જેના ઉપર મારો વિશ્વાસ છે, જ્યાં દરેક વ્યક્તિનું સન્માન છે અને દરેક વ્યક્તિ કોઈ ને કોઈ જગ્યાએ થોડો સમજૂતી કરે છે.

હિમંતા-કંગના ગુસ્સે થઈ ગયાં…
સામ પિત્રોડાના આ નિવેદન બાદ ભાજપે તેમના પર જોરદાર પ્રહારો કર્યા છે. આસામના CM હિમંતા વિશ્વ શર્માએ સામ પિત્રોડાના નિવેદન પર વળતો પ્રહાર કરતા કહ્યું કે, હું ઉત્તર-પૂર્વનો છું અને હું ભારતીય જેવો દેખાઉં છું. આપણે ભારતીયો જુદા છીએ પણ એક છીએ. હિમંતાએ સેમને દેશ વિશે થોડું સમજવાની સલાહ આપી. સાથે જ ભાજપના પ્રવક્તા શહેઝાદ પૂનાવાલાએ પણ પિત્રોડાના નિવેદનને જાતિવાદી ગણાવ્યું છે. આ સિવાય કંગના રનૌતે પણ ગુસ્સામાં કહ્યું કે, પિત્રોડાનું નિવેદન જાતિવાદી અને વિભાજનકારી છે. તેઓ ભારતના લોકોને ચાઈનીઝ અને આફ્રિકન કહી રહ્યા છે. પિત્રોડાના નિવેદનથી કોંગ્રેસને શરમ આવવી જોઈએ.

કોંગ્રેસે પિત્રોડાના નિવેદનની ટીકા કરી
કોંગ્રેસે પિત્રોડાના નિવેદનની ટીકા કરી છે. પાર્ટીના સાંસદ જયરામ રમેશે કહ્યું છે કે સામ પિત્રોડાએ ભારતની વિવિધતા વિશે જે કહ્યું તે ખોટું છે. કોંગ્રેસ આ નિવેદનોથી પોતાને સંપૂર્ણ રીતે અલગ કરે છે.

સામ પિત્રોડાનાં 5 અન્ય વિવાદાસ્પદ નિવેદનો…

1. વિરાસત ટેક્સ
23 એપ્રિલે સામ પિત્રોડાએ અમેરિકાની જેમ ભારતમાં પણ વારસાગત ટેક્સ લગાવવાની વાત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમેરિકામાં વિરાસત ટેક્સ લાગે છે. જો કોઈ વ્યક્તિ પાસે 10 કરોડ ડોલરની સંપત્તિ છે. તેમના મૃત્યુ પછી 45 ટકા મિલકત તેમનાં બાળકોને ટ્રાન્સફર કરવામાં આવે છે જ્યારે 55 ટકા મિલકત સરકારની માલિકીની બની જાય છે.

તેમણે કહ્યું હતું કે આ એક રસપ્રદ કાયદો છે. આ હેઠળ એવી જોગવાઈ છે કે તમે તમારા જીવનમાં ઘણી સંપત્તિ બનાવી છે અને તમારા મૃત્યુ પછી તમારે તમારી સંપત્તિ લોકો માટે છોડી દેવી જોઈએ. આખી મિલકત નહીં પણ અડધી, જે મને યોગ્ય લાગે છે. પરંતુ ભારતમાં એવો કોઈ કાયદો નથી. જો અહીં કોઈની પાસે 10 અબજ રૂપિયાની સંપત્તિ છે. તેના મૃત્યુ પછી તેનાં બાળકોને તેની બધી મિલકત મળી જાય છે, જનતા માટે કંઈ જ બચ્યું નથી. મને લાગે છે કે લોકોએ આવા મુદ્દાઓ પર ચર્ચા કરવી જોઈએ. મને ખબર નથી કે આ ચર્ચાનું પરિણામ શું આવશે. અમે નવી નીતિઓ અને નવા કાર્યક્રમો વિશે વાત કરી રહ્યા છીએ, જે માત્ર અમીરોના હિતમાં નહીં પણ લોકોના હિતમાં હોવા જોઈએ. જોકે, પિત્રોડાના આ નિવેદન પર ખૂબ જ વિવાદ થયો હતો.


Related Posts