વારાણસીમાં ભોળાનાથનું મંદિર ગંગામાં ડૂબ્યું:UPમાં 3 નદી બે કાંઠે વહેતી થઈ

By: nationgujarat
17 Jul, 2024

નેપાળને અડીને આવેલા ઉત્તર પ્રદેશના 16 જિલ્લામાં પૂરની સ્થિતિ યથાવત છે. અહીં ત્રણ નદીઓ ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે. રાપ્તી નદી, બુધી રાપ્તી અને કુનો નદીના વહેણને કારણે ગોરખપુર, સિદ્ધાર્થ નગર અને ગોંડામાં સ્થિતિ સૌથી ખરાબ છે.

છેલ્લા 24 કલાકમાં વરસાદ સંબંધિત ઘટનાઓને કારણે 6 લોકોના મોત થયા છે. ઉત્તર પ્રદેશ સરકારે કહ્યું કે, દરેકનું મૃત્યુ ડૂબી જવાથી થયું છે. આ સિવાય કર્ણાટકમાં મંગળવારે ભારે વરસાદ બાદ ભૂસ્ખલનને કારણે 4 લોકોના મોત થયા હતા.

ગોરખપુર અને વારાણસી સહિત 20થી વધુ જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. 20 લાખથી વધુ લોકો અસરગ્રસ્ત છે. વારાણસીનું રત્નેશ્વર મહાદેવ મંદિર ગંગામાં ડૂબી ગયું છે. આ વિશ્વનું પ્રથમ ઝુકાવવાળું મંદિર છે. ગંગાના 15 ઘાટ પણ ડૂબી ગયા છે. આસી અને દશાશ્વમેધ ઘાટના આરતી સ્થળો સુધી પાણી પહોંચી ગયું છે.

બીજી તરફ બિહારમાં પણ બેતિયા, બગાહા, સીતામઢી, મધેપુરા, અરરિયા સહિત અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ છે. નીચાણવાળા વિસ્તારોના 24થી વધુ ગામોમાં પૂરના પાણી ઘૂસી ગયા છે. હવામાન વિભાગે મધ્યપ્રદેશ સહિત 9 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે.

9 રાજ્યોમાં ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગે 9 રાજ્યોમાં એટલે કે મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગોવા, મહારાષ્ટ્ર, ગુજરાત, કર્ણાટક, કેરળ, તમિલનાડુ અને ઉત્તરાખંડમાં બુધવાર, 17 જુલાઈએ ભારે વરસાદની ચેતવણી આપી છે. તે જ સમયે, 10 રાજ્યો તેલંગાણા, આંધ્રપ્રદેશ, છત્તીસગઢ, ઓડિશા, મણિપુર, નાગાલેન્ડ, મિઝોરમ, ત્રિપુરા, પંજાબ અને હરિયાણામાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે.


Related Posts