દહેગામના જૂના પહાડીયા બાદ વધુ એક ગામની જમીન બારોબાર વેચાણ થયાનો અહેવાલ

By: nationgujarat
17 Jul, 2024

ગાંધીનગર: ગુજરાતમાં અત્યાર સુધી અનેક કૌભાંડો સામે આવ્યા છે. અને હજૂ પણ કૌભાંડનો સિલસિલો થંભી નથી રહ્યો! બે દિવસ અગાઉ જ ગાંધીનગરના દહેગામમાંથી એવો કિસ્સો સામે આવ્યો હતો, કે વાત કોઈના ગળે ન ઉતરે. ત્યારે હવે ફરી આજે આવો જ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. દહેગામના જૂના પહાડીયા બાદ વધુ એક ગામની જમીન બારોબાર વેચાણ થઈ હોવાની ઘટના સામે આવી છે. દહેગામના સાંપા ગામના કલીપુરાની જમીન બારોબાર વેચાઈ છે. જે કલીપુરાની 24 ગુંઠા જમીનનું બારોબાર વેચાણ કરી દેવામાં આવ્યું છે.આ ઘટના સામે આવતા લોકોમાં ખળભળાટ મચી ગયો છે. સાંપા ગામના કલીપુરાની 24 ગુંઠા જમીન બારોબાર વેચાઈ ગઈ. વેચાણ અંગે કાચી નોંધ પડતા ગ્રામજનો ચોંકી ઉઠ્યા છે. ત્યારે ગામની જમીન બારોબાર વેચાતા ગ્રામજનોએ પ્રાંત કચેરીમાં તકરારી નોંધાવી છે. સાંપાના કાલીપુર ગામમાં 52 મકાનો છે, જયારે 270થી વધુ લોકો ગામમાં રહે છે. સર્વે નંબર 347ની કઈ 24 ગુંઠા જમીનને વેચી કાઢવામાં આવી છે, તે અંગે પણ હજુ સુધી કોઈ સ્પષ્ટતા નથી. દસ્તાવેજમાં દર્શાવાયેલી જગ્યા પણ ખોટી હોવાનો ગ્રામજનોનો દાવો છે. ત્યારે બારોબાર દસ્તાવેજ કરનાર સામે કાર્યવાહી કરવામાં આવે એવી ગ્રામજનોની માંગણી છે.

જો વાત કરવામાં આવે તો ગામની 24 ગુંઠા જમીન વેચાઈ ગઈ અને ત્યાં રહેતા લોકોને જાણ પણ ન થઈ. ગ્રામજનોનું કહેવું છે તેઓ ત્યાં 1947 થી જ વસવાટ કરે છે તેમની પાસે તમામ દસ્તાવેજ ઉપલબ્ધ છે. વેચાણ દસ્તાવેજમાં દર્શાવાયેલી જમીન પણ ખોટી છે. ગ્રામજનોની માંગણી છે કે ખોટી રીતે દસ્તાવેજ કરનાર લોકો સામે કાર્યવાહી થવી જોઈએ.ત્યારે બે દિવસ અગાઉ દહેગામના જૂના પહાડીયા ગામને પણ આખેઆખું બારોબાર વેચી દેવાયું હોવાનું કૌભાંડ સામે આવ્યું હતું. જે મામલે ગ્રામજનો દ્વારા 24 જુલાઇએ કલેક્ટર ઓફિસે રજૂઆત કરવામાં આવશે. ગામની જમીનનો સોદો કરી નાખવાના ચોંકાવનારા બનાવમાં તંત્ર દ્વારા તમામ દસ્તાવેજો એકત્ર કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગ્રામજનો કલેક્ટરને 24 જુલાઇએ રજૂઆત કરશે. જો કલેક્ટર સમક્ષ રજૂઆતમાં યોગ્ય નિકાલ ન આવે તો ગ્રામજનોએ મુખ્યમંત્રી સાથે મુલાકાતની તૈયારી દર્શાવી છે. ત્યારે હવે એ જોવાનું રહે છે કે સાંપા ગામના કલીપુરાની જમીનના વેચાણ મુદ્દે આગળ શું ખુલાસા થાય છે.


Related Posts