મહા મહિનાના સુદ પક્ષની એકાદશીને જયા એકાદશી વ્રત કરવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુના ઉપેન્દ્ર રૂપની પૂજા થાય છે. વિષ્ણુજીની સાથે જ દેવી લક્ષ્મીની પૂજા કરવાનું પણ વિધાન છે. પુરાણોમાં કહેવામાં આવ્યું છે કે આ વ્રત અને પૂજાથી વિજય પ્રાપ્ત થાય છે. એટલા માટે તેને જયા એકાદશી કહેવામાં આવે છે. આ વ્રત 1 જાન્યુઆરી, બુધવારે કરવામાં આવશે. આ દિવસે તન અને મનથી પૂરી રીતે સાત્વિક રહેવાનો ઉલ્લેખ પુરાણોમાં કરવામાં આવ્યો છે. સાથે જ શ્રદ્ધાના હિસાબે જરૂરિયાતમંદ લોકોને દાન આપવાનું પણ વિધાન બતાવવામાં આવ્યું છે.
એકાદશીનું મહત્વ
પદ્મ પુરાણમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે જયા એકાદશી વ્રત કરવાથી દરેક પ્રકારના પાપ અને અધમ યોનિથી મુક્તિ મળે છે. સાથે જ સાધકના જીવનમાં બધા ભૌતિક અને આધ્યાત્મિક સુખ મળે છે. માન્યતા છે કે જયા એકાદશી વ્રત કરવાથી મરણોપરાંત મોક્ષની પ્રાપ્તિ થાય છે. આથી, નિયમોનું પાલન કરીને આ વ્રત કરવું જોઈએ.
જયા એકાદશી મુહૂર્ત
એકાદશી 31 જાન્યુઆરી, મંગળવારે બપોરે લગભગ 12 વાગ્યાથી શરૂ થશે, જે 1 ફેબ્રુઆરી, બુધવારે બપોરે 2 વાગ્યે સમાપ્ત થશે. જો કે ઉદયા તિથિ 1 ફેબ્રુઆરીએ છે એટલા માટે ગ્રંથો પ્રમાણે આ દિવસે વ્રત અને પૂજન કરવામાં આવશે. તલ સ્નાન અને દાન પણ 1 ફેબ્રુઆરીએ જ કરવાનું શુભ ફળદાયી રહેશે.
પૂજા અને વ્રતની વિધિ
સૂર્યોદયથી પહેલાં ઊઠીને ન્હાઈ લેવું. પાણીમાં ગંગાજળના કેટલાક ટીપા અને ચપટી તલ નાખીને સ્નાન કરવું. તેનાથી પવિત્ર તીર્થ સ્નાન કરવા જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. ન્હાયા પછી ઊગતા સૂર્યને અર્ઘ્ય આપો. ત્યારબાદ મંદિર કે ઘરમાં બગવાન વિષ્ણુની મૂર્તિની સામે બેસીને વ્રત, પૂજા અને દાનનો સંકલ્પ લો. આખો દિવસ અનાજ ન ખાવું. ફળાહારમાં નમક(મીઠું) ન ખાવું જોઈએ. આ દિવસે ભૂલથી પણ ચોખા ન ખાવાં.
વ્રતનો સંકલ્પ કરીને ચોકી પર લાલ કપડું પાથરી વિષ્ણુજીની મૂર્તિ, માતા લક્ષ્મી સહિત સ્થાપિત કરો. વિષ્ણુજીના ફોટા કે મૂર્તિ પર ચંદન લગાવો અને માતા લક્ષ્મીને રોલી કે સિંદૂરનું તિલક લગાવીને પુષ્પ તથા ભોગ અર્પિત કરો તથા શ્રદ્ધા ભાવથી પૂજા કરીને ફળાહાર વ્રત કરો. બ્રાહ્મણને ભોજન કરાવો કે જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવો.
વ્રતની કથા
એકવાર સ્વર્ગના નંદન વનમાં ઉત્સવમાં બધા દેવગણ, સિદ્ધગણ તથા મુનિ ઉપસ્થિત હતાં. એ સમયે સ્વર્ગની નૃત્યાંગના પુષ્યવતી અને ગંધર્વ માલ્યવાન એક-બીજા પર મોહિત થઈને અમર્યાદિત વ્યવહાર કર્યો. જેના લીધે ઈન્દ્રને ગુસ્સો આવ્યો અને તેમને બંને સ્વર્ગમાંથી બહાર કાઢીને ધરતી પર રહેવાનો શ્રાપ આપ્યો જેનાથી બંને પિશાચ બ્યાં.
થોડા સમય પછી જયા એકાદશીના દિવસે અજાણતા જ બંનેએ વ્રત કર્યું. સાથે જ દુઃખ અને ભૂખને લીધે બંને આખી રાત જાગતા પણ રહ્યાં. આ દરમિયાન બંનેએ ભગવાન વિષ્ણુને યાદ કર્યા. બંનેની ભક્તિથી પ્રસન્ન થઈને ભગવાન નારાયણે પુષ્યવતી અને માલ્યવાનને પ્રેત યોનિથી મુક્ત કરી દીધાં.