કામની વાત / હોમ લોન લઈને બીજું ઘર ખરીદવું જોઈએ કે નહીં? નિર્ણય લેતા પહેલા રાખો આ બાબતોનું ધ્યાન

By: nationgujarat
29 May, 2024

આજકાલ શહેરોનો ઝડપથી વિકાસ થઈ રહ્યો છે અને લોકોની આવક  પણ વધી રહી છે. એવામાં ઘણા લોકો પોતાના માટે બીજું ઘર ખરીદવાનું લક્ષ્ય રાખતા હોય છે. એક અભ્યાસ અનુસાર, 2031 સુધી ભારતની અર્બન વસ્તી 600 મિલિયન થવાની ધારણા છે. ઘરનું ઘર, દરેક વ્યક્તિની જરૂરિયાત છે. દરેક ઈચ્છે છે કે તેમનું પોતાનું ઘર હોય. પરંતુ સવાલ એ છે કે જો કોઈની પાસે પોતાનું ઘર કે ફ્લેટ છે તો શું ખરેખર લોન લઈને બીજું એક ઘર લેવું એ સમજદારી ભર્યો નિર્ણય છે? આ નિર્ણયની સૌથી વધુ અસર તમારા ખિસ્સા પર પડે છે. એટલા માટે સૌથી પહેલા એ જોવું જરૂરી છે કે ઘર ખરીદવાથી તમારી આર્થિક સ્થિતિ અને તમારા બીજા સપના પૂરા થઈ શકશે કે નહીં. આ સિવાય એ નિર્ણય લેતા પહેલા તમારે કઈ વાતોનું ધ્યાન રાખવું જોઈએ, એ સમજવું  પણ જરૂરી છે. જેથી એવું ન થાય કે તમે ભવિષ્યમાં દેવાના બોજા હેઠળ દબાઈ જાઓ.

બીજું ઘર ખરીદવાનું કારણ શું છે?

બીજું ઘર ખરીદવા પાછળ તમારો ઈરાદો શું છે? શું રજાઓ ગાળવા માટે જગ્યા શોધી રહ્યા છો, કે પછી ઇન્વેસ્ટમેન્ટ માટે પ્રોપર્ટી ખરીદવી છે, કે પછી રિટાયર થયા પછી રહેવા માટેની જગ્યા કે કોઈ બીજું કારણ? તમારો આ નિર્ણય ઘણી હદ સુધી અસર કરશે કે તમે ક્યાં ઘર ખરીદો છો, તમે કેવા પ્રકારનું ઘર ખરીદો છો અને તમારું બજેટ શું છે. એક સંશોધન મુજબ, રોગચાળા પછી, ભારતમાં સેકન્ડ હોમ અથવા હોલિડે હોમની માંગમાં નોંધપાત્ર વધારો થયો છે. 2021 ના ​​અંત સુધીમાં, દેશમાં હોલિડે હોમ્સનું કુલ મૂલ્ય $1.394 બિલિયન સુધી પહોંચી ગયું હતું, જે 2019 ની સરખામણીમાં 88.63% નો નોંધપાત્ર વધારો છે.

શું બીજું ઘર ખરીદવું યોગ્ય નિર્ણય છે?

બીજું ઘર ખરીદવું એ હંમેશા નફાકારક સોદો નથી. સૌથી પહેલા એ જોવું જરૂરી છે કે તમારું હાલનું ઘર તમારી જરૂરિયાતો પૂરી કરે છે કે નહીં. જો હા, તો કદાચ અત્યારે બીજા મકાનમાં રોકાણ કરવું એ યોગ્ય નિર્ણય નહીં હોય. બીજું, તમારે એ  પણ વિચારવું જોઈએ કે શું તમે ભવિષ્યમાં હંમેશા એક જ શહેરમાં રહેશો. જો નહીં, તો માત્ર રોકાણ માટે આટલી મોટી લોન લેવી જોખમી બની શકે છે. જો તમે તમારા રહેઠાણ માટે નવું ઘર ખરીદવા માંગતા હોવ તો તે અલગ વાત છે પરંતુ જો તમે માત્ર રોકાણના હેતુસર નવું મકાન ખરીદવા માંગતા હોવ તો તે ખોટો નિર્ણય હોઈ શકે છે. એકવાર જમીનમાં રોકાણ કરવું હજુ  પણ સારું છે, પરંતુ મકાનમાં રોકાણ કરવું એ બિલકુલ નફાકારક સોદો નથી. જો તમે ઘર ખરીદીને ભાડે આપી દો છો તો પણ રીટર્ન ઘણું ઓછું મળે છે. કોઈએ 1 કરોડ રૂપિયાની પ્રોપર્ટી ખરીદી હોય તો પણ તે પ્રોપર્ટીનું ભાડું 20 હજાર રૂપિયાથી વધુ નથી આવતું. જો આટલા પૈસા બીજે ક્યાંક રોકશો તો સારું વળતર મળશે.

આર્થિક બજેટને કેવી રીતે અસર કરે છે હોમ લોન?

મકાનની 100 ટકા કિંમત પર હોમ લોન નથી મળતી. કોઈપણ ઘર ખરીદતી વખતે તમારે ડાઉન પેમેન્ટ તરીકે અમુક રકમ  પણ ચૂકવવી પડે છે. જો તમારી પાસે એટલી રકમ નથી તો તમારે એ પણ વિચારવું જોઈએ કે શું તમે આ માટે બીજે ક્યાંકથી ઉધાર લેશો, જેનાથી દેવાનો બોજ વધી જશે. હોમ લોન લેવાનો અર્થ એ છે કે તમારે ઘણા વર્ષો સુધી EMI ચૂકવવી પડશે. આમાં તમારી માસિક આવકનો મોટો ભાગ જતો રહેશે. એવામાં જરૂરી છે કે બજેટ બનાવો અને જુઓ કે દર મહિને કેટલી લોન ચૂકવી શકો છો. એ  પણ ધ્યાનમાં રાખવું જોઈએ કે વ્યાજ દર શું છે અને વ્યાજ સાથે કુલ કેટલા પૈસા ચૂકવવા પડશે. આ માત્ર લોનની EMI નથી. નવું ઘર હોવું એટલે ઘરની જાળવણી કરવી અને તેનો ટેક્સ  પણ ભરવો. આ નાના ખર્ચાઓ પણ બજેટને અસર કરી શકે છે.

બીજું ઘર ખરીદવાનું નક્કી કરતાં પહેલાં આ નાણાકીય સવાલો ધ્યાનમાં રાખો:

  • શું તમે તમારી આવકના ઓછામાં ઓછા 15% નિવૃત્તિ માટે બચાવો છો?
  • શું તમારી પાસે કોઈ કટોકટીના 6 મહિના (શક્ય હોય તો 9 મહિના) ખર્ચો કાઢવા માટે પૂરતી બચત છે?
  • શું તમે તમારું ક્રેડિટ કાર્ડ બિલ ચૂકવી દીધું છે?
  • શું તમે તમારી હાલની હોમ લોન ચૂકવી દીધી છે?
  • જો તમારે બાળકો છે, તો શું તમે તેમના કૉલેજ ફંડ માટે પૈસા બચાવવાનું શરૂ કરી દીધું છે?
  • જો કંઈક અણધારી ઘટના બને તો શું તમે તમારા બીજા ઘર માટે લોન ચૂકવી શકશો?

કહેવાય છે કે ખરાબ સમય કહીને નથી આવતો. અકસ્માત થાય કે નોકરી જતી રહે કે અન્ય કોઈ અપ્રિય ઘટના બને… તો આવી સ્થિતિમાં શું કરશો? શું તમે લાખોની બેંક લોનની ચુકવણી કરી શકશો? આના પર ખાસ વિચાર કરવો જોઈએ.

ભવિષ્યમાં પારિવારિક જવાબદારીઓ વિશે  પણ વિચારવું જોઈએ. જેમ કે ભાઈઓ, બહેનો અને બાળકોના લગ્ન. શિક્ષણ અથવા ફરવાનો ખર્ચ. એ સુનિશ્ચિત કરવું જોઈએ કે પૈસાની અછતને કારણે અન્ય યોજનાઓ મુલતવી ન રાખવી પડે કે ન તો ખર્ચમાં ઘટાડો કરવો પડે. નાણાકીય આયોજન આ રીતે કરો. નાણાકીય આયોજન કરવાનો અર્થ એ છે કે એ વસ્તુઓને પ્રાથમિકતા આપો અને અન્ય લક્ષ્યોને અવગણશો નહીં. અલબત્ત, બીજું ઘર ખરીદતી વખતે, તમારે સમારકામ, જાળવણી અને પ્રોપર્ટી ટેક્સ જેવા ખર્ચને  પણ ધ્યાનમાં લેવા પડે છે. આ ખર્ચ તમારા બજેટને બગાડી શકે છે અથવા કોઈ પ્લાનિંગને અસર કરી શકે છે.

છતાં, લોન પર નવું મકાન ખરીદવું હોય તો કઈ બાબતોનું ધ્યાન રાખવું ?

ઘર ખરીદતી વખતે એક મહત્ત્વનો નિયમ એ છે કે બીજું ઘર ખરીદવા માટે જેટલા પૈસા લાગે છે એના ઓછામાં ઓછા 50% પૈસા લિક્વિડ એસેટમાં હોવા જોઈએ. લિક્વિડ એસેટ્સ એટલે એ પૈસા કે જેને ઝડપથી વેચીને અથવા ઉપાડીને વાપરી શકો છો. જેમ કે બચત ખાતામાં જમા કરાયેલા નાણાં, મ્યુચ્યુઅલ ફંડ અથવા શેરબજારમાં રોકાયેલા નાણાં. જો એટલા લિક્વિડ એસેટ્સ ન હોય તો પહેલા તમારે બચત વધારવી જોઈએ અથવા ઓછી કિંમતવાળું ઘર શોધવું જોઈએ. આ ઉપરાંત જમીનની સંપૂર્ણ તપાસ કરી લેવી જોઈએ. જમીન કાયદેસર રીતે માન્ય છે કે નહીં અને તેને લગતા કોઈ વિવાદો છે કે કેમ તે જોવું જરૂરી છે. દરેક બાબતને સમજી વિચારીને જ નિર્ણય લેવો. ઉતાવળમાં લીધેલા નિર્ણયથી આર્થિક સંકટ આવી શકે છે.


Related Posts