બજેટ પહેલા જ સરકારી કર્મચારીઓને ભેટ! પેન્શન અંગે આવ્યા મોટા સમાચાર

By: nationgujarat
27 Jan, 2025

બજેટ પહેલા નાણા મંત્રાલયે સરકારી કર્મચારીઓ માટે નેશનલ પેન્શન સિસ્ટમ (NPS) હેઠળ એક વિકલ્પ તરીકે યુનિફાઈડ પેન્શન સ્કીમ (UPS) ના સંચાલનને નોટિફાય કરી દીધુ છે. જેમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને ગેરંટીડ રિટાયરમેન્ટ બેનિફિટ્સ મળશે. યુનિફાઈડ પેન્શન સ્કીમ 1 એપ્રિલ 2025થી લાગૂ થશે.

અત્રે જણાવવાનું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળે 24 ઓગસ્ટ 2024ના રોજ લગભગ 23 લાખ કેન્દ્રીય સરકારી કર્મચારીઓ માટે નવી પેન્શન નીતિને મંજૂરી આપી હતી. જેમાં એક નવી પેન્શન વ્યવસ્થા યુપીએસ તરીકે રજૂ કરાઈ હતી. જે હેઠળ માસિક ચૂતવણી તરીકે મૂળ પગારના 50 ટકા આપવામાં આવશે. આ નિર્ણય કર્મચારી સંઘોની ભલામણ પર લેવાયો હતો જેમણે રિટાયરમેન્ટ બેનિફિટની ગેરંટીની માંગણી કરી હતી.

સરકારે એપ્રિલ 2023માં કેબિનેટ સચિવ પદ માટે નોમિનેટેડ ટી વી સોમનાથનની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરની સમિતિ બનાવી હતી. આ સમિતિ એનપીએસની સમીક્ષા અને નવી પેન્શન સિસ્ટમ અંગે હતી. અત્રે જણાવવાનું કે જ્યારે કેટલાક રાજ્યોમાં સત્તામાં બેઠેલા વિપક્ષી દળો જૂની પેન્શન સ્કીમ તરફ સ્વિચ કરી રહ્યા હતા અને તેનાથી આર્થિક બોજો વધી રહ્યો હતો  તેવા સમયમાં સરકારે આ પગલું ભર્યુ હતું.

Unified Pension Scheme ના ફાયદા
– યુનિફાઈડ પેન્શન સ્કીમમાં કેન્દ્રીય કર્મચારીઓને તેમના રિટાયરમેન્ટના પહેલાના 12 મહિનાના સરેરાશ પગારના 50 ટકા આપવામાં આવશે. જો કે તેના માટે નોકરીના ઓછામાં ઓછા 25 વર્ષ પૂરા થયા હોવા જોઈએ.
– જે કર્મચારીઓએ 25 વર્ષથી ઓછા પરંતુ 10 વર્ષથી વધુની નોકરીનો સમયગાળો પૂરો કર્યો હોય તેમને પ્રપોર્શનલ બેસિસ પર પેન્શન મળશે.
– નવી પેન્શન યોજના ન્યૂનતમ 10 વર્ષની સેવા બાદ રિટાયરમેન્ટ પર 10,000 રૂપિયા પ્રતિ માસની ન્યૂનતમ પેન્શનની પણ ગેરંટી આપે છે.
– જો વ્યક્તિનું મોત થઈ જાય તો તેમને મળનારા પેન્શનના 60 ટકા ભાગ તેમના પરિવારને ફેમિલી પેન્શન તરીકે મળશે.

કયા કર્મચારીઓ પર લાગૂ થશે Unified Pension Scheme
નાણા મંત્રાલય દ્વારા બહાર પાડવામાં આવેલા નોટિફિકેશનમાં કહેવાયું છે કે યુનિફાઈડ પેન્શન સ્કીમ (UPS) એવા કેન્દ્રીય કર્મચારીઓને લાગૂ થશે જે નેશનલ પેન્શન સિસ્ટમ હેઠળ આવે છે અને જેમણે એનપીએસ હેઠળ આ વિકલ્પની પસંદગી કરી છે. નોટિફિકેશનમાં વધુમાં કહેવાયું છે કે પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી (PFRDA) યુપીએસના સંચાલન માટે નિયમ બહાર પાડશે. આ યોજનાને 1 એપ્રિલ 2025થી લાગૂ કરાશે.


Related Posts

Load more