આજે ગુજરાતમાં પ્રધાનમંત્રી મોદી ; ચાર શહેરોમાં સભા સંબોધશે

ગુજરાતમાં ચૂંટણી પ્રચારની કમાન ખુદ પ્રધાનમંત્રી મોદીએ સંભાળી છે, ત્યારે આજે પીએમ મોદી ગુજરાતના પ્રવાસે છે. તેઓ આજે (બુધવારે) ગુજરાતના વિવિધ શહેરોમાં ચાર સભા સંબોધશે. આજે પ્રધાનમંત્રી મહેસાણા, દાહોદ, વડોદરા અને ભાવનગરમાં વિરાટ જનસભા સંબોધશે અને ભાજપનો પ્રચાર કરશે. વિધાનસભાની ચૂંટણીને લઇને રાજકીય પક્ષો તાબડતોબ જનસભા અને રોડ શો યોજી રહ્યાં છે.આ દરમિયાન આજે પ્રધાનમંત્રી મોદી ફરી ઝંઝાવતી પ્રચાર કરશે. આજે પ્રધાનમંત્રી મોદી મહેસાણામાં 12.30 વાગ્યે જનસભા સંબોધશે. આ બાદ તેઓ બપોરે 2.30 વાગ્યે દાહોદમાં, સાંજે 4.30 વાગ્યે વડોદરાના નવલખી મેદાનમાં અને 6.30 વાગ્યે ભાવનગરમાં સભાને સંબોધશે.

મહેસાણામાં સભા 
આવતીકાલે મહેસાણામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જંગી સભા યોજાશે. મહેસાણા એરપોર્ટ ખાતે પીએમની જાહેર સભા યોજાશે. વડાપ્રધાન મહેસાણા જિલ્લાની 7 વિધાનસભા બેઠકોના ચૂંટણી પ્રચાર અર્થે જાહેર સભા સંબોધશે. મહેસાણા એરપોર્ટ ગ્રાઉન્ડ ખાતે પીએમની જાહેર સભા માટે જિલ્લા ભાજપ સંગઠન દ્વાર તૈયારીઓને અંતિમ ઓપઅપાઈ રહ્યો છે. ચૂંટણી પૂર્વે આ સભા મહેસાણા જિલ્લાની 7 બેઠકો માટે ખૂબ મહત્વની સાબિત થશે.

વડોદરામાં સભા 
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે વડોદરાના પ્રવાસે આવી રહ્યા છે. વડોદરા શહેર અને જિલ્લાની 10 બેઠકો માટે તેઓ સભા કરવાના છે. જેની તૈયારી માટે ભાજપ સક્રિય બન્યું છે. પ્રધાનમંત્રીની સભા માટે 21 રોડ પર પ્રવેશ બંધી કરવામાં આવી છે. સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પોલીસ કર્મચારીઓને સજ્જ રહેવા સૂચના આપવામાં આવી છે. વોર્ડ પ્રમાણે ગ્રૂપ મીટિંગ યોજી લિસ્ટ બનાવવા સૂચના અપાઈ છે. સભામાં એક લાખ લોકો ભેગા કરવા માટે ખાસ બસ મુકવામાં આવશે. 1 લાખ લોકો ભેગા કરવા 19 વોર્ડમાં 25 બસ મૂકવામાં આવશે

દાહોદમાં પ્રધાનમંત્રીની સભા 
આવતીકાલે બપોરે ત્રણ વાગે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દાહોદ જિલ્લા સભા સંબોધશે. તેઓ 6 વિધાનસભા બેઠકોના પ્રચાર માટે ડોકી ગામ ખાતે આવેલ ગ્રાઉન્ડમાં જનમેદની સંબોધશે. ત્યારે વડાપ્રધાનના આગમન પૂર્વે તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. સુરક્ષા માટે 1500 જેટલા પોલીસ જવાનો પણ હાજર રહેવાના છે. અંદાજિત 1 લાખની જનમેદનીને વડાપ્રધાન સંબોધિત કરવાના છે.

ભાવનગરમાં સભા 
આવતીકાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાવનગરની ભૂમિ પર પધારી રહ્યા છે. ભાવનગર શહેરના ચિત્રા વિસ્તારમાં આવેલા સ્વામિનારાયણ મંદિર પાછળના ગ્રાઉન્ડમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જાહેર સભાનું આયોજન કરાયું છે. પોલીસ તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. પીએમના બંદોબસ્તની ખાસ એક્શન પ્લાન તૈયાર કરી લેવામાં આવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Translate »

Nationgujarat Subscribe