અમે પાર્ટીની નહીં, પ્રજાની મહેરબાનીએ જીવીએ છીએ’, સસ્પેન્સન બાદ માવજી પટેલનો ભાજપને સણસણતો જવાબ

By: nationgujarat
10 Nov, 2024

Banaskantha Vav By-Election : વાવ બેઠકની પેટાચૂંટણીને આડે હવે ફક્ત બે દિવસ બાકી રહ્યાં છે ત્યારે ઊંઘમાંથી અચાનક જાગેલી ભાજપને પક્ષના બળવાખોર ઉમેદવાર માવજી પટેલને સસ્પેન્ડ કરવાનું યાદ આવ્યું અને તાબડતોબ સસ્પેન્ડ કર્યા. આ મુદ્દે વાવ બેઠકના અપક્ષ ઉમેદવાર અને ભાજપના સસ્પેન્ડ કરાયેલા અગ્રણી માવજી પટેલે ભાજપને સણસણતો જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે, ‘અમે પાર્ટીની નહીં, પ્રજાની મહેરબાનીએ જીવીએ છીએ.’

માવજી પટેલે ભાજપને રોકડું પકડાવ્યું

માવજી પટેલે કહ્યું કે, ‘ભાજપનું કામ ભાજપ કરે, અમારું કામ અમે કર્યું છે. શું કરવું અને શું ના કરવું એ મારા હાથની વાત છે. ભાજપે કોઈ હોદ્દો કે પદ અમને આપ્યું નથી. ભાજપે કશું આપ્યું નથી એટલે અમારી પાસેથી શું લેશે ? હું ભાજપમાં કંઈ હતો પણ નહીં, ભાજપ મને શું સસ્પેન્ડ કરે, મેં જે દિવસે ફોર્મ ભર્યું ત્યારથી જ હું ભાજપનો નથી. મારી પાઘડીની લાજ ભગવાન રાખશે.’

અમે જંગલમાં તૈયારી સાથે જ નીકળ્યા છીએ: માવજી પટેલ

માવજીભાઈ પટેલે વધુમાં કહ્યું કે, ‘લાલજીભાઈને પણ સસ્પેન્ડ કર્યા છે પરંતુ તેમને પણ કશું ભાજપે આપ્યુ નથી. આપ્યું તો જામાભાઈને પણ કશું નથી. ભાજપ ગમે તે પગલું ભરે, અમે તૈયારી સાથે નીકળ્યા છીએ. જંગલમાં નીકળ્યા હોય ત્યારે સિંહની તૈયારી રાખીને જ નીકળાય. સિંહ સામે આવશે તો સિંહને પણ કંટ્રોલ કરીશું. અમે કોઈ પાર્ટીની મહેરબાની પર નથી જીવતા અમે પ્રજાની મહેરબાનીથી જીવીએ છીએ.

ચૂંટણીના બે દિવસ પહેલા માવજી પટેલ સહિતના બળવાખોરોને ભાજપ દ્વારા સસ્પેન્ડ કરવા મુદ્દે માવજી પટેલે પલટવાર કર્યો છે, જેને લઈને વાવની ચૂંટણીમાં રાજકીય ગરમાવો આવી ગયો છે. આ કહેવાતા બળવાખોરો આખરે કોને ભારે પડે છે તેતો ચૂંટણીના પરિણામો આવશે ત્યારે જ ખબર પડશે.


Related Posts