આજે ભાજપનું 93 બેઠક પર કાર્પેટ બોમ્બિંગ:કેન્દ્રના 13 -પ્રદેશના 4 નેતા સભા ગજવશે

ગુજરાતમાં પ્રથમ અને બીજા તબક્કામાં ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે. હવે આજે ભાજપ દ્વારા પ્રચંડ પ્રચાર શરૂ કરવામાં આવશે. મતદાનને આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. ત્યારે ભાજપ બીજા તબક્કાની 93 બેઠક પર એકસાથે સભા ગજવશે. ભાજપે આ માટે કેન્દ્રના 13 અને પ્રદેશના 4 નેતાને જવાબદારી સોંપી છે. એ ઉપરાંત ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી સહિત મંત્રીઓ અને સાંસદોની ફોજ પણ પ્રચારના મેદાનમાં ઉતારી દીધી છે.

ભાજપના અલ્પેશ ઠાકોર પોતાના કાર્યાલયના ઉદઘાટનમાં ના ફરક્યા
ગાંધીનગરમાં દક્ષિણ બેઠક પરથી ભાજપે આ વખતે અલ્પેશ ઠાકોરને ટિકિટ આપીને મેદાને ઉતાર્યા છે. જોકે તેમના નામની જાહેરાત પહેલાં જ સ્થાનિક કાર્યકરોએ વિરોધ કર્યો હતો. આ વચ્ચે ગાંધીનગર દક્ષિણ બેઠકના ઉમેદવાર અલ્પેશ ઠાકોરના કાર્યાલયનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. આ ઉદઘાટનમાં અલ્પેશ ઠાકોર પોતે જ ગેરહાજર હતા. ગાંધીનગરના રાંદેસણ ખાતે ગૃહમંત્રી હર્ષ સંઘવી અને ગાંધીનગરના મેયર હિતેશ મકવાણાએ કાર્યાલયનું ઉદઘાટન કર્યું. ખુદ ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કાર્યાલયના ઉદઘાટનના ફોટો સોશિયલ મીડિયામાં પોસ્ટ કર્યા હતા, જેમાં અલ્પેશ ઠાકોરના પોસ્ટર તો દેખાયા, પણ અલ્પેશ ઠાકોર પોતે ક્યાંય દેખાયા જ નહીં. ખાસ વાત છે કે બે દિવસ પહેલાં જ ચિલોડા ખાતે કાર્યાલયના ઉદગાટન દરમિયાન જ અલ્પેશ ઠાકોર વિરુદ્ધ સૂત્રોચ્ચાર થયો હતો અને અલ્પેશ ગો બેકના નારા લાગ્યા હતા.

93 બેઠક પર ભાજપના નેતાઓ સભાઓ કરશે
વડાપ્રધાન મોદી 19 તારીખથી ગુજરાતના પ્રવાસે હતા, પરંતુ ફરીવાર આવતીકાલથી તેઓ બે દિવસ ગુજરાત આવશે. 23 નવેમ્બરે તેઓ મહેસાણા, દાહોદ, વડોદરામાં રેલી કરશે, જ્યારે 24 નવેમ્બરે પાલનપુર, દહેગામ, અમદાવાદ ગ્રામ્યમાં સભા ગજવશે. હિમાચલ પ્રદેશના CM જયરામ ઠાકુર, આસામના CM હિમંતા બિસ્વા સરમા અને મહારાષ્ટ્રના CM દેવેન્દ્ર ફડણવીસ ત્રણ-ત્રણ જનસભા ગજવશે. કેન્દ્રીય મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવત, અજય ભટ્ટ, કૈલાસ ચૌધરી પણ પ્રચાર સભાઓ સંબોધશે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ વિનોદ તાવડે 4 રેલી સંબોધશે.

કામિનીબા રાઠેડે આજે ભાજપમાં જોડાશે

દહેગામના પૂર્વ ધારાસભ્ય કામિનીબા રાઠોડે કોંગ્રેસના તમામ પદ પરથી રાજીનામું આપ્યું છે. આજે કામિનીબા રાઠોડ ભાજપમાં જોડાશે. દહેગામ બેઠકથી ટિકિટ ના મળતાં તેઓ નારાજ થયા હતા. કોંગ્રેસે ટિકિટ ના આપતાં તેમણે અપક્ષ ઉમેદવારી કરી હતી, જે બાદ તેમણે આજે પક્ષને રાજીનામું ધર્યું છે. હાલમાં જ કામિનીબા રાઠોડે કોંગ્રેસમાં રૂપિયા લઈને ટિકિટના સોદા થયાના આક્ષેપ કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »

Nationgujarat Subscribe