કોંગ્રેસના ઉમેદવારનો આપઘાતનો પ્રયાસ – EVMનું શીલ ખૂલેલું જોતાં ભરત સોલંકીનો હોબાળો

વિધાનસભાની 6 બેઠક ધરાવતા કચ્છ જિલ્લાની ગાંધીધામ બેઠકના ઉમેદવાર ભરત સોલંકી દ્વારા આજે ભુજ ખાતે ચાલી રહેલી મતગણતરી દરમિયાન તંત્ર સામે ગંભીર આક્ષેપો સાથે નારાજગી દર્શાવી કેન્દ્રની અંદર ધરણાં શરૂ કરી દીધા છે. ઘટનાનું કારણ રાઉન્ડ 5 દરમિયાન એક ઇવીએમ મશીનનું શીલ તૂટેલી હાલતમાં જોવા મળતા ઉમેદવારે વાંધો જાહેર કર્યો છે. એટલું જ નહીં ઇબીએમ સાથે ચેડાં થયા હોવાના ગંભીર આક્ષેપ સાથે ઉગ્ર વિરોધ નોંધાવી પટ્ટા વડે ગળે ટૂંપો ખાવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે ઘટનાના પગલે બંદોબસ્તમાં રહેલી પોલીસે તેમને અટકાવ્યા હતા, તો વહીવટી તંત્રના અધિકારીઓએ ઉમેદવાર ભરતભાઈને સમજાવટના પ્રયાસો શરૂ કર્યા છે. કોંગ્રેસના ઉમેદવાર સામે ભાજપના ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી હાલ માત્ર 469 મતથી આગળ ચલી રહ્યા છે. છેલ્લે આવેલી માહિતી મુજબ ભાજપને 3217 અને કોંગેસને 2748 મત મળેલા છે.

કોણ છે, ભરત સોલંકી?
અભ્યાસ અંગે વાત કરીએ તો ભરત સોલંકી ધોરણ 9 પાસ છે. કંડલા પોર્ટ નજીકના જીરા બંદર પાસે તેઓના દાદા અને બાપુજી હાજરિયા તરીકે કામ કરતા હતા. તેઓ મીઠાના અગર બનાવતા હતા. તેમની માતા સોનલબેન દાંતારી વડે મીઠાના પાળા વાળતાં. તેમને જન્મજાત મીઠું પકવવાનું શીખવા મળ્યું હતુ. તેઓ ગાંધીધામની શાળામાંથી છૂટી સીધા જ મીઠાના અગર પર પહોંચી જતા હતા. ભરત સોલંકીએ થોડા દિવસ પહેલા દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, હું મીઠામાં જ જન્મ્યો છું અને મીઠામાં જ મરીશ. આજે પણ હું એ જ પ્રમાણે મીઠાના અગરમાં જરૂર પડે તો કામ કરી શકું છું. હું ગાંધીધામની ત્રણથી ચાર સોલ્ટ એકમ હેઠળ મીઠાનું છૂટક વેચાણ કરું છું.

વાવાઝોડામાં પરિવારના 9 સભ્યોને ગુમાવ્યા’
ભૂતકાળના ખરાબ દિવસોને યાદ કરતાં ભરત સોલંકીએ જણાવ્યું હતું કે, મેં 9મી જૂન 1998ના કચ્છમાં આવેલા વિનાશક વાવાઝોડામાં પરિવારના 9 સભ્યોને ગુમાવ્યા હતા. પિતરાઈ ભાઈ-બહેન અને કાકા સહિતના કુટુંબીઓનાં અવસાન થયાં હતાં. તે વખતે હું ભરાપર મીઠાના અગરમાં જ હતો અને ભગવાનની કૃપાથી એ કુદરતી આપત્તિમાંથી ઊગરી ગયો હતો. વેરાયેલા વિનાશ બાદ ફરી પગભર થતાં મારે ભારે જહેમત કરવી પડી હતી. એક સમય તો એવો આવ્યો હતો કે ભાડાનું મકાન ખાલી કર્યા બાદ બીજું મકાન મળી શકતું નહોતું. પરિવાર સાથે ત્રણ દિવસ ગાંધીધામની ફૂટપાથ પર વિતાવવા પડ્યા હતા. પણ લોકોની સહાનુભૂતિના પ્રતાપે આજે હું પગભર બન્યો છું અને એટલે જ હવે લોકોની સેવા કરવાની તક મળતાં આનંદ અનુભવું છું.

મને લોકોની સેવા કરવાનું વ્યસન’
વધુમાં ભરત સોલંકીએ ઉમેર્યું હતું કે, હું જમીન સાથે જોડાયેલો માણસ છું અને રહીશ. મારા દાદા અને પિતાના સમયથી અમે કોંગ્રેસ સાથે જોડાયેલા છીએ. વર્ષો પહેલાં કોંગ્રેસની સરકારે મીઠાના અગર માટે જમીન આપેલી છે. આ ઉપરાંત હું અખિલ ગુર્જર મેઘવાળ સમાજના ઉપપ્રમુખ પદે સેવા આપું છું. આ સિવાય અનેક ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલો છું. મને એક જ વ્યસન છે, એ વ્યસન છે લોકોની સેવા કરવાનું. મેં કોરોનાકાળમાં લોકડાઉન વખતે ગાંધીધામ, અંજાર શહેર અને તાલુકામાં ફરીને જરૂરતમંદ લોકોને રાશન કિટ વિતરણ કરી હતી. આ ઉપરાંત હું ગુરુ ત્રિકમ સાહેબના નામથી ચાલતાં ટ્રસ્ટ હેઠળ અન્નદાન, શિક્ષણ સહાય સહિતની અનેકવિધ સેવા પ્રવૃત્તિ કરું છું.

સેવા માટે રાજકારણ કેમ?
સામાન્ય સવાલનો ભરતભાઈએ અસામાન્ય જવાબ આપતાં કહ્યું કે, વ્યક્તિગત સેવાની એક મર્યાદા આવી જતી હોય છે. અનેક સ્થળે સહયોગ આપવાની ઈચ્છા હોવા છતાં મદદરૂપ બની શકાતું નથી. ખાસ કરીને વહીવટી તંત્રની આટીઘૂંટીના કારણે ગરીબ લોકોને અન્યાય સહન કરવો પડતો હોય છે. ક્યાંક કાયદાનો દૂરપયોગ પણ થતો હોય છે અને તેનો ભોગ લાચાર વ્યક્તિ બનતા હોય છે. તેથી જો વિધાનસભામાં ચૂંટાઈ આવું તો આ પ્રકારના દબાયેલા વર્ગને પ્રથમ અગ્રતા આપીશ. ગાંધીધામ તાલુકામાં સુવિધાનો અભાવ ઊડીને આંખે ખૂંચે છે. બિસ્માર માર્ગો, ગટરની અવ્યવસ્થા, રોજગાર અને શિક્ષણ સહિતના મુદ્દે અવાજ ઉપાડવો છે. કંડલાની સરકારી પ્રાથમિક શાળામાં બાળકો ગણવેશ વિના અભ્યાસ કરે છે. પાણીની વાત કરીએ ગાંધીધામ સંકુલમાં ખૂબ જ ઊંચા સ્તરે પાણીમાં ટીડીએસ જોવા મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »

Nationgujarat Subscribe