નવરાત્રી (Navratri) પર્વે લોકો પાર્ટી પ્લોટ અને ગ્રાઉન્ડમા તહેવારની આઘુનિક સાધનો સાથે ગરબા (Garba) રમીને ઉજવણી કરી રહ્યા છે, જયારે બીજી તરફ આ જ તહેવારની ઉજવણી પોળના લોકો કઈક અલગ રીતે મનાવી રહ્યા છે. અમદાવાદના (Ahmedabad) કાલુપુરમાં ભંડેરી પોળમાં નવરાત્રીની અનોખી ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં 150 કિલો ઘીમાંથી મૂર્તિ બનાવવામાં આવી છે. ઘીમાંથી બનાવેલી મૂર્તિ ઓગળી ન જાય તે માટે તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. જો કે ભંડેરી પોળમાં 29 વર્ષથી ઘીમાંથી મૂર્તિ બનાવવાની કામગીરી કરવામાં આવે છે.
પહેલી નજરે જોતા વારાહી માતાજીની મૂર્તિ ખરેખર સાચી હોય તેમ લાગે છે, પરંતુ આ મૂર્તિ ઘીમાંથી બનાવવામા આવેલ મૂર્તિ છે, શહેરના કાલુપુર વિસ્તારમા આવેલ ભંડેરી પોળમા કે જયા વારાહી માતાના મંદિર પાસે વારાહી માતા મિત્ર મંડળ દવારા ઘીની મૂર્તિ બનાવીને સ્થાનિકો નવરાત્રીની ઉજવણી કરે છે. અહીં સ્થાનિકો દ્વારા ગરબા પણ રમવામાં આવે છે. છેલ્લા 29 વર્ષથી અહી રહેતા સ્થાનિકો આવી જ રીતે માતાજીની મૂર્તિ કારીગર પાસે બનાવડાવે છે. જેમા આ વખતે ચામુંડા માતાની મૂર્તિ બનાવડાવી છે.
અનેક લોકોની માનતા થાય છે પૂર્ણ
કોરોનાકાળના બે વર્ષ બાદ ઉજવણી કરવાની તક મળતા આયોજકોમાં પણ ખૂબ જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તેમાં પણ માંડવીનું અનોખું મહત્વ હોવાનું આયોજકોએ જણાવ્યું છે. આયોજકોએ જણાવ્યું હતુ કે, જેમના લગ્ન નથી થતા કે બાળક નથી થતા તેઓ વારાહી મંદિર આવી માનતા માને તો તે અવશ્ય પૂર્ણ થાય છે. જેના કારણે લોકોની આસ્થા માતા સાથે જોડાયેલી છે અને માટે જ લોકો દૂર દુરથી વારાહી માતાના દર્શન કરવા આવે છે.
આણંદના કારીગરે બનાવી છે મૂર્તિ
જો આ મૂર્તિની વાત કરવામા આવે તો આ મૂર્તિ આણંદના એક કારીગર દંપતી પાસે બનાવડાવી છે. જેની પાછળ એક દિવસનો સમય લાગ્યો છે. આ મૂર્તિ બનાવવામા 150 કિલો ઘીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સાથે જ લાકડાના પાટીયાનો અને શણગાર માટે કલરનો ઉપયોગ કરવામા આવ્યો છે, તો સાથે સાથે મૂર્તિને શોભાયમાન બનાવવા માટે ઘરેણા પણ પહેરાવામા આવ્યા છે. આ મૂર્તિ બનાવ્યા બાદ તેની જાળવણી ખૂબ મહત્વની હોય છે.
મૂર્તિ ઓગળી ન જાય તે માટે મૂર્તિની આજુ બાજુ દરરોજનો 600 કિલો બરફ રાખવામા આવે છે. તો મૂર્તિ પર બરફના પાણીનો અડધો કલાકના અંતરે છંટકાવ પણ કરવામા આવે છે. જેથી મૂર્તિ ગરમીમાં ઓગળી ન જાય, તેમજ મંડપમાં થર્મોકોલ મૂર્તિ કોર્ડન કરાઈ છે જેથી મૂર્તિને ગરમીની અસર ન લાગે અને મૂર્તિ ઓગળે નહિ. મૂર્તિને જોઈને પોળમાં રહેતા સ્થાનિકોમાં પણ નવરાત્રીના પર્વની ઉજવણીને લઈને અનેરો આનંદ જોવા મળી રહ્યો છે.
આમ દર વર્ષની જેમ આ વર્ષે પણ ભંડેરી પોળના લોકોએ માતાની ઘીની મુર્તી સાથે નવરાત્રીના આ પર્વની ઉજવણી કરી રહ્યા છે, જેમાં પણ દર વર્ષે ઘીનું પ્રમાણ પણ વધારાય છે. જે મુર્તીના દર્શન પહેલા નોરતાથી પુનમ સુધી ખુલ્લા મુકવામા આવ્યા છે, બાદમા આ મુર્તીને ઓગાળીને લોટ સાથે ભેળવી તેના લાડવા બનાવીને નદીમા પધરાવા મા આવશે જેથી શ્રધા અને આસ્થા જળવાઈ રહે અને આમ માતાના તહેવારની હોંશભેર રીતે ઉજવણી કરાય છે.