ભારત vs ઝિમ્બાબ્વે શ્રેણી માટે ટૂંક સમયમાં ટીમની જાહેરાત થઈ શકે છે, આ ખેલાડી સંભાળશે કમાન!

By: nationgujarat
24 Jun, 2024

ભારતીય ક્રિકેટ ટીમ અત્યારે ભલે રોહિત શર્માની કેપ્ટનશીપમાં T20 વર્લ્ડ કપ રમી રહી હોય, પરંતુ ભવિષ્યની રૂપરેખા પણ નક્કી થવા લાગી છે. આ ટૂર્નામેન્ટ બાદ ટીમ ઈન્ડિયા ઝિમ્બાબ્વેના પ્રવાસે જશે, જ્યાં 5 T20 ઈન્ટરનેશનલ મેચોની સિરીઝ રમાશે. જો કે માનવામાં આવી રહ્યું છે કે ટી-20 વર્લ્ડ કપ રમી રહેલા મોટાભાગના ખેલાડીઓને આરામ આપવામાં આવશે અને નવા ખેલાડીઓને તક આપવાની પણ ચર્ચા ચાલી રહી છે.

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 6 જુલાઈથી સિરીઝ શરૂ થશે
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 6 જુલાઈથી શરૂ થનારી શ્રેણીમાં 5 મેચ રમાશે. અત્યાર સુધી એવું માનવામાં આવતું હતું કે રોહિત શર્માને આ શ્રેણીમાંથી આરામ આપવામાં આવશે, જ્યારે સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યામાંથી કોઈ એકને કેપ્ટનશિપની જવાબદારી આપવામાં આવી શકે છે. પરંતુ હવે સમાચાર સામે આવ્યા છે કે આ શ્રેણીમાં સૂર્યા અને હાર્દિક પણ આરામ કરશે. ઈન્ડિયન એક્સપ્રેસના એક અહેવાલ મુજબ, શુભમન ગિલને આ શ્રેણી માટે ભારતીય ટીમની કેપ્ટનશીપ આપવામાં આવી શકે છે. જો શુભમન ગિલને કમાન સોંપવામાં આવશે તો તે પ્રથમ વખત ભારતીય ટીમનું સુકાન સંભાળશે. જો કે આ પહેલા તેણે IPLમાં ગુજરાત ટાઇટન્સની કેપ્ટનશીપ કરી હતી, પરંતુ તે ત્યાં પ્રભાવ પાડવામા સફળ રહ્યો ન હતો.

સંજુ સેમસન અને યુઝવેન્દ્ર ચહલને પણ તક મળી છે
માનવામાં આવી રહ્યું છે કે રોહિત શર્મા ઉપરાંત વિરાટ કોહલી, હાર્દિક પંડ્યા અને સૂર્યકુમાર યાદવને પણ આ શ્રેણીમાં આરામ આપવામાં આવશે. કેટલાક એવા ખેલાડીઓ કે જેઓ T20 વર્લ્ડ કપમાં ટીમ સાથે છે પરંતુ રમી રહ્યા નથી તેમને તક આપવામાં આવી શકે છે. આમાં સંજુ સેમસન અને યુઝવેન્દ્ર ચહલના નામ સામે આવી રહ્યા છે. IPL 2024માં પોતાની ટીમ માટે સારૂ પ્રદર્શન કરનાર ખેલાડીઓને પણ આ શ્રેણી માટે પસંદ કરવામાં આવી શકે છે.

IPLના સ્ટાર ખેલાડીઓને ટીમમાં સ્થાન આપવામાં આવશે
આઈપીએલમાં પોતાની ટીમ માટે રમતી વખતે પ્રભાવિત કરનારા ખેલાડીઓમાં રેયાન પરાગ, અભિષેક શર્મા, મયંક યાદવ, હર્ષિત રાણા, નીતીશ કુમાર રેડ્ડી, વિજયકુમાર વિશાખ, યશ દયાલ વગેરેના નામ સામેલ થઈ શકે છે. ઋષભ પંત પણ આ શ્રેણીમાંથી આરામ લઈ શકે છે, આવી સ્થિતિમાં સંજુ સેમસન સિવાય અન્ય વિકેટકીપર ધ્રુવ જુરેલ બની શકે છે. એટલે કે એકંદરે એમ કહી શકાય કે ઝિમ્બાબ્વે શ્રેણી માટે ટીમ ઈન્ડિયા યુવા ખેલાડીઓથી સજ્જ હશે અને સિનિયર ખેલાડીઓ આરામ કરી શકશે. દરમિયાન, એવા સમાચાર પણ છે કે વીવીએસ લક્ષ્મણ આ શ્રેણી માટે મુખ્ય કોચ તરીકે જઈ શકે છે, કારણ કે રાહુલ દ્રવિડનો કાર્યકાળ T20 વર્લ્ડ કપ 2024 પછી સમાપ્ત થશે અને તે તેને આગળ વધારવામાં રસ ધરાવતો નથી. પરંતુ લક્ષ્મણ કાયમી મુખ્ય કોચ રહેશે કે કેમ તે અંગે હાલ ચોક્કસ કંઈ કહી શકાય તેમ નથી.


Related Posts