કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો આજે સમાપન સમારોહ યોજાશે. આ યાત્રા 7 સપ્ટેમ્બર 2022ના રોજ કન્યાકુમારીથી શરૂ થઈ હતી. 145 દિવસ બાદ આજે શ્રીનગરના શેર-એ-કાશ્મીર ક્રિકેટ સ્ટેડિયમમાં યાત્રાનું સત્તાવાર રીતે સમાપન થશે. રાહુલની આ યાત્રા લગભગ 3570 KM સુધી ચાલી છે.
સમાપન સમારોહમાં 21 પાર્ટીના અધ્યક્ષ સામેલ થઈ શકે છે. કોંગ્રેસ-અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ આ તમામ પાર્ટીઓને આમંત્રણ આપ્યું છે. આ કાર્યક્રમમાં ફિલ્મ-નિર્માતા વિશાલ ભારદ્વાજ અને તેમનાં પત્ની અને ગાયિકા રેખા ભારદ્વાજ પણ હાજરી આપશે.
એક દિવસ પહેલાં યાત્રા સમાપ્ત થઈ
રવિવાર, 29 જાન્યુઆરીએ રાહુલ ગાંધીએ શ્રીનગરના લાલચોકમાં ત્રિરંગો ફરકાવ્યો હતો. તેઓ સુરક્ષાકર્મીઓની કારમાં ત્યાં પહોંચ્યા હતા. તેમની સાથે બહેન પ્રિયંકા ગાંધી પણ હાજર હતાં. ત્રિરંગો ફરકાવ્યા બાદ રાહુલની ભારત જોડો યાત્રા સમાપ્ત થઈ, જ્યારે એ પહેલાં 30 જાન્યુઆરીએ પૂરી થવાની હતી. સૂત્રોએ ભાસ્કરને જણાવ્યું હતું કે લાલચોક ખાતે કાર્યક્રમ બાદ યાત્રા સમાપ્ત કરવામાં આવી હતી. સોમવારે કોંગ્રેસ કાર્યાલય ખાતે યોજાનારા કાર્યક્રમને પણ રદ કરવામાં આવ્યો છે.
રવિવારે પ્રેસ-કોન્ફરન્સમાં રાહુલ ગાંધીએ કહ્યું હતું કે કલમ 370 પર અમારું વલણ સ્પષ્ટ છે. અમારી વર્કિંગ કમિટીમાં આ અંગે ચર્ચા કરવામાં આવી છે, હું તમને દસ્તાવેજો બતાવીશ. અમે જમ્મુ-કાશ્મીરમાં લોકશાહી સ્થાપવા માગીએ છીએ.
તેમણે કહ્યું હતું કે બીજેપીના કહેવા પ્રમાણે, કલમ 370 હટાવ્યા બાદ અહીં બધું બરાબર થઈ ગયું છે, પરંતુ અહીં ટાર્ગેટ કિલિંગ થઈ રહ્યું છે. લોકોમાં ભયનો માહોલ છે. જો બધું બરાબર છે તો અમિત શાહે જમ્મુથી શ્રીનગર સુધી કૂચ કરીને બતાવવી જોઈએ.