દેશના પાટનગર દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીને લઈને આતુરતાનો અંત આવ્યો છે. ચૂંટણી પંચ ટૂંક જ સમયમાં દિલ્હી વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર કરી છે.
મતદાનની તારીખ: 5 ફેબ્રુઆરી, 2025
મતગણતરીની તારીખ: 8 ફેબ્રુઆરી, 2025
દિલ્હીમાં કુલ કેટલા વૉટર્સ?
ચૂંટણી પંચે ફાઇનલ વૉટર્સ લિસ્ટ જાહેર કરી છે. જે અનુસાર દિલ્હીમાં આ વખતે કુલ એક કરોડ 55 લાખ 24 હજાર 858 વોટર છે. જેમાં પુરુષો 83 લાખથી વધુ જ્યારે મહિલાઓની સંખ્યા 71 લાખથી વધુ છે.
સતત બે વખત આમ આદમી પાર્ટીએ રચ્યો ઈતિહાસ
દિલ્હીમાં છેલ્લી બે વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનો પ્રચંડ વિજય થયો હતો. 2015માં આમ આદમી પાર્ટીએ 70માંથી 67 બેઠકો જીતી હતી. 2020ની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને 62 બેઠકો પર જીત હાંસલ થઈ હતી, જ્યારે ભાજપના ખાતામાં માત્ર આઠ બેઠકો ગઈ હતી. છેલ્લી બંને વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને 70માંથી એક પણ બેઠક પર સફળતા મળી નથી.
દિલ્હીમાં 1993માં પહેલીવાર થઈ ચૂંટણી
દિલ્હી વિધાનસભાના ગઠન બાદ 1993માં પહેલીવાર ચૂંટણી યોજાઇ હતી જેમાં ભારતીય જનતા પાર્ટીને પ્રચંડ જીત મળી હતી. જોકે પાંચ વર્ષમાં ભાજપે ત્રણ વખત મુખ્યમંત્રી બદલવા પડ્યા. મદનલાલ ખુરાનાએ કૌભાંડના આરોપમાં ખુરશી ગુમાવી, સાહિબ સિંહ વર્માએ મોંઘવારીના કારણે રાજીનામું આપ્યું જ્યારે સુષ્મા સ્વરાજ માત્ર બે જ મહિના મુખ્યમંત્રી રહી શક્યા.
49 દિવસની સરકાર
1998ની ચૂંટીમાં કોંગ્રેસનો વિજય થયો અને શીલા દીક્ષિતને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. 1998થી 2013 સુધી શીલા દીક્ષિત જ દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા. જોકે 2013ની ચૂંટણીમાં 70માંથી 32 બેઠકો સાથે ભાજપ સૌથી મોટો પક્ષ બન્યો પણ બહુમતી ન મળી. એવામાં 28 બેઠકો સાથે આમ આદમી પાર્ટીએ સાત બેઠકો ધરાવતી કોંગ્રેસના ટેકા સાથે સરકાર બનાવી.
આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના ગઠબંધનની સરકાર માત્ર 49 દિવસ જ ચાલી શકી હતી. કેજરીવાલના રાજીનામાં બાદ દિલ્હીમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું અને 2015માં ફરી ચૂંટણી યોજાઇ હતી.